Page Views: 5382

મધ્યપ્રદેશમાં કાર ઝાડ સાથે અથડાયા સર્જાયો અકસ્માત : રાષ્ટ્રીય સ્તરના ૪ હોકી ખેલાડીઓના મોત

હોશંગાબાદ થી ઈટારસી જતી વેળા બની ઘટના : ત્રણ ખેલાડીઓની હાલત ગંભીર

નવીદિલ્હી-14-10-2019

મધ્ય પ્રદેશના હોશંગાબાદની પાસે જ આજે સવારે એક ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત થયા છે. ને ત્રણની હાલત ગંભીર છે. કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો રાષ્ટ્રીય સ્તરના હોકી ખેલાડી છે.

મધ્યપ્રદેશમાં નેશનલ હાઇવે ૬૯ પરથી ધ્યાનચંદ હૉકી ટૂર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહેલા સાત ખેલાડીઓ કારમાં બેસીને હોશંગાબાદ થી ઈટારસી જઈ રહ્યા હતા. જે પુર ઝડપે જઈ રહેલી કાર બેકાબૂ થઈને ઝાડ સાથે ટકરાઈ હતી. અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે કારમાં બેસેલા સાત પૈકીના ચાર ખેલાડીઓના ઘટના સ્થળે જ મોત થયા હતા. જયારે ત્રણ ખેલાડીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જે તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અને જરૂર પડતા તેમને ભોપાલ સ્થળાંતર કરવામાં આવશે. મૃતકોમાં ઈટારસીના રહેવાસી અને હોકીના ખેલાડીઓ આદર્શ હરદુઆ, ગ્વાલિયરના અનિકેત, ઈન્દોરના શહનવાજ અને જબલપુરના આશીષ લાલનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે હોશંગાબાદમાં ધ્યાનચંદ હૉકી ટૂર્નામેન્ટનું આયોજન કરાયું છે. જેમાં આ તમામ ખેલાડીઓ ભાગ લેવા માટે આવ્યા હતા. આ તમામ ખેલાડીઓ સાથી ખેલાડી આદર્શ હરદુઆનો જન્મદિવસ ઉજવવા માટે આયોજકોની મંજૂરી લઈને રવિવારે ઈટારસી ગયા હતા. ત્યાંથી સવારે પરત ફરતી વખતે આ દુર્ઘટના બની હતી.