Page Views: 16082

સચિન જીઆઇડીસીના ઉદ્યોગકારોને પીવાનું પાણી મળતું નથી છતાં વેરા માટે આખરી નોટીસ ફટકારાતા વિવાદ

પીવાનું પાણી ઓછી માત્રામાં અને દુર્ગંધ મારતું આવતું હોવાથી ઉદ્યોગકારોએ ફરજીયાત પાણીના કેરબા મંગાવવાની નૌબત આવી

સુરત-17-1-2020

સચિન જીઆઇડીસીના અંધેર વહીવટના એક પછી એક નમુનાઓ બહાર આવી રહ્યા છે. હવે સચિન જીઆઇડીસીમાં છેલ્લા કેટલાય સમયથી ઉદ્યોગકારો અને કારીગરોને પીવાના પાણી માટે ફાંફા મારવાનો વખત આવ્યો હોવાની ફરિયાદ ઉઠી રહી છે બીજી તરફ નોટીફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા ઉદ્યોગકારોને બાકી વેરા માટે આખરી નોટીસો ફટકારીને ધમકાવવામાં આવી રહ્યા છે જેના કારણે સચિન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ સોસાયટીના કારભારીઓની સામે ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સચિન જીઆઇડીસીનો કારભાર ધીમે ધીમે ખાડે ગયો છે અને હવે માનવીની પ્રાથમિક જરૂરીયાત ગણાતા પીવાના પાણીનો સપ્લાય કરવામાં પણ વહીવટદારો નિષ્ફળ ગયાની ફરિયાદ ઉઠી છે. છેલ્લા કેટલાક દિવસોથી સચિન જીઆઇડીસીના 2200 જેટલા ઉદ્યોગકારોને પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળતું નથી અને જે પાણીનો સપ્લાય આપવામાં આવે છે તેમાંથી તિવ્ર દુર્ગંધ આવતી હોવાનું ઉદ્યોગકારોનું કહેવું છે. સચિન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ સોસાયટીના વહીવટનો ભાર લઇને ફરતા હોદેદારો દ્વારા જો ઉદ્યોગકારોને અને કારીગરોને પુરતા પ્રમાણમાં પીવાનું પાણી પુરૂ પાડવામાં પણ સમસ્યા નડતી હોય તો તેમણે વહીવટમાંથી દૂર થવું જોઇએ એવી ઉદ્યોગકારોની લાગણી છે. બીજી તરફ પીવાનું પાણી પુરૂ ન મળતું હોવાથી પરેશાન ઉદ્યોગકારોને નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા બાકી કરવેરા બાબતે આખરી નોટીસ એવુ લખીને નોટીસો ફટકારવામાં આવી છે જેથી ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ઃઃઃઃઃબહારથી પાણીના કેરબા મંગાવવા પડે છેઃ- મયુર ગોળવાલા

સચિન જીઆઇડીસીના અગ્રણી ઉદ્યોગકાર મયુર ગોળવાલાએ આ અંગે જણાવ્યું હતું કે, સચીન જીઆઇડીસીના ઉદ્યોગકારો અને કારીગરોને પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળતું નથી અને જે પાણી અપાય છે તેમાંથી દુર્ગંધ આવતી હોવાથી કોઇ આ પાણી પીવા રાજી નથી. આવા સંજોગોમાં કારીગરો માટે અને પોતાના માટે ઉદ્યોગકારો ફરજીયાત પણે પીવાના પાણીના કેરબા મંગાવવાની નૌબત આવી છે. જેનો દર મહિને અંદાજે ત્રણ થી ચાર હજાર રૂપિયા જેટલો વધારાનો ખર્ચ ઉદ્યોગકારોએ કરવો પડે છે.a