Page Views: 1809

પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ સુરત જિલ્લામાં કુલ ૧.૧૩ લાખ ખેડુતો નોંધાયા

આ યોજના હેઠળના જિલ્લાના ૬૨,૧૨૬ ખેડુતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા માટે બેંકો દ્વારા તા.૨૩મી ફેબ્રુઆરી સુધી ખાસ ઝુંબેશ ચલાવાશે

સૂરત-11-02-2020

આગામી ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવાના ઉદેૃશથી ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત નોંધાયેલા ખેડુતોને હવે કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંગેની પત્રકાર પરિષદમાં વિગતો આપતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેશ કોયાએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ કુલ ૧,૧૩,૯૨૦ ખેડુતો નોંધાયેલા છે. જે પૈકી ૫૧,૭૯૪ ખેડુતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે. બાકી રહેલા ૬૨,૧૨૬ ખેડુતોને કાર્ડ આપવા માટે તા.૨૩મી ફેબ્રુઆરી-૨૦૨૦ સુધી પખવાડીયા દરમિયાન ગ્રામ્યની તમામ બેંકો દ્વારા કેમ્પો યોજીને મિશન મોડ પર અભિયાન ચલાવવામાં આવશે.   

વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, પીએમ કિસાનના લાભાર્થીઓને કેસીસી હેઠળના કવરેજ માટે એક પાનાનું સરળ ફોર્મ વિકસાવવામાં આવ્યું છે. ખેડુતોએ ફોર્મની સાથે જમીનની સાત બારની નકલ તથા પાક વાવેતરનો દાખલો લઈને નજીકની બેંક શાખાનો સંપર્ક કરી શકે છે. જેથી જિલ્લામાં વધુમાં વધુ ખેડુતોએ બેંકોમાં જઈને લાભ મેળવવાનો અનુરોધ તેમણે કર્યો હતો. હવે કે.સી.સી.ના લાભનો વ્યાપ પશુપાલન અને મત્સ્યદ્યોગ ખેડુતો સુધી પણ વધારવામાં આવ્યો છે. જે ખેડુતો કેસીસી ધારક છે અને પશુપાલન અને મત્સ્યદ્યોગ પ્રવૃત્તિઓ કરે  છે તે વધારાની મર્યાદાની મંજુરી માટે બેન્ક શાખામાં પહોચીને લાભ લઈ શકે છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી કોયાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રોસેસિંગ, દસ્તાવેજીકરણ, નિરક્ષણ અને ખાતાકીય ફોલિયોની ચાર્જ તેમજ ત્રણ લાખ સુધીને કેસીસી લોન માટેના અન્ય સર્વિસ ચાર્જ સહિતના તમામ ચાર્જ માફ કરાયા છે.

ડિસ્ટ્રીક્ટ લીડ બેન્ક મેનેજરશ્રી રસીક જેઠવા જણાવ્યું હતું કે, આ કિશાન ક્રેડિટ યોજનાનો લાભ લેવા માટે માત્ર એક પાનાનું સરળ નિયત નમૂનાનું અરજીપત્રક વેબસાઇટ www.agricoop.gov.in તેમજ www.pmkisan.gov.in પર ઉપલબ્ધ છે અને ત્યાંથી ફોર્મ ડાઉનલોડ કરી શકાશે.

આ વેળાએ જિલ્લા ખેતી વાડી અધિકારીશ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લાના સંબંધિત ગામોના સરપંચશ્રી, તલાટીશ્રી, ગ્રામ સેવકો, બેન્ક મિત્ર, બેન્ક સખી અને સખીમંડળની બહેનો ખેડૂતોને બેન્કો સુધી પહોંચાડીને આ યોજનાના અમલમાં સહાયરૂપ બનશે.