Page Views: 9524

કામરેજના દાદા ભગવાનના મંદિરમાં ચોરી

બે તસ્કરો સીમંધર સ્વામીની મૂર્તિના ઘરેણા ચોરી કરી ફરાર

સુરત-11-02-2020

કામરેજ સ્થિત દાદા ભગવાન મંદિરનાં તાળા તોડીને ગર્ભગૃહમાં ભગવાનની મૂર્તિના સોનાની વરખ ચઢાવેલા ઘરેણા ચોરીને અસ્કારો ફરાર થઇ ગયા હતા. જેની ફરિયાદ મળતા કામરેજ પોલીસે મંદિરે પહોચીને ચોરીનો ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરુ કરી છે. બે તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે.  

મળેલ માહિતી મુજબ, સોમવારની વહેલી સવારે ચાર વાગની આસપાસ કામરેજ ખાતે આવેલ સુપ્રસિદ્ધ દાદા ભગવાન મંદિરને તસ્કરોએ ટારગેટ કર્યું હતું. તસ્કરોને મંદિરમાં ઘુસીને ગર્ભગૃહમાં રહેલ સીમંધર સ્વામીની મૂર્તિના ઘરેણા ચોરી કરી ગયા હતા. તસ્કરો ચાંદીની ધાતુનાં સોનાની વરખવાળા બે બાજુબંધ, બે પોંચી, તેમજ ચાંદીની ધાતુનું સોનાની વરખવાળું નાળિયેર, અને સોનાની વરખવાળા આભૂષણો, મળીને કુલ રૂપિયા 83 હજારની મત્તા ચોરી કરીને નાસી ગયા હતા. સવારે મંદિરના પુજારી ભરતભાઈએ વોચમેન રોહિત સાથે મંદિર પાસે આવ્યા ત્યારે દરવાજાનું તાળુ તુટેલી હાલતમાં નીચે પડેલુ હતું. અને મંદિરમાંથી સોના-ચાંદીના વરખવાળા ચાંદીના ઘરેણા ચોરાઇ ગયાની જાણ થતી હતી. જે બાદ પુજારી ભરતભાઈએ કામરેજ પોલીસને ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

પોલીસે મંદિરમાં લાગેલા સીસીટીવીના આધારે તપાસ શરુ કરી છે. બે તસ્કરો સીસીટીવીમાં કેદ થઇ ગયા છે. જયારે તસ્કરોએ દાનપેટી પણ તોડીને અંદરથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, દાનપેટીની અંદર પણ લોક હોય જે લોક તસ્કરોથી ન તૂટતા દાનપેટી ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતાં.