Page Views: 6900

ખલનાયક નામે પ્રાણની એવી ધાક હતી કે માતાઓ પોતાના સંતાનનું નામ પ્રાણ ન રાખતી

એક સમયે પ્રાણ સૌથી વધુ ફી લેનારા સહાયક અભિનેતા હતા

સુરત-નરેશ કાપડિઆ દ્વારા

 

હિન્દી ફિલ્મોના ખતરનાક ખલનાયક અને અદભુત સહાયક અભિનેતા પ્રાણ સાહેબ જીવતા હોત તો આજે ૧૦૦ વર્ષના થાત. ૧૨ ફેબ્રુઆરી, ૧૯૨૦ના રોજ દિલ્હીમાં તેમનો જન્મ. તેઓ ૧૯૪૦-૪૭ દરમિયાન હીરો, ૧૯૪૨-૧૯૯૧ દરમિયાન વિલન અને ૧૯૪૮-૨૦૦૭ સુધી સહાયક અને ચરિત્ર ભૂમિકાઓ કરતાં રહ્યાં. તેમને અનેક ફિલ્મફેર અને અન્ય એવોર્ડ્સથી સન્માનિત કરાયા હતાં.

પોતાની લાંબી કરિયર દરમિયાન પ્રાણ સાહેબે ૩૫૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ ‘ખાનદાન’ (૧૯૪૨), ‘પીલપીલી સાહેબ’ કે ‘હાલાકુ’માં હીરો તરીકે દેખાયા હતાં, જયારે ‘મધુમતી’, ‘જિસ દેશ મેં ગંગા બેહતી હૈ’, ‘ઉપકાર’, ‘શહીદ’, ‘પૂરબ ઔર પશ્ચિમ’, ‘રામ ઔર શ્યામ’, ‘આંસૂ બન ગયે ફૂલ’, ‘જ્હોની મેરા નામ’, ‘વિક્ટોરિયા નં. ૨૦૩’, ‘બે-ઈમાન’, ‘ઝંજીર’, ‘ડોન’, ‘અમર અકબર એન્થોની’ કે ‘દુનિયા’ જેવી ફિલ્મોમાં તેમણે યાદગાર ભૂમિકાઓ કરી હતી.

પ્રાણે નકારાત્મક અને સકારાત્મક બંને પ્રકારની ભૂમિકાઓ કરીને દર્શકોની વાહવાહી લૂટી હતી. તેમને ‘ઉપકાર’, ‘આંસૂ બન ગયે ફૂલ’, ‘બે-ઈમાન’ ફિલ્મોની ભૂમિકા બદલ શ્રેષ્ઠ સહાયક અભિનેતા રૂપે ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં હતાં. ૧૯૯૭માં તેમને ફિલ્મફેર લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. સ્ટારડસ્ટ મેગેઝીને ૨૦૦૦ના વર્ષમાં પ્રાણને ‘વિલન ઓફ મિલેનિયમ’ એવોર્ડ આપ્યો હતો. ભારત સરકારે ૨૦૦૧માં પ્રાણને પદ્મભૂષણના ઇલકાબથી અને ૨૦૧૩માં સિનેમાના સર્વોચ્ચ સન્માન ‘દાદા સાહેબ ફાળકે’ એવોર્ડથી નવાજ્યા હતા. ૨૦૧૦માં સીએનએન દ્વારા ‘ટોપ ૨૫ ઓલ ટાઈમ એશિયન એક્ટર્સ’ની યાદીમાં પ્રાણ સાહેબનું નામ મુકાયું હતું.

ક્યારેક જે વિસ્તારમાં મિર્ઝા ગાલિબ રહેતાં હતા તે જૂની દિલ્હીના બલ્લીમારન, કોટગઢ, જૂની દિલ્હીમાં ધનવાન પંજાબી પરિવારમાં ૧૨ ફેબ્રુઆરી, ૧૯૨૦માં કેવલ કીશન સિકંદને ત્યાં પ્રાણનો જન્મ થયો હતો. તેમના પિતા સિવિલ એન્જિનિયર અને સરકારી સિવિલ કોન્ટ્રક્ટર હતા. માતા રામેશ્વરી દેવીને પેટે સાત સંતાનો હતા, જેમાં ચાર દીકરા અને ત્રણ દીકરીઓ હતી. પ્રાણ ભણવામાં હોશિયાર હતા, તેમનું ગણિત ખુબ સારું હતું. પિતાના બદલી થતી નોકરીને કારણે પ્રાણે દેહરાદૂન, કપૂરથલા, મિરત અને ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં અભ્યાસ કર્યો હતો. રામપુરથી તેઓ મેટ્રીક થયા હતા. ત્યાર બાદ તેઓ દિલ્હીમાં પ્રોફેશનલ ફોટોગ્રાફરનું કામ શીખવા રહ્યાં. તેઓ શિમલા જતાં અને ત્યાંની રામલીલામાં સીતાની ભૂમિકા કરતા. મદન પુરી ત્યારે રામની ભૂમિકા કરતા.

દલસુખ પંચોલીની પંજાબી ફિલ્મ ‘યમલા જાટ’ (૧૯૪૦)માં તેમણે પહેલી ભૂમિકા કરી. પછી થોડી નાની ભૂમિકાઓ મળી. પંચોલીએ જ પ્રાણને ‘ખાનદાન’ (૧૯૪૨)માં લીધા, જે પ્રાણની પહેલી હિન્દી ફિલ્મ બની. તેમાં તેઓ રોમાન્ટિક ભૂમિકામાં હતા, હિરોઈન હતા નૂરજહાં, જેઓ માંડ ૧૫ વર્ષના હતાં.૧૯૪૭ સુધીમાં તો પ્રાણની ૧૮ ફિલ્મો આવી ગઈ હતી. પછી પ્રાણ લાહોરથી મુંબઈ આવ્યા. આઠ મહિના તેમણે મરીન ડ્રાઈવની ડેલ્મર હોટેલમાં કામ કર્યું, પછી ફિલ્મમાં કામ મળ્યું. સઆદત હસન મંટો તેમના મિત્ર હતા, તેમને લીધે પ્રાણને દેવ આનંદની ‘ઝીદ્દી’માં કામ મળ્યું. તરત ત્રણ ફિલ્મો મળી. રાજ, દિલીપ અને દેવ જેવા સ્ટાર્સ સામે તેઓ વિલન બનતા રહ્યા. ૧૯૬૮થી ૧૯૮૨ દરમિયાન પ્રાણ સૌથી વધુ ફી લેતાં સહાયક અભિનેતા હતા.

દિલીપ કુમાર સામેની ફિલ્મોમાં તેમણે યાદગાર નકારાત્મક ભૂમિકા કરી, જેમાં ‘આઝાદ’, ‘દેવદાસ’, ‘મધુમતી’, ‘દિલ દિયા દર્દ લિયા’, ‘રામ ઔર શ્યામ’ કે ‘આદમી’ યાદગાર હતી. દેવ આનંદ સાથે ‘ઝીદ્દી’, ‘મુનીમજી’, ‘અમર દીપ’, ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ આવી. દેવ-પ્રાણ વર્ષો સુધી સાથે કામ કરતા રહ્યા, જેમાં ‘જ્હોની મેરા નામ’, ‘યે ગુલીસ્તા હમારા’, ‘જોશીલા’, ‘વોરંટ’ કે ‘દેશ પરદેશ’ (૧૯૭૮)ને યાદ કરી શકાય. રાજ કપૂર સાથે ‘આહ’, ‘ચોરી ચોરી’, ‘જાગતે રહો’, ‘છલિયા’, ‘જિસ દેશ મેં ગંગા બેહતી હૈ’, ‘દિલ હી તો હૈ’ માં પ્રાણ ચમક્યા હતાં.

સાંઠથી સિત્તેરના દાયકામાં પ્રાણ સાહેબ 5૦ની ઉમર વટાવી હોવા છતાં, સારી ભૂમિકા મેળવતા રહ્યા. શમ્મી કપૂર, જોય મુખર્જી, રાજેન્દ્ર કુમાર અને ધર્મેન્દ્ર સામે તેમને સારી ભૂમિકાઓ મળતી રહી. ‘પૂજા કે ફૂલ’ કે ‘કાશ્મીર કી કલી’ જેવી ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકા સાથે તેઓ કોમેડી પણ કરતા રહ્યા. કિશોર કુમાર કે મેહમૂદ સાથે પણ તેઓ ‘સાધુ ઔર શૈતાન’, ‘લાખોં મે એક’, ‘આશા’, ‘બેવકૂફ’, ‘હાફ ટિકટ’ કે ‘મનમૌજી’માં કોમેડી કરતા હતા. ‘જંગલ મેં મંગલ’ કે ‘ધર્મા’ કે ‘એક કુંવારી એક કુંવારા’માં પણ તેમણે કોમેડી કરી.

પણ મનોજ કુમારની ‘ઉપકાર’ (૧૯૬૭)થી પ્રાણ બદલાયા. તેઓ ગંભીર સહાયક ભૂમિકામાં ‘કસમે વાદે પ્યાર વફા’ ગાતા હતા. એવોર્ડ મળ્યો. પછી ‘પૂરબ ઔર પશ્ચિમ’, ‘બેઈમાન’, ‘સન્યાસી’ કે ‘દસ નંબરી’ સુધી દેખાયા. અશોક કુમાર અને પ્રાણે ૧૯૫૧-૮૭ દરમિયાન ૨૭ ફિલ્મો સાથે કરી છે. તેમાંયે ‘વિક્ટોરિયા નં. ૨૦૩’ કે ‘ચોરી મેરા કામ’ યાદગાર હતી. હવે તેમના ‘હમ બોલેગા તો’ કે ‘માયકલ દારુ પી કે’ જેવા ગીતો લોકપ્રિય થયા. રાજેશ ખન્ના યુગમાં પણ પ્રાણ ‘મર્યાદા’, ‘જાનવર’, ‘સૌતન’, ‘બેવફાઈ’ કે ‘દુર્ગા’માં દેખાયા તો અમિતાભ બચ્ચન સાથે તેમણે૧૪ ફિલ્મો કરી. ‘ઝંજીર’, ‘ડોન’, ‘અમર અકબર એન્થોની’, ‘દોસ્તાના’, ‘નસીબ’ કે ‘શરાબી’ આવી.

૭૮ વર્ષની વયે પ્રાણ સાહેબને ૧૯૯૮માં હૃદય રોગનો હુમલો થયો. હવે તેમણે ફિલ્મો ઓછી કરી. પ્રાણનો ખલનાયક તરીકેનો પ્રભાવ એટલો હતો કે માતાઓ સંતાનનું નામ ‘પ્રાણ’ રાખવાની ના પાડતી. ફિલ્મી ટાઈટલમાં તેમનું નામ અંતે ‘એન્ડ પ્રાણ’ રૂપે આવતું, માટે માટે તેમની આત્મકથાનું નામ આવ્યું, ‘... એન્ડ પ્રાણ’.

૨૦૧૩માં દાદાસાહેબ ફાળકે એવોર્ડ લેવા ૬૦માં નેશનલ એવોર્ડ કાર્યક્રમમાં જવાય તેમ નહોતું, માટે પ્રધાન મનીષ તિવારીએ તે એવોર્ડ પ્રાણ સાહેબને મુંબઈમાં ઘરે જઈને આપ્યો. તેજ વર્ષે ૧૨ જુલાઈએ લીલાવતી હોસ્પિટલમાં પ્રાણ સાહેબે જીવન લીલા સંકેલી લીધી.