Page Views: 9011

હૈદરાબાદ ગેંગરેપ-એન્કાઉન્ટર કેસમાં સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોના પંચની રચના કરી

આ પંચ છ માસમાં રીપોર્ટ આપશે : કોર્ટે રાજ્ય સરકારની અલગથી તપાસ કરવાના આદેશને પણ ફગાવી દીધો

નવીદિલ્હી-12-12-2019

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ-હત્યામાં ચાર આરોપીઓના પોલીસ એન્કાઉન્ટર મામલે સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોના ન્યાયિક તપાસ પંચની રચના કરી દીધી છે. આ અંગે કોર્ટે આજે નિર્ણય લઈને આ પંચની રચના કરતા જણાવ્યું કે આ મામલામાં નિષ્પક્ષ તપાસ જરૂરી છે, લોકોને સાચું જાણવું જરૂરી છે.

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ-હત્યામાં ચાર આરોપીઓના પોલીસ એન્કાઉન્ટર મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જયારે આ સમગ્ર મામલાને ધ્યાને લઈને કોર્ટે સીધી ત્રણ સભ્યોના ન્યાયિક પંચની રચના કરી દીધી છે. જેમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ વી.એસ. સિરપુરકર તેના પ્રમુખ હશે. આ ઉપરાંત આ પેનલમાં બૉમ્બે હાઈકોર્ટના પૂર્વ જજ રેખા અને પૂર્વ સીબીઆઈ ડાયરેક્ટર કીર્તિકેન પણ હશે. આ પંચને પોતાનો રિપોર્ટ છ મહિનામાં આપવો પડશે. કોર્ટે આ મામલામાં રાજ્ય સરકારની અલગથી તપાસ કરવાના આદેશને પણ ફગાવી દીધો છે.

જયારે સુપ્રીમ કોર્ટે આ નિર્ણયની સાથે જણાવ્યું હતું કે આ મામલામાં નિષ્પક્ષ તપાસ જરૂરી છે, લોકોને સાચું જાણવું જરૂરી છે. તેમજ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ કોર્ટ કે ઓથોરિટી આ મામલાની તપાસ હવે નહીં કરે. એટલે કે નેશનલ હ્યુમન રાઈટ્સ કમીશન હવે આ મામલામાં તપાસ નહીં કરે. જયારે આ મામલામાં સુપ્રીમ કોર્ટે મીડિયાની ભૂમિકા ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે કહ્યું કે મીડિયાના કારણે ફૅર ટ્રાયલમાં પરેશાની આવી શકે છે.