Page Views: 11962

૧૮૧ અભયમ હેલ્પલાઇન થકી છ લાખ મહિલાઓને મદદ, માર્ગદર્શન અને સહાય પહોચાડાઈ

ચોવીસે કલાક મહિલાઓની મદદે “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન”

સુરત-૧૧-૧૨-૨૦૧૯ 

મહિલાઓની સુરક્ષાને લઈને રાજ્ય સરકાર સંવેદનશીલ છે. જેથી રાજ્ય સરકારના મહિલા કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંચાલિત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ૨૪ કલાક વિનામૂલ્યે સેવા પહોચાડે છે. શારીરિક, માનસિક, જાતીય કે કોઈપણ પ્રકારની હેરાનગતિથી પીડિત મહિલા તાત્કાલિક માર્ગદર્શન અને સહાય મેળવવા માટે ૧૮૧ નંબર પર કોલ કરી શકે છે. કોઈપણ ત્રાહિત વ્યક્તિ પણ આવી ઘટનામાં મદદ માટે કોલ કરી શકે છે અને કોલ કરનારની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. કોલ કરનારની ઈચ્છા અનુસાર અને જરૂરિયાત મુજબ કાઉન્સેલિંગ આપવામાં આવે છે. કોઈ પણ મહિલાને એવું જણાઈ આવે કે પોતે અસુરક્ષિત છે અથવા કોઈપણ પ્રકારનો ભય, ડર  સતાવી રહ્યો હોય તો  તાત્કાલિક ૧૮૧ મહિલા હેલ્પલાઇન મા કોલ કરી સહાયતા મેળવી શકે છે તેમજ આ હેલ્પલાઈન પોલીસ સ્ટેશન મા ફરિયાદ અપાવવામાં મદદરૂપ બનશે આ ઉપરાંત ખાસ કિસ્સામાં સ્થળ પર રેસ્ક્યુ વેન સાથે પહોંચી સુરક્ષા અને સહાય પહોંચાડવામા આવશે. આ ઉપરાંત પોતાના સ્માર્ટ મોબાઈલમાં ૧૮૧ અભયમ એપ ડાઉનલોડ કરીને તાત્કાલિક અભયમ સેવાનો લાભ મેળવી શકે છે. 

મહિલાઓને થતી ટેલિફોનિક  હેરાનગતિમાં  અભયમ હેડ ઓફીસમાં ખાસ ટેલિફોનિક સ્ટોપીંગ હેલ્પ ડેસ્ક કાર્યરત છે જેમાં કોઈપણ મહિલાને ટેલિફોન, મોબાઈલ, ફેસબુક, વોટ્સએપ્પ દ્વારા ખોટા મેસેજ, હેરાનગતિ કે ધમકીના કિસ્સામાં અભયમ હેલ્પલાઈન પર કોલ કરતાં  ટ્રેઈન કાઉન્સેલર અને પોલીસ દ્વારા કોલ કરનારનું  ટેકનોલોજીના માધ્યમ દ્વારા તેનું લોકેશન જાણી તેને આવી હેરાનગતિ ન કરવા તાકીદ આપવામાં આવે છે અને તેમ છતાંય જો હેરાનગતિ ચાલુ રાખવામાં આવે તો  રેસ્ક્યુ વેન  મોકલી તેને ઝડપી લઈ પોલીસને સોંપવામાં આવે છે આ રીતે બિનજરૂરી ટેલિફોનિક મેસેજ કોલથી પણ મહિલાઓને મોટી રાહત મળી રહી છે

ટૂંકા ગાળામાં “અભયમ મહિલા હેલ્પલાઇન”ને ખુબ જ સારો પ્રતિભાવ મળ્યો  છે. છ લાખ જેટલી મહિલાઓએ અભયમમાં કોલ કરી મદદ, માહિતી અને સહાય મેળવેલ છે. જેમાંથી કટોકટી અને મુશ્કેલીના સમયે સ્થળ પર  રેસ્ક્યુવાન સાથે પહોંચી અઢી લાખ થી વધુ મહિલાઓ, વૃધ્ધો, કિશોરીઓને સુરક્ષા પહોંચાડવામાં આવી છે. આ ઉપરાંત મહિલા કલ્યાણકારી યોજનાઓ ની પ્રાથિમિક માહિતી પણ આપવામાં આવે છે. આપના વિસ્તાર ની મહિલાઓને અભયમ સેવા ઓ વિશે વિગતે માહિતી મળી રહે તે માટે માર્ગદર્શન માટે પણ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી  મહિલાઓ ની જાણકારીમાં વધારો કરવા, મદદ પહોંચાડવા ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી આપનું અમૂલ્ય યોગદાન આપી શકો છો તેમ દક્ષિણ ગુજરાતના ૧૮૧ના પ્રોજેકટ ઓફિસર દ્વારા જણાવાયું છે.