Page Views: 8486

ઓન લાઇન બિઝનેસના વિરોધમાં વેપારીઓની બન્ને સાંસદ સામે વાંઝણી રજૂઆત

સુરત અને નવસારીના સાંસદોને દિલ્હીમાં આંગળી ઉંચી કરવા માટે જ રખાયા હોવાની વાત મતદારો જાણે છે પરંતુ તેમ છતાં રજૂઆત કરીને આત્મ સંતોષ મેળવવાથી વિશેષ કંઇ વળતું નથી એ વાત સમજવી પડશે

સુરત-13-11-2019

સમગ્ર દેશમાં આર્થિક રાજધાની છે એવુ કહીને સુરત શહેરને નવાજવામાં રાજકારણીઓ ક્યારેય પાછું વાળીને જોતા નથી પરંતુ આ શહેરના ટેક્સટાઇલ, ડાયમંડ કે અન્ય કોઇ વેપારને લગતી સમસ્યાઓમાં સત્તાનસીન થયેલા રાજકારણીઓ ક્યારેય ઉંચા અવાજે ગાંધીનગર કે દિલ્હીમાં રજૂઆત કરી શકતા નથી એ પણ સત્ય છે. આજે આ પ્રકારનો જ એક ઘટના ક્રમ બન્યો હતો જેમાં ઓન લાઇન બિઝનેસમાં સમગ્ર વિશ્વમાં નંબર વન ગણાતા અલીબાબા દ્વારા 75 લાખ કરોડની ચીજ વસ્તુનું ઓન લાઇન વેંચાણ કરીને વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. આ ઓન લાઇન બિઝનેસને કારણે સમગ્ર વિશ્વના નાના અને મધ્યમ કદના વેપારીઓની હાલત કફોડી થઇ છે. ખાસ કરીને આપણા દેશમાં નાના અને મધ્યમ કદના વેપારીઓને પોતાના ધંધા રોજગાર બંધ કરવા પડે એવી સ્થિતિ આવી ગઇ છે. તેમ છતાં કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ કરાયેલા કરારોને કારણે ઓન લાઇન બિઝનેસનો વ્યાપ વધતો જાય છે અને નાના વેપારીઓની હાલત દિન પ્રતિ દિન કથળી રહી છે. આવા સંજોગોમાં આજે કોનફેડ્રેશન ઓફ ઓલ ઇન્ડિયાના પ્રમુખ પ્રમોદ ભગત અને ચેરમેન મહેન્દ્ર ગાલા સહિત એસ કે મસાલાવાળા બરકત વિરાણી સહિતના વેપારીઓએ નવસારીના સાંસદ સી આર પાટીલ અને સુરતના સાંસદ દર્શના જરદોષને આવેદનપત્ર આપી ઓન લાઇન બિઝનેસને કારણે સ્થાનિક નાના અને મધ્યમ વેપારીઓની સ્થિતિ અંગે અવગત કરાયા હતા.

જો કે, આ વેપારી અગ્રણીઓની રજૂઆત એ બકરીના ગળાના આંચળ સમાન જ છે એમ કહી શકાય, કેમકે સુરત શહેરના સાંસદ શ્રીમતી દર્શના જરદોષને સ્મૃતિ ઇરાની સાથે સેલ્ફી લેવાથી વધારે કોઇ કામ દિલ્હી દરબારમાં કરવાનું હોય એવુ છેલ્લા 11 વર્ષમાં સુરતીઓને લાગ્યું નથી. સુરત શહેરના ઉદ્યોગોના પ્રશ્નો હોય કે અન્ય કોઇ સમસ્યા હોય સાંસદ દર્શના જરદોષે ધારદાર રજૂઆત કરી હોય એવુ કોઇના પણ ધ્યાનમાં હોય તો અમને જાણ કરવા વિનંતી છે.

હવે વાત કરીએ ઉધના અંબા નગર ખાતે ઓફીસ ધરાવતા નવસારીના સાંસદ સી આર પાટીલની તો તેમની દિલ્હીમાં કેટલી આવશ્યકતા છે તેનો ખ્યાલ તેમને નજીકથી જાણનારા લોકોને તો છે. સાહેબ છેલ્લી ત્રણ ટર્મથી નવસારીના સાંસદ બનીને દિલ્હીમાં નવસારી કમ સુરતનું પ્રતિનિધિત્વ કરે છે આ વિસ્તારના લોકો રેકોર્ડ બ્રેક મત આપીને તેમને વિજેતા બનાવે છે પરંતુ સાહેબને રાજ્ય લેવલનું મંત્રી પદ પણ હજુ સુધી નસીબ નથી થયું, હા એક વાત છે બધા જ રજૂઆત કરવા આવનારાને હસતા મુખે તેમની વાત સાંભળવાની આવડત પાક્કા રાજકારણી બની ગયેલા સાંસદ સી આર પાટીલમાં છે એટલે રજૂઆત કરવા આવનારાને એમ લાગે છે કે, તેમનો પ્રશ્ન હલ થઇ જ જશે. પરંતુ અત્યાર સુધી દિલ્હીમાં રજૂઆત કરવા ગયેલા તમામ વેપારીઓ ઉદ્યોગકારો પોતાના આત્માને પુછે કે તેમના ઉદ્યોગની સમસ્યાનો ઉકેલ સાંસદ સી આર પાટીલને રજૂઆત કરવાથી આવ્યો છે ખરો, જવાબ ના જ હશે.

સુરત શહેરના લોકોની એ કમનસીબી છે કે, તેમના જે નેતાઓ છે એમનું કદ વામણું છે કાશીરામ રાણા કે મોરારજી દેસાઇ જેવા નેતાઓ આપનારા સુરત-નવસારીના રાજકારણમાં કોંગ્રેસના પાપે અને ભાજપના નેતાઓની ટુંકી દ્રષ્ટીને કારણે મોટો શુન્યાવકાશ સર્જાયો છે અને નજીકના દિવસોમાં એ ભરપાઇ થાય એવો કોઇ નેતા સુરત-નવસારીના જાહેર જીવનમાં જોવા મળતો નથી.

એક વાત ચોક્કસ છે કે, વેપારીઓ પોતાના આત્મ સંતોષ માટે આ નેતાઓને રજૂઆત કરી શકે છે બાકી કંઇ ઉકળવાનું નથી એ વાત બધાએ સમજી લેવાની જરૂર છે.