Page Views: 86199

સુરતમાં માથાભારે સૂર્યા મરાઠી અને હુમલાખોર હાર્દિક પટેલે સામ સામે છરીના ઘા ઝીંકી એક બીજાને પતાવી દીધા

સૂર્યાના કેશિયર હાર્દિકને જમીનના વહીવટમાં કંઇ વાંકુ પડ્યું હોવાની વાતે વેડરોડ વિસ્તારમાં લોહિયાળ જંગ ખેલાયો - તાજેતરમાં જ સૂર્યા મરાઠી મનુ ડાહ્યા બારૈયા હત્યા કેસમાં નિર્દોષ છુટ્યો હતો

સુરત-12-2-2020

સુરત શહેરના વેડરોડ અખંડ આનંદ કોલેજ સામે આવેલી ત્રિભુવન સોસાયટીના નાકા પર આવેલા ઓમ સાંઇ એપાર્ટમેન્ટ ખાતે ઓફિસ ધરાવતા સૂર્યા મરાઠી પર આજે તેના જ સાગરીત હાર્દિક પટેલ સહિતના અન્ય છ લોકોએ તલવાર અને છરાથી હુમલો કર્યો હતો. આ હુમલામાં સૂર્યા મરાઠીએ પણ સામે હાર્દિકને છરીના ઘા ઝીંક્યા હતા બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાતા બન્નેના મોત થયા હતા.

પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, શહેરના વેડરોડ અખંડ આનંદ કોલેજ સામે આવેલી ત્રિભુવન સોસાયટીના નાકા પર આવેલા ઓમ સાંઇ એપાર્ટમેન્ટ ખાતે ઓફિસ ધરાવતા અસામાજીકતત્વ અને ખંડણીખોરની છાપ ધરાવતા સૂર્યા મરાઠી ઉપર આજે બપોરે તેના જ સાગરીત હાર્દિક પટેલ સહિત અન્ય છ વ્યક્તિએ તલવારો અને ઘાવ લઇને હુમલો કર્યો હતો. એકા એક હુમલો કરીને હાર્દિકે પહેલો ઘા સૂર્યાને પેટમાં મારી દીધો હતો જો કે, હંમેશા પોતાની સાથે જ હથિયાર રાખતા સૂર્યાએ તુરંત પોતાની પાસેનો છરો કાઢીને હાર્દિકને પોરવી દીધો હતો બન્નેએ એક બીજાને સામ સામે છરીઓના ઘા ઝીંકતા બન્ને લોહી લુહાણ થઇને ઢળી પડ્યા હતા. હાર્દિકના સાગરીતોએ પણ સૂર્યાને ઘેરીને તેને ઘાવ માર્યા હતા બાદમાં હાર્દિકને લોહી લુહાણ હાલતમાં છોડીને નાસી ગયા હતા.

હાર્દિક અને સૂર્યાને તાત્કાલિક સારવાર અર્થે મહાવીર ટ્રોમા સેન્ટરમાં લઇ જવાયા હતા જ્યાં પહેલા સૂર્યા મરાઠીને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. થોડી સારવાર બાદ હાર્દિક પટેલે પણ દમ તોડી દીધો હતો. બનાવ અંગે જાણ થતા કતારગામ પોલીસ અને ચોક બજાર પોલીસ સ્ટેશનનો કાફલો તુરંત વેડરોડ પર દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો તેમજ એફએસએલની ટીમને બોલાવીને તપાસ હાથ ધરી હતી.

ઃઃઃઃસૂર્યાનો કેશિયર હતો હાર્દિક

વેડરોડ – કતારગામ વિસ્તારમાં રાજે ગ્રુપ બનાવી અને ગણેશ ઉત્સવનું આયોજન સૂર્યા મરાઠી અને તેના માથાભારે સાગરીતો દ્વારા કરવામાં આવતું હતું. આ વિસ્તારના વેપારીઓ પાસેથી ગણેશ ઉત્સવ ઉજવવાના નામે ભંડોળ એકત્ર કરવાની જવાબદારી સૂર્યાએ હાર્દિક પટેલ નામના યુવાનને આપી હતી. ઉપરાંત જમીનોના વિવાદમાં મધ્યસ્થી કરવાથી માંડીને કોઇ પણ પ્રકારે રૂપિયાની લેવડ દેવડ કરવાની હોય તો સૂર્યા વતી હાર્દિક જ બધો વહીવટ કરતો હતો. હાર્દિક અને સૂર્યા વચ્ચે રૂપિયાની લેવડ દેવડ મામલે જ બબાલ થઇ હતી અને તેની અદાવતમાં જ આજે હાર્દિકે સૂર્યાની ગેંગના જ સાગરીતોને પોતાની તરફે કરી લઇને સૂર્યાનું ઢીમ ઢાળી દીધું હતું અને તેનો પણ લોહીયાળ અંત આવ્યો હતો.

ઃઃઃઃઃમનુ બારૈયા હત્યા કેસમાં તાજેતરમાં જ  સૂર્યા અને તેના સાગરીતો નિર્દોષ છુટ્યા હતા

વેડરોડ વિસ્તારમાં જ રહેતા મનું બારૈયા અને સુર્યા મરાઠી વચ્ચે અગાઉ ગેંગવોર ચાલતી હતી અને આ  ગેંગવોરમાં ગત 17-4-16 ના રોજ કતારગામ ગોતાલાવાડી વિસ્તારમાં આવેલા અમર હેર આર્ટમાં મનું બારૈયા દાઢી કરાવવા આવતા સુર્યા મરાઠીએ તેના પર હુમલો કર્યો હતો. સૂર્યાને હાથમાં પિસ્તોલ લઇને આવેલો જોઇને મનુ બારૈયા ભાગ્યો હતો પરંતુ તેણે પ્રથમ મનુ બારૈયાને પગમાં અને ત્યાર બાદ છાતિ અને માથામાં ગોળી મારી દીધી હતી. આ હત્યા કેસમાં સૂર્યા મરાઠી અને તેના સાગરીતો ઝડપાયા હતા. મનુ ડાહ્યા બારૈયા હત્યા કેસમાં તાજેતમાં જ સૂર્યા મરાઠી અને તેના સાગરીતો નિર્દોષ છુટ્યા હતા. હત્યા કેસમાં નિર્દોષ છુટ્યાના ગણતરીના દિવસોમાં જ સૂર્યાને તેના જ એક સમયના ખાસ સાગરીતે મોતને ઘાટ ઉતારી દીધો છે.

ઃઃઃઃવેડરોડ વિસ્તારની દુકાનો સ્વયંભૂ બંધ થઇ ગઇ

વેડરોડ પર જે સ્થળે સૂર્યાની હત્યા થઇ તેની આસપાસના વિસ્તારમાં આવેલી મોટા ભાગની તમામ દુકાનો વેપારીઓએ ટપો ટપ બંધ કરી દીધી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સૂર્યા અને તેના સાગરીતોનો એટલો આતંક છે કે, જો કોઇ વેપારી પોલીસ પાસે નિવેદન લખાવે અને તેની જાણ સૂર્યાના સાગરીતોને થાય તો તે વેપારીને આ ટપોરીઓ જીવવાનું હરામ કરી નાંખે છે આ ખોફને કારણે જ આજે બપોર બાદ અખંડ આનંદ કોલેજ વિસ્તારની દુકાનો ટપો ટપ બંધ થઇ ગઇ હતી.