Page Views: 8768

હૈદરાબાદ ગેંગરેપથી દેશભરમાં જે રોષ હતો તેનો જવાબ એનકાઉન્ટરથી પ્રાપ્ત થયો : મુખ્યમંત્રી વિજય રૂપાણી

બળાત્કારના ગુનાના આરોપીઓને ફાસ્ટટ્રેક કોર્ટ બનાવીને કડકમાં કડક સજા અને ફાંસીની સજા મળે તેવાં પ્રયાસો હાથ ધરાશે

અમદાવાદ-06-12-2019

હૈદરાબાદ ગેંગરેપના આરોપીના એનકાઉન્ટરની ઘટનાને દેશભરના લોકોએ બિરદાવી છે. જયારે હૈદરાબાદ સહિતના શહેરોમાં તેની ઉજવણી પણ કરવામાં આવી છે. એનકાઉન્ટર કરનાર પોલીસ કર્મીઓ પર ફૂલની વર્ષા પણ કરવામાં આવી છે. આ ઘટના સામેના પગલાથી આનંદ અને ખુશીની લાગણી છવાઈ ગઈ છે. જયારે આ મામલે રાજકીય નેતાઓએ મિશ્રપ્રતિસાદ આપ્યો હતો. જેમાં મોટાભાગના રાજનેતાઓએ હૈદરાબાદ પોલીસની કામગીરીની સરાહના કરી છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હૈદરાબાદ એનકાઉન્ટર અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, અમાનવીય કૃત્ય કરનારને કઠોરમાં કઠોર સજા થવી જોઈએ. હૈદરાબાદ ગેંગરેપ બાદ દેશભરમાં જે રોષ હતો તેનો જવાબ એનકાઉન્ટરથી પ્રાપ્ત થયો છે. જયારે વિરોધપક્ષના નેતા પરેશ ધનાણીએ પણ પોલીસની કામગીરીને બિરદાવી હતી.

ગુજરાતમાં બનેલી રેપની ઘટનાઓ અંગે જણાવતા સીએમ રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં થયેલ દુષ્કર્મનાં મોટા ભાગનાં આરોપીઓને પકડી લીધા છે. વડોદરાની ઘટનામાં પણ અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે. આ બનાવ અંગેના કોઈપણ આરોપીને છોડવામાં નહીં આવે. તેમજ આ ગુનાના આરોપીઓને ફાસ્ટટ્રેક કોર્ટ બનાવીને કડકમાં કડક સજા અને ફાંસીની સજા મળે તેવાં પ્રયાસો હાથ ધરાશે. જયારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ હૈદરાબાદ પોલીસની કામગીરીને બિરદાવતા કહ્યું હતું કે, હૈદરાબાદમાં પોલીસ દ્વારા નરાધમોને જે સજા આપવામાં આવી છે તે સાચી છે. જે સજા મોડેથી મળવાની હતી તે સજા વહેલી મળી છે.