Page Views: 14779

સહકાર સપ્તાહની વરાછા બેન્ક દ્વારા અનોખી ઉજવણી-આજે 300 યુનિટ રક્તદાન કરાયું

વરાછા બેન્કના ગ્રાહકો દ્વારા બેન્કના પ્રયાસને સારો પ્રતિસાદ

સુરત-16-11-2019

સમગ્ર રાજ્યમાં 14 નવેમ્બરથી 20 નવેમ્બર દરમ્યાન સહકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સમાજને ઉપયોગી કાર્ય કરવા માટે હંમેશા અગ્રેસર રહેતી શહેરની ધી વરાછા કો-ઓપરેટીવ બેન્ક દ્વારા સુરત શહેરની રક્તની અછતને ઓછી કરીને સેવા કાર્યનો શુભ હેતુ સિધ્ધ કરવા સાથે રક્તદાન જાગૃતિ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે. આ અંગે વિગતો આપતા વરાછા બેન્કના ચેરમેન કાનજીભાઇ ભાલાળાએ જણાવ્યું હતું કે, વરાછા બેન્કની શહેરમાં આવેલી 23 શાખાઓ દ્વારા અલગ અલગ રીતે રક્તદાતાઓને સમજાવીને રક્તદાન માટે પ્રોત્સાહન આપવા સાથે રક્તદાન કેમ્પોનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. આજ રોજ વરાછા રોડ હીરાબાગ ખાતે આવેલી વરાછા બેન્કની શાખા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત કરંજના ધારાસભ્ય પ્રવિણભાઇ ઘોઘારી અને લોક સમર્પણ રક્તદાન  કેન્દ્રના પ્રમુખ હરિભાઇ કથિરીયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કામરેજ, કાપોદ્રા, હીરાબાગ વિગેરે શાખાના મેનેજરોના પ્રયાસથી આ રક્તદાન શિબિરમાં 300થી વધારે રક્ત યુનિટોનું દાન લોક સમર્પણ રક્તદાન કેન્દ્રને મળ્યું હતું.