Page Views: 13228

દિલ્હીના પરિણામો પછી ભાજપનું આત્મમંથન ભાથામાં બાણ ખુટ્યા કે લોકો ઓળખી ગયા

માત્ર લોકોની લાગણીઓ સાથે ખીલવાડ કરીને ચૂંટણીઓ નથી જીતી શકાતી- નક્કર કામ જ કરવું પડશે એવું હવે ટોચની નેતાગીરી વિચારતી થઇ – ગુજરાતમાં અસર પણ દેખાવા લાગી

સુરત(કિરીટ ત્રિવેદી દ્વારા-9173532179)

મહારાષ્ટ્ર પછી ઝારખંડ અને હવે દિલ્હી ભાજપનો કેસરીયો ધીમે ધીમે સંકોચાઇ રહ્યો છે. દિલ્હીની હાર પછી હવે ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ અને આરએસએસની થીંક ટેન્ક ગણાતા અગ્રણીઓ પણ બે દિવસથી આત્મ મંથન કરતા થઇ ગયા છે કે, આખરે ભૂલ ક્યાં થઇ રહી છે. છેલ્લા નવ મહિનામાં છ રાજ્યોમાં સત્તા કઇ રીતે ગઇ. ક્યા મુદાએ લોકોએ ભાજપના ઉમેદવારોને જાકારો આપ્યો અને મતદારો કેમ વિમુખ થઇ રહ્યા છે. આ મનોમંથનની પ્રથમ અસર ટેસ્ટીગ લેબ ગણાતા ગુજરાતમાં થઇ છે અને ગઇ કાલે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેબિનેટ મિટીંગ બોલાવીને મંત્રીઓને લોકોના કામો પ્રત્યે સાવધ રહેવા સૂચનાઓ આપી છે. અલબત દિલ્હી દરબારમાંથી જ આ આદેશ આવ્યો હશે એમ માની શકાય. ઉપરાંત કૃષિમંત્રી આર સી ફળદુએ પણ મિડીયા સામે એવીને ગુજરાતના ખેડૂતોના ખાતામાં રૂપિયા 30 હજાર કરોડ જમા થઇ ગયાનું નિવેદન આપ્યું છે જે સૂચક છે.

લોકસભાની ચૂંટણી પછી ફરી સત્તા પર આવેલા  ભાજપે કલમ ૩૭૦ હટાવવાનો નિર્ણય કર્યો છે. નાગરિકતા સંશોધન કાયદો પણ હમણા જ અમલમાં આવ્યો છે. અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે ટ્રસ્ટ નિર્માણની જાહેરાત દિલ્હીની ચૂંટણીના મતદાન પૂર્વે ૩ દિવસે કરવામાં આવી હતી. આ બધા લોકલાગણીને ચોક્કસ દિશામાં વાળી શકે તેવા મુદ્દા છે, છતાં દિલ્હીના મતદારોએ તે સ્વીકાર્યા નથી. લોકોને આવા મુદ્દા કરતા સીધા ફાયદા કે નુકશાનની વાત જલદી સ્પર્શે છે. સીએએ, રામ મંદિર, કલમ ૩૭૦ વગેરે મુદ્દા ભાજપને જીતાડવા સક્ષમ ન રહ્યાનું સ્પષ્ટ થઈ ગયુ છે.

ભાજપે એક સમયે વિકાસની રાજનીતિનો નારો લગાવેલ. તેને જે તે વખતે મતદારોએ આવકાર્યો હતો. છેલ્લી બે ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં વિકાસના મુદ્દાના બદલે ભાવનાત્મક મુદ્દાઓ ભાજપે ઉછાળેલ પરંતુ મતદારોએ તેમા રસ દાખવ્યો નથી. ભાજપે દિલ્હીમાં વિકાસનો મુદ્દો છોડી દીધો તેને કેજરીવાલે પકડીને સફળતા મેળવી છે. વર્ષો પહેલાની અને અત્યારની રાજકીય પરિસ્થિતિમાં જમીન - આસમાનનો ફેર છે. અત્યારે પ્રિન્ટ મીડીયા અને ઈલેકટ્રોનીક મિડીયા ઉપરાંત સોશ્યલ મીડીયા શકિતશાળી માધ્યમ થઈ ગયુ છે. નજીકના સમયમાં આવી રહેલી ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપ નવી જ વ્યુહ રચના બનાવવા માટે મજબુર બન્યો છે કોંગ્રેસને કંઇ ગુમાવવાનું કે મેળવવાનું નથી પરંતુ આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી સાથે હાથ મિલાવીને ભાજપને ભોંય ભારે પાડી દે તો નવાઇ નહીં રહે.