Page Views: 23996

શૉપિઝેન ચિત્ર સ્પર્ધાના વિજેતાઓની ગદ્ય અને પદ્યની રચનાઓ માણો...

ગદ્ય અને પદ્ય વિભાગના વિજેતાઓને અભિનંદન

વાપી (નૂતન તુષાર કોઠારી ઉર્ફે નીલ દ્વારા)

શૉપિઝેન ગ્રુપ દ્વારા લેખકો અને કવિઓ પાસેથી વોટસ્ એપ ગ્રુપમાં આપવામાં આવેલા ચિત્ર ઉપર લખાણ લખવા માટેનો ટાસ્ક આપવામાં આવે છે. આ વખતે ગામડાના ચિત્ર ઉપર વિવિધ ગદ્ય અને પદ્યની કૃતિઓ મુકવામાં આવી હતી. તમામ સ્પર્ધકોની કૃતિઓ શ્રેષ્ઠ હતી જે પૈકી નિર્ણાયકો દ્વારા આ કૃતિઓને વિજેતા જાહેર કરવામાં આવી છે.

 

નિર્ણાયકો: નૂતન તુષાર કોઠારી 'નીલ', ડૉ હેતલબેન ચૌહાણ

 

........................

*પદ્ય વિભાગ:*

*મારું ગામ*

 

 

     ઘોઘમને કાંઠડે હો,

     ખોડાપીપર ગામ છે.

     નાનું ને રૂપાળું હો,

        મારું તે ગામ છે.......

પ્રગટેશ્વર મહાદેવ છે ને,

ઘંટેશ્વર મહાદેવ છે.

રામા  તે પીરના,

મંદિર દેખાય છે.

સુંદર સોહામણું હો,

        મારું તે ગામ છે......

ગામનાં પાદરમાં,

નિશાળ દેખાય છે.

ગૌશાળાની ગાયોનું,

પૂજન ત્યાં થાય છે.

શિક્ષિત ને ધાર્મિક હો,

       મારું તે ગામ છે......

હિંગળાજ માતા છે ને, 

હનુમાનજી મહારાજ છે. 

ચોરાનાં ચોકમાં, 

ઠાકોર મંદિર છે.

ભક્તિથી ભીંજાયેલા હો,

       મારું તે ગામ છે.... 

મુક્તિ કેરુ ધામ તો,

અદ્ભુત દેખાય છે. 

ખોડલ માતનાં,

મંદિર સોહાય છે. 

વૃક્ષોથી ઘેરાયેલું હો,

       મારું તે ગામ છે....

રૂપલા મામાને, 

પીઠડાઈ માત છે. 

નદીની વચ્ચે,

પીપળેશ્વર મહાદેવ છે.

રંગોથી રંગાયેલ હો,

      મારું તે ગામ છે....

બાપાની મઢુલી ને,

દશામાંના બેસણા. 

શાળાના મેદાનમાં, 

રોજ રમતો રમાય છે.

રમતું ભમતું હો,

       મારું તે ગામ છે....

ધાર્મિક ઉત્સવો,

ખુબ ઉમંગથી ઉજવાય છે.

આખા તે ગામની એક,

ગરબી લેવાય છે.

સંપીલું ને ખંતીલું હો,

        મારું તે ગામ છે.....

કહે છે રાજુ સાહેબ,

આવો ને એકવાર.

મનડાં હરખાશે હો,

  એવું આ ગામ છે.....

 

:- રાજેશભાઈ પટેલ 'રાજુસર'

 

*કહાણી*

પનિહારી ભરતી એક સમંદર,

સ્વાદ ભળે છે હાથનો અંદર,

મા ભેગા બે બાળ રમે છે...

બેઠાં બેઠાં કેવા મંગળ.

 

બાપ ઊભો છે ઊંચે છાંયે,

રસ્તો આખો કિલકારી ગાયે,

કુણું કુણું ઘાસ ઉભુ છે...

છાપરું મોંઘું મોટા પાયે.

 

એ ગોધન બેઠાં સંગ અમારે,

હેતથી નીરખે કેવી નારી,

ઊંચેરો આધાર ઊભો છે...

જાણે બનતો ગામની બારી,

 

મોજ મલકની હોય મજાની,

વાત રહે ના કોઈ ક્યાં છાની,

એ કુદરતના કરતબ કેવા...

લે કહી દીધી આજ કહાણી.

        - ભૂમિ પંડ્યા

*પાદર*

ક્યા ગયું એ પાદર મારું, જ્યાં ભાભાના ડાયરા થાતા'તા... 

 

ક્યા ગયા એ નદી કિનારા, જ્યાં ઝાંઝરીઆ ઝમઝમ થાતા'તા... 

 

ખોવાયું યૌવન છે જોને,  ક્યાંક મોબાઈલ અને ટીવીમાં,

ક્યાં ગયું એ માન મજાનુ, જ્યાં હાંકથી કામો થાતા'તા...

 

ખોવાયું બાળપણ છે ક્યાંક, આ ભારે ભણતરના ભારામાં, 

ક્યાં ગયા એ વડલા ઊંચા,  જ્યાં હરખે હિંચકા ખાતા'તા...

 

ખોવાયા છે નાદ સાંજના, એ પરોવાયા હવે મશીનમાં,

ક્યાં ગયા એ મંદિરીયા, જ્યાં ઝાલર વગાડવા લડતા'તા...

 

ખોવાયું છે મૌન "ક્ષિતિજ"નું, ઊંચી ઊંચી ઈમારતમાં,

ક્યાં ગયા એ વરસાદીયા, જ્યાં બીક વગર ભિંજાતા'તા... 

   - દેવર્ષિ વ્યાસ 'ક્ષિતિજ'

 

*હાલને ગામ જઈએ*

ઘોંઘાટ ને દૂષણ આ શહેરમાં,મન લાગે ના ક્યાંયે,

જો યાદ આવે તને ગામ, તો હાલને ગામ જઈએ.

 

એ પાદર  એ પરબડી, વડલો  ને વળી  એ ચૌટો,

ખેતરો એ  સુના પડ્યા, તો  હાલને ગામ જઈએ.

 

થાતી અકળામણ ભીડભાડમાં ને રુંધાતા શ્વાસ,

ખુલ્લા  મેદાનમાં  ખેલવા, હાલને  ગામ  જઈએ.

 

હિંડોળા  તો હાલતા ને, હૈયા  ડામાડોળ  થાતા.

લીમડે  હીંચવા  હીંચકે,  હાલને  ગામ  જઈએ.

 

ફ્રીઝની  બોટલના  પાણી  તો તરસ્યા જ રાખશે,

ગાગરમાં કૂવાના પાણી પીવા,હાલને ગામ જઈએ.

 

બારણાં  બંધ  કરી લોકો તો  સૈા ઘરમાં ભરાણા, 

ચોકમાં સહિયર ટોળે મળશે,હાલને ગામ જઈએ.

 

હાય હેલ્લો ને દૂરથી સલામ,ભાગમભાગ "વિશેષ",

આવો  આવો  કહી  ભેટવા, હાલને  ગામ જઈએ.

   -હર્ષદ મકવાણા "વિશેષ"

                        

*ગદ્યવિભાગ*

 

 *રેવા*

    "કોઈ પાણી દેવાવાળુ છે કે? દીકરાને હોંશે પરણાવ્યો. પણ એવું નસીબ ક્યાં?" મણીમાની રાડ સાંભળી રેવાએ ઝાટકે પથારી છોડી.

 

નાનકાની સોડ છૂટી એટલે એણે ભેંકડો માંડ્યો. પાછી વળી, તેને  કેડમાં નાંખી પાણી ભરેલો લોટો મણીમાની બાજુમાં જઈ પટકી આવી.

 

સત્તરમુ પૂરું થયું કે તરત બાપે ભરેલાં ઘરમાં પરણાવી કે કોઈ દુઃખ ન પડે પણ આ તો નરક..  રોજનું! નાવણીયે ભરાઈ. પાણી સાથે પાણી વહી રહ્યું.

 

નાનકાને માંડ ઠેકાણે પાડ્યો તો ફરી,"વહુ,આઠ દિવસ કથા સાંભળવા જવાનું છે. વહેલું ભાણું પીરસજો."

 

દોડતી રસોડામાં ભરાઈ. કથાનાં નામે તેની દોડાદોડી વધી ગઈ. શરીર થાકનું પોટલું બની ગયું.

 

નવમાં દિવસે મણીમાની બૂમનો ભાસ થયો. ઝબકીને જાગી. તડકાએ એનાં ઉઠવાની રાહ જોયા વગર પોતાનું સામ્રાજ્ય પાથરી દીધું હતું. નાનકો નણંદ પાસે રમતો હતો. મણીમા રોટલા ઘડી રહ્યાં હતાં. 

 

"મા, આજે.. મને.." રેવા ગભરાતાં પાસે બેસી ગઈ.

 

દડા જેઓ રોટલો થાળીમાં પટકતા ચૂલાનો તાપ સરખો કરી મણીમા ટહૂક્યા,"કાલે હું રોટલા ઘડતાં શીખી! ઓછાં તાપે કાચો રહે પણ વધારે તાપમાં બળી જાય. હમજાયુ." 

 

નાવણીયે આજે પણ બે પાણી વહ્યાં. ફક્ત તેનાં રંગ બદલાયાં.

     - વંદના વાણી

 "આ ચું ચે?" 

 

"દાદુ, જલ્દી… એક વસ્કુ બતાવ…" 

 

બે વર્ષની રેશમે બૂમ પાડી એટલે સિતાંષુએ છાપું સાઈડમાં મૂકી રેશમ સામે જોયું. તેના હાથમાં જનરલ નોલેજની બુક હતી અને તે વિસ્મય પૂર્વક તેમાં આપેલા ચિત્રો જોઈ રહી હતી. તેણે એક ચિત્ર તરફ ઈશારો કર્યો… 

 

"આ ચું ચે? "

 

સિતાંષુએ વ્હાલથી તેના માથે હાથ ફેરવી કહ્યું, 

 

"એ પોલીસ છે. આપણી મદદ કરે. આપણી ખોવાયેલી વસ્તુઓ શોધી આપે… "

 

સિતાંષુનું બોલવાનું હજુ ચાલુ હતુ ત્યા પાનુ બદલાઈ ગયુ અને નવા ચિત્ર સાથે ફરી એ જ સવાલ… 

 

"આ ચું ચે? "

 

સિતાંષુ હસી પડ્યો અને ફરી એકડે એકથી શરૂ કર્યું. 

 

"એ ગામડું છે."

 

આંખમાં પ્રશ્ન અને ચહેરા પર વિસ્મય સાથે બીજો પ્રશ્ન, 

 

" કાં ચે? કેઉં ઓય? લેચમ… જવુ… ઈંયા…" 

 

સિતાંષુના મનમાં કંઈ કેટલીય યાદો સળવળીને બેઠી થઈ ગઈ. પછી નિરાશાથી માથુ હલાવી કહ્યું, 

 

"ખોવાઇ ગયુ!!! "

 

ફરી પાનું પલટ્યુ અને રેશમની આશાભરી નજર પોલીસના ચિત્ર પર ચોંટી ગઇ… 

   - અમિષા પ્રણવ શાહ

 

   *ઊંઘ*

 

             પૂરપાટ વેગે ભાગતી કાળા રંગની મર્સિડીઝ કાર પાદરે પહોંચી ધીમી પડી ગઈ. ઘણ મારવા ઊંચકાયેલો મંગા લુહારનો બરછટ હાથ ઊંચો જ રહી ગયો. ઉસ્માન ખલીફાનો રતિયાની દાઢી પર ફરતો અસ્ત્રો અચાનક અટકી ગયો. ડેરીનાં ઓટલા પર બોઘરણામાંથી કેનમાં દૂધ ઠાલવી રહેલી નયનાનાં હાથ પણ અટકી ગયા અને નજર કાર પર ચોંટી ગઈ. મંથર ગતિએ કાર આગળ વધતી પંચાયતનું મકાન વટાવી ટેકરા ફળિયામાં પ્રવેશી. 

 

          નાનુ ભરવાડનો ચરવા નીકળેલ ભેંસનો કાફલો પણ કારને કોઈક અજાયબી હોય એમ નિહાળી રહ્યો. પાણિયારા પર પાણી ભરતી પનિહારીઓના બેડા પણ આ દુર્લભ ઘટના જોવામાં છલકાઈ ગયા. નધણિયાતા રખડતા બકરા પોતપોતાના સ્થાને સ્થિર થઈ ગયા. રાત્રિની ચોકીદારીનો થાક ઉતારી રહેલા કૂતરા નવું વાહન જોઈ બરાડી ઉઠ્યા. રામસિંહના બળદગાડાના બંને આખલાઓએ પણ કારને જવા માટે રસ્તો કરી આપ્યો.

 

          મર્સિડીઝની પાછળની સીટ પર બેસેલી ત્રણે વ્યક્તિની આંખોમાં પણ અચરજ અંજાયેલું હતું, પરંતુ આગળ ચાલકની બાજુમાં બેસેલા અર્જુનની આંખમાં ઘણું બધું ગુમાવ્યાનો અફસોસ વ્યાપેલો હતો. બે ગાળાની પહોળાઈ ધરાવતા બેઠા ઘાટના કાચી-પાકી દિવાલો અને અડધા તૂટેલા નળિયાવાળા એક મકાનને આંગણે કાર ઊભી રહી.

 

           સાંજે આળસ મરડતો અર્જુન ફળિયામાં ખુરશી નાંખી બેઠો પાડોશી રેવાકાકીને કહી રહ્યો હતો, “ઘણા વર્ષો પછી આજે શાંતિથી ઊંઘ આવી, કાકી!”

     - સોલી ફિટર

 

"ગામડાની મોજ"

    હું આજે તો શહેરમાં વસું છું પણ મારું હૈયામાં તો મારું ગામ જ છે. મારું ખેચાણ હમેશા મારા ગામ સેવાળા તરફ રહ્યું છે. ભલે ૧૫ કે ૨૦ દિવસ માટે જ રહી શકું છું પણ જેટલા દિવસ પણ ત્યાં રહું છું , જીવનનો ભરપુર આનંદ ઉઠાવું  છું. એ ધૂળભર્યો રસ્તો, એ બાવળ, એ ખીજડો , એ વખડો , એ કપાસ અને એરંડાથી લહેરાતા ખેતરો , એ મારા શિવનું વાળીનાથ દાદાનું મંદિર , એ પ્રાથમિક શાળા બધું જ પોતીકું લાગે છે. 

 

આખું વરસ શહેરમાં રહેનારો હું જયારે સેવાળા જાઉં છું ત્યારે જ જીવન જીવું છું. ખુલ્લી હવામાં શ્વાસ લઉં છું અને એટલા ઊંડા કે જાણે આખા વરસનો  સ્ટોક ન કરવો હોય. મને આજેય યાદ છે નાનો હતો ત્યારે તળાવની પાળે રમવા જતા , ઉનાળામાં તો અમારું તળાવ સુકુંભટ્ઠ પડ્યું હોય ત્યાં અમે પૈડું રેવડવાની રમત રમતા અથવા મોય દાડીએ રમતા. રમીને થાકીયે એટલે બપોરે આવીને રોટલો ,અડદની દાળ ને છાસ  અને તે પછી બંદા ફરીથી તૈયાર. બપોરે વાડામાં ઘરગટ્ટા અથવા આંબલીપીમ્પલી રમતા. ગમે તેવો તાપ હોય કોઈ ચિંતા વગર અમે રમતા રહેતા.

 

કોઈવાર વગર કારણે કોઈને કહ્યા વગર ખેતર ઉપડી જતા અને ત્યાં રમત રમતા. અમારા ખેતરોના નામ પણ જુદા જુદા ઢૂકળું , કાળેતર , કુણઘેરના  મારગવાળું . બસ ધૂળિયા માર્ગે નીકળી પડતા મોજ કરવા. પણ એક વખત એવું બન્યું.

ભાઈઓ પહેલેથીજ કુણઘેરના મારગવાળા ખેતર તરફ નીકળી ગયા હતા અને હું થોડો મોડો પડ્યો. હું ત્યાં પહેલા વધારે ગયો ન હતો અને ભૂલો પડ્યો. ખેતર તરફ જવાને બદલે બીજા નેળિયા થી કુણઘેરના રસ્તે ચડી ગયો. થોડીવાર પછી જયારે લાગ્યું કે ખોટા રસ્તે છું એટલે ડરી ગયો. ત્યાજ સામે અમારા ગામનો ગાંડો ભોમલો હાથમાં લાકડી લઈને ઉભો હતો. દહેશત વધી ગઈ , તેનાથી અમે બાળકો બહુ ડરતા, તેને લાકડી લઈને ઘણીવાર બાળકો પાછળ દોડતા મેં જોયો હતો. એટલામાં મને પાછળથી અવાજ આવ્યો “ અલ્યા જોતીનીયા , તું અઈ શું કર સ , એકલો એકલો કુણઘેર હેડ્યો” તે ભીખાભા રાવળ હતા , તેમની ઊંટલારીમાં કોથળા ભરેલા હતા , કદાચ પાટણ જઈ રહ્યા હતા.

હું રડવા લાગ્યો એટલે તેમણે મને કહ્યું “ રોએ નઈ હું તન શેતર મૂકી જઉં સુ “ એમ કહીને છેક મને તમની ઊંટલારીમાં બેસાડીને ઉંધો ફેરો ખાઈને પણ મને પહેલા ખેતર પહોચાડ્યો અને પછી તે પાટણ ગયા. ખેતર પહોચતા સુધીમાં તો  મનમાંથી ડર નીકળી ગયો હતો અને બંદા ફરીથી બહાદુર બની ગયા હતા. ત્યાં પહોચીને ભાઈઓને કહ્યું “ આજ તો બાપુએ જોરદાર પરાક્રમ કર્યું.” પછી રાહ જોઈ કે કેટલી પૂછપરછ થાય છે પછી જરા વાતમાં મોણ નાખીને કહ્યું “ અલ્યા મુકલા, આજ તો બાપુ અવળા રસ્તે ચઢી જે લા અન હોમે ભોમલો” બધાના ચેહરા પર દહેશત છવાઈ ગઈ. “ ઇના હાથામોં લાકડી પણ તમન ખબર સ ન મુ બીયાતો નહિ તે ઉપાડ્યો પથરો અન દોડ્યો ઇના પાસળ , તે ભોમલો જાય રે જાય” 

 

મારા ભાઈઐએ મને ખુબ શાબાશી આપી અને મારી બહાદુરીના વખાણ કર્યા પણ આનંદ ફક્ત સાંજ સુધી ટક્યો કારણ સાંજે ભીખાભા અમારા ઘરે પહોચી ગયા હતા અને પછી તો જે વઢ પડી કે ન પૂછો વાત. પછી મેં મારા મોટાબાપુજીને બધી વાત કરી અને બધા એટલું હસ્યા કે ન પૂછો વાત. 

 

આવા ઘણા બધા કિસ્સા બાપુના ખિસ્સામાં પડ્યા પછી પણ તેની વાત ફરી કોઈ વખત.

   - જ્યોતીન્દ્ર મહેતા

 

સૌજન્ય: ઉમંગભાઈ ચાવડા, 

નૂતન તુષાર કોઠારી 'નીલ', જીજ્ઞા કપુરિયા 'નિયતી', મનિષભાઈ સિંધવ. 

 

નિર્ણાયક નૂતન તુષાર કોઠારી 'નીલ'ની રચના:

 

ગામડું મારું શ્વસે હૈયે,

ને હૈયું જઈ ઉડે ગામ.

મહેક માટીની નશો ચડાવે,

આજેય જાણે છલકતો જામ.

ગામનું ગોંદરું જાણે ચોકલેટ

ચગળવાનું મન થાય!

મજબૂરી આ પેટિયું રળવાની,

લઈ આવી નગરને ધામ.

રૂપિયા કમાવાની લાગી ભૂખ,

કે ગામ ગુમાવ્યાનું હજીય દુઃખ.

ખીજડો, વડ ને , આમલી-પીપળી

યાદ આવતાં હૃદય જાય પીગળી.

ક્યાંથી લાવું કુદરતનો ખોળો,

શહેરે વસીને કાં હૈયું બાળો?

ખેતર, ગાય-બળદ ને પનઘટ,

સારાં-નરસાં પ્રસંગની રમઝટ.

ગેડી-દડો ને ગિલ્લી-દંડો,

સપનામાં જ હવે રમે આ બંદો!

નૂતન, હવે અફસોસ ન કર,

જે છોડ્યું એનો વિલાપ ન કર.

હેત ધરી હવે પ્રયાસ કર,

આધુનિક ગામડું જીવંત કર.

 

©:-નૂતન તુષાર કોઠારી 'નીલ'

     -વાપી

  તા: ૧૧/૦૨/૨૦૨૦