Page Views: 11966

દિલ્હીની ચૂંટણીના પરિણામો ગુજરાતની પ્રજાને ફળશે જાણો કેમ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાકિદની બેઠક બોલાવી પ્રજા ઉપયોગી કાર્યોને વેગ આપવા નિર્દેશ આપ્યો

ગાંધીનગર-11-2-2020

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત મુખ્યમંત્રી પદ સંભાળશે ત્યારે આ પરિણામો પરથી ગુજરાતમાં ભાજપે મનોમંથન કરવાનું ચાલુ કરી દીધું છે. દિલ્હીમાં આ વખતે ભાજપનો વોટ શેર ભલે વધ્યો હોય પણ ભાજપ સત્તાથી દૂર જ રહેશે. તેવામાં દિલ્હીના ઈલેક્શન રિઝલ્ટની સારી અસર ગુજરાત પર થશે અને તેનો લાભ ગુજરાતની પ્રજાને મળશે એવુ લાગી રહ્યું છે.  સીએમ રૂપાણીના નિવાસસ્થાને આજે બેઠક મળી હતી. જેમાં દિલ્હીના પરિણામોને જોતાં બજેટમાં પ્રજાલક્ષી યોજનાઓની લ્હાણી કરવા માટે વિચારણા હાથ ધરવામાં આવી હોવાનું અંતરંગ સૂત્રો જણાવી રહ્યા છે.દિલ્હી ચૂંટણી માટે સીએમ રૂપાણી સહિત ગુજરાતનાં અનેક નેતાઓએ દિલ્હીમાં ધામા નાખ્યા હતા. પણ ચૂંટણી પરિણામોમાં ભાજપને તેનો કોઈ ફાયદો થયો હોવાનું જણાતું નથી. અમિત શાહ, પીએમ મોદીની ધુંઆધાર રેલીઓ છતાં પણ કેજરીવાલની ખુરશી ડગમગાવી શક્યા ન હતા. તેવામાં આજે સીએમ રૂપાણીના નિવાસસ્થાને મહત્વપુર્ણ બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં કેબિનેટ કક્ષાના પ્રધાનો હાજર રહ્યા હતા. બેઠકમાં દિલ્હીનાં પરિણામો અને રૂઝાન અંગે ચર્ચા થઈ હતી. તો આગામી સમયમાં ગુજરાતમાં બજેટ રજૂ થનાર છે. ત્યારે બેઠકમાં બજેટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. અને આજના દિલ્હીના પરિણામોની અસર બજેટ ઉપર પણ થશે તેવી ચર્ચા છે. શક્યતા છે કે ગુજરાતના બજેટમાં પ્રજાલક્ષી યોજનાઓની ભરમાર હોય. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, ઉર્જા મંત્રી સૌરભ પટેલ સહિતનાં સીનિયર મંત્રીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં બજેટ રજૂ કરવામાં આવશે ત્યારે આ પરિણામોની કેટલી અસર થઇ છે તે હવે જોવાનું રહેશે.