Page Views: 14345

ફરાળી લોટમાં ભેળસેળ બદલ સુરતની બે કંપનીઓને રૂપિયા ૧૦ લાખનો દંડ

ફરાળી લોટ સાથે લેવાયેલ પેકેજ વોટરના ૨૮ ટકા નમુના ફેલ : પેકેજ વોટરનો ઉપયોગ ચિંતાજનક

સુરત-૦૮-૧૧-૨૦૧૯

ગુજરાત ખાર્ધ સામગ્રીમાં અનેક પ્રકારની ભેળસેળ કરી તેનું વેચાણ કરતી કંપનીઓ પર હવે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લાલ આંખ કરીને કડક કાર્યવાહી હાથ ધરવા આવી છે. જે અંતર્ગત સુરતમાં ફરાળી લોટમાં ઘઉનો લોટ મિક્સ કરીને ભેળસેળ યુક્ત લોટ બનાવી વેચતાં બે એકમો પર ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટએ દરોડા કરીને રૂપિયા ૧૦ લાખનો દંડ ફટકાર્યો છે. સુરતમાં આવેલી અને જાણીતી શ્રદ્ધા ટ્રેડિંગ અને જયશ્રી સ્વામિનારાયણ નામના એકમોના ફરાળી લોટમાં ભેળસેળ કરવા બદલ આ મસમોટો દંડ ફટકારવામાં આવ્યો છે.
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરએ જણાવ્યું હતું કે રાજ્યમાં ફરાળી લોટ બાબતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં રાજ્યભરની જુદી જુદી કંપનીઓમાંથી જરૂરી નમુના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓમાં સુરતની બે પેઢીના ફરાળી લોટના નમૂના ફેલ થયા હતા. સુરતમાંથી શ્રદ્ધા ટ્રેડિંગ અને જયશ્રી સ્વામિનારાયણ બે બ્રાન્ડના લોટ લીધા હતા જેમના નમૂના ફેલ થતાં બંને પેઢીઓને પાંચ-પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જયારે આ ડ્રાઈવ હેઠળ વિભાગે કુલ એક કરોડ એક લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.

તે ઉપરાંત વધુમાં ફૂડ એન્ડ ડ્રગ કમિશનરે જણાવ્યું હતું કે રાજ્યમાં આ સાથે પેકેજ વોટરના જુદા જુદા સ્થળોએથી નમૂના લેવામાં આવ્યા હતા. જોકે ચાલુ વર્ષે રાજ્યમાંથી લીધેલા નમૂનાઓમાં ગુણવત્તાની દૃષ્ટીએ ૨૮ ટકા પેકેજ વોટરના નમૂના ફેલ થયા છે.  જે તમામ પેકેજ વોટર અનહાઇજેનિક કંડિશનમાં પેકિંગ અને અન્ય કારણોસર આ નમૂના ફેલ થયા છે.