Page Views: 7678

અશ્વિનીકુમારે તાપી નદીના પાળા પાસે પુજાવિધિ કરવા ગયેલા રાજસ્થાની પરિવારને લૂંટી લેવાયો

૬-૭ બદમાશોએ વેપારી સહિતનાઓને માર મારીને લુટી લીધા

સુરત-12-02-2020

વરાછામાં અશ્વિનીકુમાર તાપી નદીના પાળા પાસે પુજાવિધિ કરવા ગયેલા રાજસ્થાની પરિવારને લૂંટી લેવાયો હતો. ૬-૭ બદમાશો માર મારી વેપારી, તેમના ભાઇ, વેવાઇ પાસેથી રોકડા રૂપિયા ૨૦ હજાર અને ૩ મોબાઇલ લૂંટી ભાગી છૂટતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

મૂળ રાજસ્થાનના અને હાલ પરવટ પાટિયા સ્થિત કૈલાસનગર ખાતે રહેતા મુકેશભાઇ જવાહરભાઇ પુરોહિત કાપડના વેપારી છે. સુરત ટેક્સ્ટાઇલ માર્કેટમાં તેમની દુકાન છે. ગતરાત્રે મુકેશભાઇ તેમના ભાઇ પ્રકાશભાઇ અને વેવાઇ મકનારામ સાથે અશ્વિનીકુમાર તાપી નદીના પાળા પર ગયા હતા. અહીં તેઓ તાપીમાં પુજાના ફૂલ, શ્રીફળ વિસર્જિત કરવા જઇ રહ્યા હતા ત્યારે ૬-૭ યુવકો તેઓ પાસે ધસી ગયા હતા. તેઓએ ત્રણેય સાથે ગાળાગાળી કર્યા બાદ ઘેરાવ કરી મારપીટ શરૂ કરી દીધી હતી. ઢોર માર મારી ત્રણેય રાજસ્થાનીઓ પાસેથી રોકડા રૂપિયા ૨૦ હજાર અને ૩ મોબાઇલ છીનવી બદમાશો છૂમંતર થઇ ગયા હતા. આરોપીઓ નશાનું સેવન કરતા હોવાનું અને અહીં પાળા પર પડયા પાથર્યા રહેતા હોવાની પોલીસને આશંકા છે. બનાવ અંગે મુકેશભાઇ પુરોહિતે ફરિયાદ આપતા વરાછા પોલીસે સાત જણા સામે ધાડનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.