Page Views: 11033

સુપરહીટ ફિલ્મોના યાદગાર લેખક-કવિ જાવેદઅખ્તર

જાવેદ અખ્તરને પદ્મશ્રી અને પદ્મભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે

સુરત-નરેશ કાપડિઆ દ્વારા

ભારતના મહાન કવિ, ગીતકાર અને ફિલ્મ લેખક જાવેદઅખ્તર આજે ૭૫ વર્ષના થશે. ૧૭ જાન્યુઆરી, ૧૯૪૫ના રોજ તેમનો ગ્વાલિયરમાં જન્મ. ૧૯૭૧થી ૧૯૮૨ દરમિયાન તેમણે સલીમ સાથે મળીને લખેલી અનેક ફિલ્મો ખુબ સફળ થઇ હતી. તેઓ ૧૯૯૯માં પદ્મશ્રી અને ૨૦૦૭માં પદ્મભૂષણથી નવાજાયા હતા, તે ઉપરાંત તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ અને ૧૩ ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં છે. જાવેદના પિતા જાં નિસાર અખ્તર પણ ઉર્દૂ શાયર અને ફિલ્મોના ગીતકાર હતા. માતા સફિયા અખ્તર ગાયિકા, શિક્ષિકા અને લેખિકા હતાં. જાવેદના દાદા પણ કવિ અને પરદાદા ઇસ્લામના ઊંડા અભ્યાસુ અને થીઓલોજીસ્ટ હતા. તેમણે દેશના પહેલાં આઝાદીના જંગ સમા ૧૮૫૭માં સક્રિય ભાગ લીધો હતો. જાવેદનું મૂળ નામ જાદૂ હતું. જે પિતાજીની કાવ્ય પંક્તિ ‘લમ્હા લમ્હા કિસી જાદૂ કા ફસાના હોગા’ પરથી પડ્યું હતું. જાવેદનું બાળપણ અને સ્કૂલ અભ્યાસ લખનઉમાં વીત્યો તો તેઓ ભોપાલની સૈફીયા કોલેજમાંથી સ્નાતક થયા હતા.

સિત્તેર પહેલાના સમયમાં એક જ લેખક કથા, પટકથા અને સંવાદ લખે એવું ભાગ્યે જ બનતું, તેજ રીતે લેખકના નામને ટાઈટલમાં ક્રેડીટ પણ મળતી કે ન પણ મળતી. પણ રાજેશ ખન્નાએ એ તક તેમને આપી. જાવેદ સાહેબે તેમના ઇન્ટરવ્યુમાં એ વર્ણવતા કહ્યું કે, ‘ એક વાર રાજેશ ખન્ના સલીમસાબ પાસે ગયા અને કહ્યું કે દેવરે તેમને મોટી સાઈનિંગ એમાઉન્ટ આપી છે, જેમાંથી ખન્નાના બંગલા આશીર્વાદનો ખર્ચ થઇ જશે. પણ ફિલ્મ દક્ષિણની ફિલ્મનું રીમેક છે, જેની કથા-પટકથા ઠીક નથી, તો લખી આપો, તમને નામ અને દામ બંને મળશે. એમ બની ‘હાથી મેરે સાથી’. જી.પી. સિપ્પી દ્વારા સલીમ-જાવેદનેલેખક રૂપે લેવાયા અને તેમાંથી ‘અંદાઝ’, ‘સીતા ઔર ગીતા’, ‘શોલે’, ‘શાન’ અને ‘ડોન’ બની.   સલીમ-જાવેદને મોટી સફળતા ‘અંદાઝ’માં મળી, પછી ‘અધિકાર’, ‘હાથી મેરે સાથી’, ‘સીતા ઔર ગીતા’, ‘યાદોં કી બારાત’, ‘ઝંઝીર’, ‘હાથ કી સફાઈ’, ‘દીવાર’, ‘શોલે’, ‘ચાચા ભતીજા’, ‘ડોન’, ‘ત્રિશૂલ’, ‘દોસ્તાના’, ‘ક્રાંતિ’, ‘ઝમાના’ કે ‘મિસ્ટર ઇન્ડિયા’માં ખુબ સફળતા મળી. તેમણે સાથે ૨૪ ફિલ્મો લખી તેમાંથી ૨૦ હીટ ગઈ. જે સફળ ન થઇ તેમાં ‘આખરી દાવ’, ‘ઈમાન ધરમ’, ‘કાલા પથ્થર’ અને ‘શાન’ને યાદ કરી શકાય. તેમના અહમ ટકરાયા અને ૧૯૮૨માં સલીમ-જાવેદની જોડી છૂટી પડી, પણ તેઓ હિન્દી ફિલ્મોના સૌથી સફળ લેખક બેલડી રૂપે યાદ રહેશે. હિન્દી ફિલ્મોમાં કોઈ લેખકને સ્ટાર સ્ટેટસ મળ્યું, એવું પણ એમના નામે યાદ કરાશે.

જાવેદ અખ્તરને ૨૦૦૯માં રાજ્ય સભાના સભ્ય પણ બનાવાયા હતા. તેઓ મુસ્લિમ હતા પણ પછી એથીસ્ટ બન્યા અને તેમના સંતાનો અભિનેતા-દિગ્દર્શકો ફરહાન અને ઝોયા અખ્તરને એથીસ્ટ રૂપે જ ઉછેર્યા. એ બંને તેમના પહેલાં પત્ની હની ઈરાનીના સંતાન છે. બાપ-દીકરા-દીકરીએ સાથે જે ફિલ્મો પર કામ કર્યું છે તેમાં ‘દિલ ચાહતા હૈ’, ‘લક્ષ્ય’, ‘રોક ઓન’ અને ‘ઝીંદગી ન મિલેગી દોબારા’ને યાદ કરી શકાય. ફરહાને હેર સ્ટાઈલીસ્ટઅધુના સાથે લગ્ન કર્યા છે. જાવેદે ઈરાનીને છૂટાછેડા આપીને કૈફી આઝમીના અભિનેત્રી દીકરી શબાના સાથે લગ્ન કર્યા છે. જાવેદ અખ્તરને ખુબ માન-સન્માન મળ્યાં છે. પદ્મશ્રી, પદ્મભૂષણ ઉપરાંત ૨૦૧૩માં તેમના ઉર્દૂ કાવ્ય સંગ્રહ ‘લાવા’ માટે સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો છે. શ્રેષ્ઠ ગીતકાર રૂપે જાવેદ અખ્તરને જે ગીતો માટે નેશનલ એવોર્ડ મળ્યાં છે, તે ફિલ્મો ‘સાઝ’, ‘બોર્ડર’, ‘ગોડમધર’, ‘રેફ્યુજી’, ‘લગાન’ છે તો જે ફિલ્મો માટે ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં છે તેમાં ‘એક લડકી કો દેખા તો – ૧૯૪૨ અ લવ સ્ટોરી’, ‘ઘર સે નિકલતે – પાપા કેહતે હૈ’, ‘સંદેશે આતે હૈ – બોર્ડર’,‘પંછી નદિયા – રેફ્યુજી’, ‘રાધા કૈસે ન જલે – લગાન’ છે, જેમાં ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકન થયું તેમાં ‘એક દો તીન – તેઝાબ’, ‘ચાંદ તારે – યેસ બોસ’, ‘મેરે મેહબૂબ મેરે સનમ – ડુપ્લીકેટ’, ‘ઓ મિતવા – લગાન’ યાદ કરાય. તે ઉપરાંત તેમને શ્રેષ્ઠ લેખક રૂપે ફિલ્મફેર એવોર્ડનું નામાંકન ‘બેતાબ’, ‘મશાલ’ અને ‘અર્જુન’ માટે પણ મળ્યું હતું.

જાવેદ અખ્તરના ગીતો:સાગર કિનારે – સાગર, એક લડકી કો દેખા – ૧૯૪૨ અ લવ સ્ટોરી, જાને કયું – દિલ ચાહતા હૈ, તુમ કો દેખા તો – સાથ સાથ, હવા હવાઈ – મિ. ઇન્ડિયા, એક દો તીન – તેઝાબ, મૈ ઔર મેરી તન્હાઈ – સિલસિલા, સંદેશે આતે હૈ – બોર્ડર, નિંદિયા હૈ સપને હૈ – સાઝ, મૈ કોઈ ઐસા ગીત ગાઉં – યેસ બોસ, મેરે મેહબૂબ મેરે સનમ – ડુપ્લીકેટ, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની – શીર્ષક, સુનો રે સુનો રે – ગોડમધર, પંછી નદિયા – રેફ્યુજી, ધીમે ધીમે – ઝુબૈદા, રાધા કૈસે ન જલે – લગાન, તૌબા તુમ્હારે યે ઈશારે – ચલતે ચલતે, હર ઘડી બદલ રહી –કલ હો ન હો.