Page Views: 12543

રિંગરોડ સિલ્ક સિટી માર્કેટમાં ભીષણ આગ- વેન્ટીલેશનના અભાવે ધુમાડો જમા થતા લોકો ગભરાયા

ફાયરના લાશ્કરોને ઓકિસજન માસ્ક પહેરીને બચાવ રાહતની કામગીરી કરવી પડી

સુરત-14-10-2019

શહેરના રિંગરોડ પર આવેલી સિલ્ક સિટી માર્કેટની એક દુકાનમાં આજે સવારે અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી. સ્થાનિક લોકોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો પરંતુ આગ એટલી વિકરાળ હતી કે, ફાયરના લાશ્કરોની મદદ લેવી પડી હતી. લાશ્કરો આવે એ પહેલા જ આગને કારણે માર્કેટમાં ધુમાડો ફેલાઇ ગયો હતો અને વેન્ટીલેશનના અભાવે માર્કેટમાં રહેલા લોકોને ગુંગળામણ અનુભવાઇ હતી. ફાયરના લાશ્કરોએ પણ ઓકિસજન માસ્ક લઇને બચાવ રાહતની કામગીરી કરવી પડી હતી.

ફાયર બ્રીગેડ પાસેથી મળતી વિગતો અનુસાર, રિંગરોડ પર આવેલી સિલ્ક સિટી માર્કેટમાં 558 નંબરની દુકાનમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે આસપાસની દુકાનો પણ આગની ઝપટમાં આવી ગઇ હતી. સ્થાનિક વેપારીઓએ આ આગ પર કાબુ મેળવવા માટે ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કર્યો હતો પરંતુ તેમનાથી આગ કાબુમાં આવી ન હતી. જેથી ફાયર બ્રીગેડના લાશ્કરોને બોલાવવામાં આવ્યા હતા અને ફાયરના લાશ્કરો તુરંત ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જો કે, આગને કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા ફેલાઇ ગયા હતા. ખાસ કરીને સિલ્ક સિટી માર્કેટમાં વેન્ટીલેશનનો અભાવ હોવાને કારણે ધુમાડો બહાર નીકળી શક્યો ન હતો અને તેના કારીણે ઓફિસ તેમજ દુકાનોમાં રહેલા લોકો ફસાઇ ગયા હતા અને તેમણે ગુંગળામણ અનુભવી હતી. આ ઘટનાને કાબુમાં લેવા માટે ફાયરના લાશ્કરોને ઓકિસજન માસ્કનો ઉપયોગ કરવો પડ્યો હતો અને ત્યારે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. હાલમાં માર્કેટ ખાતે ફાયર દ્વારા કુલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે.