Page Views: 2754

બનાસકાંઠામાં કાર, ટ્રક અને લકઝરી બસ વચ્ચે ત્રિપલ અકસ્માત : ત્રણના મોત-૧૦થી વધુ ઘાયલ

ઘાયલોને ૧૦૮ની મદદ ઘાયલોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા : પોલીસે તપાસ શરુ કરી

બનાસકાંઠા-10-02-2020

બનાસકાંઠામાં આજે ગોઝારો અકસ્માત બન્યો હતો. બનાસકાંઠાના  ઇકબાલગઢ પાસે બનેલા ત્રિપલ અકસ્માતમાં ૩ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે ૧૦થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને તાત્કાલિક આસપાસની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના ઈકબાલગઢ હાઇવે પર આજે સાંજના સમયે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. કાર, લકઝરી બસ અને ટ્રક વચ્ચે થયેલા ત્રિપલ અકસ્માતમાં ૩ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. અકસ્માત બનતા જ સ્થાનિકો સ્થળ પર દોડી આવ્યા હતા. અને ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસને ફોન કરવાની સાથે ઈજાગ્રસ્તોની સ્થાનિકોએ મદદ શરુ કરી હતી. આ અકસ્માતમાં ૧૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને ૧૦૮ની મદદથી સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્થળ પર પહોચેલા પોલીસ કાફલાએ ટ્રાફિક દુર કરવાની સાથે તપાસ શરુ કરી હતી. આ ગમખ્વાર ત્રિપલ અકસ્માતમાં પાલનપુરના ૪૫ વર્ષીય મેઘનાબેન મેહુલભાઈ જોષી અને આધ્યા મેહુલભાઈ જોષી તેમજ રાજકોટના નીતિનભાઈ ચંદુભાઈ પોપટનું મૃત્યુ થયું છે.