Page Views: 18934

રૂપિયા ૫૦ હજારની લાંચ પ્રકરણના આરોપી મહિલા કોર્પોરેટર અને તેનો પતિ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ

આ લાંચ પ્રકરણમાં વચેટીયો ઝડપાયો : કોંગી કોર્પોરેટર અને પતિ હજુ પણ ફરાર

સુરત-11-12-2019

ઉધના ભાઠેનાના મુસ્લિમ બિલ્ડર પાસેથી રૂપિયા ૫૦ હજારની  લાંચ લેનાર કોગ્રેસના મહિલા કોર્પોરેટર કપિલા પટેલ અને તેના પતિ પલ્કેશ પટેલને રંગેહાથ સુરત એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. જયારે લાંચ પ્રકરણના આરોપી હોવાથી બંનેને કોંગ્રેસ માંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.

સુરત એસીબી પાસેથી મળતી વિગતો અનુસાર, ઉધના ભાઠેના વિસ્તારમાં રહેતા મુસ્લિમ બિલ્ડર પાસેથી પૈસા પડાવવા વોર્ડ નં-18ના પાલિકાના કોગ્રેસના મહિલા કોર્પોરેટર કપિલા પટેલ અને તેના પતિ પલ્કેશ પટેલએ ગેરકાયદે એપાર્ટમેન્ટ હોવાની ખોટી પાલિકામાં અરજી કરી હતી. અને બિલ્ડરને તેની ઓફિસે બોલાવીને અરજીનું નિરાકરણ કરવા માટે ૧ લાખની લાંચ માંગી હતી. જેમાં રકઝક બાદ ૫૦ હજારની રકમ આપવાનું નક્કી કર્યુ હતું. કોર્પોરેટરના પતિએ બિલ્ડરને ફોન કરીને કોડમાં વાત કરીને ઉધના રાકેશ ટ્રેડીંગમાં હિતેશને ‘પેલુ પહોંચાડી દો’ કહ્યું હતું. ત્યાર પછી રાકેશ ટ્રેડીંગની દુકાનમાં હિતેશ મળી ન આવતા બિલ્ડરે પૈસા માટે તેને કોલ કર્યો હતો. હિતેશએ બિલ્ડરે ઉધના દરવાજા એપલ હોસ્પિટલ પાસે પૈસા લઈને બોલાવ્યો હતો. જેને લઈને સુરત એસીબીની ટીમે મંગળવારે બપોરે ઉધના દરવાજા પાસે છટકું ગોઠવી મહિલા કોર્પોરેટરના વાઉચર અને ઉધનામાં કાર્ટીંગનો વેપાર કરતા હિતેશ મનુ પટેલને ૫૦ હજારની લાંચ સ્વીકારતા રંગેહાથે પકડી પાડયો હતો. જયારે મહિલા કોર્પોરેટર કપિલા પલ્કેશ પટેલ તથા તેનો પતિ પલ્કેશ પટેલને પકડવા માટે એસીબીની ટીમે તેના પણ ઘરે તપાસ પરંતુ દંપતી મળી આવ્યા ન હતા.

::::::લાંચ પ્રકરણમાં બંને પતિ-પત્નીને સુરત કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા:::::

આ લાંચ પ્રકરણમાં વોર્ડ નંબર ૧૮ આંજણા-ખટોદરાની કોર્પોરેટર કપિલા પટેલ અને તેના પતિ પલ્કેશ પટેલની સામે શહેર કોંગ્રેસે તાત્કાલિક પગલાં લઇને પાર્ટીના સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા છે. જે અંગે સુરત શહેર પ્રમુખ બાબુ રાયકા દ્વારા જારી કરાયેલા પત્રમાં જણાવ્યા અનુસાર કોંગ્રેસની મહિલા કોર્પોરેટર અને સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિમાં મંત્રીપદ ધરાવતા તેનો પતિ પલ્કેશ પટેલ, જે બંનેને કોંગ્રેસના સભ્યપદેથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.