Page Views: 91262

હવે સુરતીઓએ કામરેજ અને ભાટિયા ટોલ નાકા પર નહીં ભરવો પડે ટોલટેક્સ- જો કે આ વાતનું રાખવું પડશે ધ્યાન

સાંસદ સી આર પાટીલે મંત્રી નીતિન ગડકરીને કરેલી રજૂઆત બાદ તુરંત લેવાયો નિર્ણય

સુરત-14-12-2019

છેલ્લા પંદર દિવસથી સુરત શહેર અને જિલ્લાના લાખો વાહન ચાલકો કામરેજ અને પલસાણા નજીક આવેલા ભાટિયા ટોલ નાકા પર વસુલવામાં આવતા ટોલ ટેક્સને કારણે પરેશાન થઇ ગયા હતા. આ મામલે નવસારીના સાંસદ સી આર પાટીલ દ્વારા કરવામાં આવેલી યોગ્ય રજૂઆતને ધ્યાને લઇને કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી દ્વારા ફાસ્ટ ટેગ ચાર્જમાંથી સુરત પાસીંગના વાહન ચાલકોને મુક્તિ આપવામાં આવે એવો આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. સાથો સાથ ટોલટેક્સમાંથી પણ સંપુર્ણ મુક્તિ આપવામાં આવી છે. જેના કારણે ટોલ ટેક્સ મામલે શરૂ કરવામાં આવેલા આંદોલનનો અંત આવ્યો હોવાનું જાણવા મળે છે.

વિગતો અનુસાર, રાજ્ય સરકારે તમામ ટોલ ટેક્સ નાકા પર વાહન ચાલકો પાસેથી ફાસ્ટ ટેગના માધ્યમથી ટોલ ટેક્સ વસુલવાનું નક્કી કરીને રાતોરાત આ સિસ્ટમ અમલમાં મુકી દેતા રાજ્યના લાખો વાહન ચાલકોને લોકલ ટોલ નાકાઓ પર પણ ફાસ્ટટેગને કારણે હજારો રૂપિયા ટેક્સ ચુકવવાનો વખત આવ્યો હતો. ખાસ કરીને સુરત શહેરના સીમાડે આવેલા કામરેજ અને પલસાણા નજીકના ભાટિયા ટોલ નાકા પર સુરતના જીજે-5 અને જીજે-19 સિરિઝના ફોર વ્હિલ ચાલકોને ફાસ્ટ ટેગની લાઇનમાંથી પસાર થતી વખતે પુરેપુરો ટોલ ટેક્સ કપાવા લાગ્યો હતો. જેના કારણે સુરત જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના સરપંચો સહિત જિલ્લા પંચાયતના અગ્રણી દર્શન નાયક, જયેશ દેલાડ સહિતના આગેવાનો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું, તેમજ આવતી કાલે એટલે કે 15મી ડિસેમ્બરના રોજ બન્ને ટોલનાકા પર નો ટોલના બેનર સાથે ચક્કાજામનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. લોક રોષ અને વિરોધને જોઇને નવસારીના સાંસદ સી આર પાટીલે સતત કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને રજૂઆતો કરી અને આ મામલે સુરત શહેર જિલ્લાની પ્રજાની રજૂઆતો ધ્યાને લેવા જણાવ્યું હતું. આખરે આજે વધુ એક વખત તેમની મુલાકાત લઇને રજૂઆત કરવામાં આવતા નીતિન ગડકરીએ સુરતના વાહન ચાલકોને મોટી રાહતની જાહેરાત કરી છે. હવેથી સુરતના વાહન ચાલકોએ કામરેજ અને ભાટિયા ટોલનાકા પરથી પસાર થતી વખતે માત્ર રોકડની લાઇનમાંથી જ પસાર થવાની કાળજી રાખવી પડશે અને તેમને આ લાઇનમાં લોકલ ટેક્સ ચુકવવો પડશે નહીં. પરંતુ જો કોઇ વાહન ચાલક ફાસ્ટેગની લાઇનમાં ઉભા રહેશે અને આ લાઇનમાંથી પસાર થશે તો તેમના એકાઉન્ટમાંથી સીધી ટેક્સની રકમ કપાઇ જશે.