Page Views: 9098

કર્ણાટક વિધાનસભાની પેટાચુંટણીમાં ૧૫ પૈકી ભાજપની ૧૨ બેઠકો પર જીત

યેદીયુરપ્પાની સરકારને જીવનદાન : ભાજપ પાસે હવે ૧૧૭ બેઠક

નવી દિલ્‍હી-09-12-2019

કર્ણાટક વિધાનસભાની પેટા ચુંટણીમાં ૧૫ સીટો પૈકીની ૧૨ સીટો પર ભાજપની જીત થઇ છે. જયારે કોંગ્રેસના ખાતામાં બે બેઠક ગઇ છે. એક બેઠક અપક્ષના ફાળે ગઇ છે. તો જેડીએસ પોતાનુ ખાતુ જ ખોલી શક્‍યુ નથી. ભાજપના શાનદાર વિજયથી યેદિયુરપ્‍પા સરકારને બહુમતિના આંકડો મળતા જીવનદાન મળ્યું છે. હવે ભાજપ પાસે ૧૧૭ બેઠક છે. જે બહુમતિના આંકડાથી પાંચ વધુ છે.

ગત તારીખ ૫ ડિસેમ્‍બરે કર્ણાટકની ૧૫ વિધાનસભાની સીટો પર થયેલ પેટાચૂંટણીની આજે મતગણતરી થઇ હતી. જેમાં સરકારમાં બની રહેવા માટે બીજેપીને માત્ર ૬ સીટોની જરૂર હતી. ૧૫ સીટોની મતગણતરીમાં બીજેપીએ કુલ ૧૨ સીટો જીતી લીધી છે. અને બહુમતીના આકડાથી પણ વધુ સીટ ધરાવતો પક્ષ બની ગયો છે. જયારે ૧૨ સીટો પર જીત મેળવી લીધા બાદ બીજેપીમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. કર્ણાટકનાં સીએમ યેદિયુરપ્‍પાએ પોતાના પુત્ર વિજયેન્‍દ્રને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્‍યું હતું.

રાજય વિધાનસભામાં પેટાચુંટણીના પરિણામ પહેલા યેદુરપ્‍પા સરકાર એક અપક્ષ સહિત ૧૦૫ ધારાસભ્‍યોનો ટેકો ધરાવતો હતો. ત્‍યારે બહુમતી માટે તેને ૧૧૧ સભ્‍યોની જરૂર હતી. જયારે ૧૫ વિધાનસભા બેઠકો માંથી ૧૨ બેઠકો પર કેસરિયો જંડો લહેરાવીને ભાજપે બહુમતીનો આકડો વટાવી દીધો છે. આ જીત સાથે સરકારમાં ભાજપની પાસે ૧૧૭ બેઠક થઇ ગઈ છે.