Page Views: 7308

કમાલના કવિ અને નિર્દેષક કમાલ અમરોહી

પાકીઝા જેવી ઓલ ટાઇમ ગ્રેટ ફિલ્મ એ કમાલ અમરોહીની દેન છે

સુરત-નરેશ કાપડિઆ

જાણીતા ફિલ્મ નિર્દેશક અને ગીતકાર-કવિ કમાલ અમરોહીની૨૭મીપુણ્યતિથી. ૧૧ ફેબ્રુઆરી, ૧૯૯૩ના રોજ તેમનું ૭૫ વર્ષની વયે મુંબઈમાં નિધન થયું હતું. સૈયદ અમીર હૈદર કમાલ નકવી રૂપે તેઓ ઉર્દુ અને હિન્દીભાષાના ધરખમ કવિ હતા, પણ તેમનું જાણીતું નામ હતું કમાલ અમરોહી. તેમની નિર્દેશિત ફિલ્મો ‘મહલ’ (૧૯૪૦), ‘પાકીઝા’ કે ‘રઝીયા સુલતાન’થી તેઓ હંમેશા યાદ કરાશે. તેમણે કમાલ પિકચર્સ અને કમાલીસ્તાન સ્ટુડીઓની સ્થાપના પચાસના દાયકામાં કરી હતી.

૧૭ જાન્યુઆરી, ૧૯૧૮ના રોજ આગ્રા પાસેના અમરોહામાંતેઓ જન્મ્યા માટે અમરોહી કહેવાયા. પાકિસ્તાની લેખકો જુઆન એલીઆ અને રઈસ અમરોહવીના તેઓ પિત્રાઈ થાય.૧૯૩૮માં તેઓ અમરોહા છોડી ભણવા માટે લાહોર ગયા હતા. ત્યાંથી સાયગલ સાહેબ તેમને સોહરાબ મોદીની મિનરવા મુવીટોન કંપનીમાં કામ કરવા મુંબઈ લઇ ગયા. કમાલે ત્યાં ‘જેલર’, ‘પુકાર’, ‘ભરોસા’થી શરૂઆત કરી અને કારદારની‘શાહજહાં’ સાથે પણ સંકળાયા. સ્વતંત્ર ફિલ્મ નિર્દેશક રૂપે કમાલ અમરોહીએ બોમ્બે ટોકીઝ માટે મધુબાલા અને અશોક કુમારને લઈને ‘મહલ’ બનાવી. એ ફિલ્મ મ્યુઝીકલ હીટ બની.પત્ની મીના કુમારી અને નસીરખાનને લઈને પોતાની જ પ્રેમ કથા આધારિત તેમણે ‘દાયરા’ (૧૯૫૩) બનાવી, જે નિષ્ફળ ગઈ.

૧૯૫૮થી કમાલે‘પાકીઝા’ શરુ કરી હતી જે ૧૯૭૨માં પડદા પર પહોંચી. તેનું નિર્માણ, પટકથા અને ગીતો કમાલના હતાં. તેની શરૂઆત નબળી હતી પણ ૩૧ માર્ચ, ૧૯૭૨ના રોજ મીના કુમારીનું નિધન થયાં બાદ મીનાજીની છેલ્લી ફિલ્મ રૂપે તે ખૂબ સફળ થઇ, તેનું સંગીત પણ યાદગાર બની રહ્યું. તેમની છેલ્લી ફિલ્મ હેમા માલિની અને ધર્મેન્દ્રની‘રઝીયા સુલતાન’ (૧૯૮૩)  રહી. ત્યારબાદ તેમણે રાજેશ ખન્ના અને રાખીને લઈને ‘મજનું’ શરુ કરી હતી, જે આગળ વધી શકી નહીં. તેઓ‘આખરી મુઘલ’ નામની ફિલ્મ પણ લખતા હતા, જેપણ તેમના નિધન બાદ અટકી ગઈ. નેવુંના દાયકામાં જે.પી. દત્તા અભિષેક બચ્ચનની પહેલી ફિલ્મ રૂપે ‘આખરી મુઘલ’ બનાવવાના મૂડમાં હતા, જે ન બની. પછી દત્તાદ્વારા ફરી એને  ‘ઉમરાવ જાન’ (૨૦૦૬) બાદ બનાવવાની વાત હતી. પણ‘ઉમરાવ જાન’ જ નિષ્ફળ ગઈ અને‘આખરી મુઘલ’ ભુલાઈ ગઈ.

કમાલ અમરોહીએ સોહરાબ મોદી, એ.આર.કારદાર અને કે. આસિફની ફિલ્મો લખી. મહાન‘મુઘલ-એ-આઝમ’ના ચાર સંવાદ લેખકોમાંના એક કમાલ અમરોહી પણ હતા, જેને માટે તેમને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. પોતાના કમાલ ફિલ્મ્સના બેનર માટે તેમણે કમાલ સ્ટુડીઓ ૧૯૫૮માં શરુ કર્યો હતો,જે ત્રણ વર્ષમાં બંધ પડ્યો અને વેચાઈને નટરાજ સ્ટુડીઓ બની ગયો.

કમાલ અમરોહીએ ત્રણ વાર લગ્ન કર્યા હતાં. તેમના પહેલાં લગ્ન નરગિસના માતા જદ્દ્ન બાઈના દાસી બિલ્કીસ બાનો સાથે થયાં હતાં. બીજા લગ્ન જમાલ હસનના દીકરી સાયેદા મેહમૂદી સાથે થયાં હતાં.સાયેદાનું૧૯૮૨માં નિધન થયું. ફિલ્મ‘તમાશા’ બનતી હતી ત્યારે અશોક કુમારે કમાલનો પરિચય મીના કુમારી સાથે કરાવ્યો હતો. તેઓ પ્રેમમાં પડયા અને ૧૪ ફેબ્રુઆરી, ૧૯૫૨નાવેલેન્ટાઇન ડે ના રોજ એકદમ ખાનગી રીતે લગ્ન કર્યા. માત્રકમાલના મિત્ર બાકર અલી અને મીનાની નાની બેન મધુ જ તે વિષે જાણતા હતાં. આ દંપતીએ પોતાની જ પ્રેમકથા ‘દાયરા’ (૧૯૫૩) રૂપે બનાવી જે નિષ્ફળ ગઈ. ત્યાર બાદ ૧૯૫૪માં ‘આઝાદ’ બનતી હતી, ત્યારે તે બંનેએ‘પાકીઝા’ બનાવવાનું નક્કી કર્યું હતું. ૧૯૫૬માં‘પાકીઝા’ બનવી શરુ પણ થઇ, પણ ત્યારે તે બ્લેક એન્ડ વ્હાઈટમાં બનવાની હતી. ફિલ્મોમાં રંગ આવી ચુક્યા હતાં, ‘મધર ઇન્ડિયા’ને જબ્બર સફળતા મળી હતી અને તે રંગીન હતી, માટે‘પાકીઝા’ પાછી ઠેલાઈ. તેના દ્રશ્યો ફરીથી રંગીન બનાવાયા.દરમિયાનમાં ગુરુ દત્તની ક્લાસિક ‘કાગઝ કે ફૂલ’ આવી, જે સિનેમાસ્કોપ હતી. હવે તેમણે ‘પાકીઝા’ને સિનેમાસ્કોપ બનાવવા ફરી શૂટ કરવી પડી.

એ સમયે મીના કુમારી ટોચ પર હતાં. પતિ-પત્ની વચ્ચે અંતર વધતું હતું. અંતે આપસી સમજુતીથી માર્ચ, ૧૯૬૪માં કમાલ-મીના છુટા પડ્યાંઅને‘પાકીઝા’ ફરી અટકી પડી. તેઓ ૧૧ વર્ષ સાથે રહ્યાં. મીના કુમારીની પડતી પણ શરુ થઇ હતી. તેમણે નિષ્ફળતાનો આશરો શરાબમાં જોવા માંડ્યો. ફરી‘પાકીઝા’નું સપનું સાકાર કરવાનો વિચાર આવ્યો. તેના મૂળ નાયક અશોક કુમાર હવે વૃદ્ધ થઇ ગયા હતા માટે તે પાત્રમાં રાજ કુમારને જોડવામાં આવ્યા. મનથી જુદા અને નિરાશ થયેલાં મીના કુમારી પ્રેમી સાથેનું સહિયારું સપનું સાકાર કરવા માટે બધું જ કરી છૂટ્યાં.

શરુ થયાંના ૧૪ વર્ષ બાદ ૪ ફેબ્રુઆરી, ૧૯૭૨ના રોજ ‘પાકીઝા’ પડદા પર પહોંચી. ટીકાકારોએ ટીકા કરી અને પ્રેક્ષકોની ઓછી હુંફ મળી. પણ ૩૧ માર્ચના રોજ મીના કુમારીના અકાળ અવસાનને કારણે ભાવુક બનેલા પ્રેક્ષકોએ ‘મીના કુમારી કી આખરી ફિલ્મ’ રૂપે‘પાકીઝા’ને માથે ચડાવી અને તે વર્ષની સૌથી વધુ સફળ ફિલ્મ બની ગઈ. એ સફળતા મીના કુમારીની તેમના પ્રેમી-પતિને અપાયેલી આખરી ભેટ હતી. આજે‘પાકીઝા’ ક્લાસિક ગણાય છે અને ‘મુઘલ-એ-આઝમ’ની હરોળમાં મુકાય છે.

પોતાની બીજી પત્નીથી કમાલને ત્રણ સંતાનો હતાં. શાનદાર અને તાજદાર બંને દીકરાઓ પિતા સાથે ‘રઝીયા સુલતાન’ બનાવવામાં સાથે હતાં. દીકરી રૂખસાર અમરોહી. કહે છે કે કમાલે મીના કુમારી સાથે લગ્ન પહેલાં શરત કરી હતી કે તેમને સંતાન નહીં હોય કારણ કે મીનાજી સૈયદ નહોતાં!

કમાલ અમરોહીનો ૧૫ એકરમાં ફેલાયેલો કમાલીસ્તાન સ્ટુડીઓ ૧૯૫૮માંજોગેશ્વરી પૂર્વ માંબન્યો હતો.તેમના દીકરા તાજદારઅમરોહી તે ચલાવતા હતા. જોકે ૨૦૧૦માં તે વેચાવાના અને કોર્ટ કજિયાના સમાચાર હતાં. અહીં કમાલની છેલ્લી ફિલ્મ ‘રઝીયા સુલતાન’ બની હતી. તો ‘અમર અકબર એન્થની’,‘કાલીયા’, ‘ખલનાયક’, ‘કોયલા’ કે‘દબંગ ૨’ પણ અહીં બની હતી. તે ઉપરાંત આ સંકુલમાં ટીવીશો બનતા રહે છે.

અંતે, મીના કુમારીના મૃત્યુના ૨૧ વર્ષ બાદ અને છેલ્લી ફિલ્મ ‘રઝીયા સુલતાન’ના દસ વર્ષ બાદ ૧૧ ફેબ્રુઆરી, ૧૯૯૩ના રોજ મુંબઈમાં કમાલ અમરોહીનું નિધન થયું. તેમનેમુંબઈના રેહમતાબાદ કબ્રસ્તાનમાં મીના કુમારીની બાજુમાં કાયમી આરામ અપાયો.

ભારતીય ટપાલ વિભાગે ૨૦૧૩માં સિનેમા શતાબ્દી નિમિત્તે કમાલ અમરોહીની પાંચ રૂપિયાની ટપાલ ટીકીટ જારી કરીને તેમને અંજલિ આપી હતી.