Page Views: 31034

સુરત એરપોર્ટ પરથી વલસાડનો યુવાન રૂ.એક કરોડના સોના સાથે ઝડપાયો

ભાવ વધારા બાદ સોનાની દાણચોરીના વધતા કેસ કસ્ટમ વિભાગ માટે માથાના દુઃખાવા સમાન – સુરત એરપોર્ટ પર આઠમો કેસ નોંધાયો

સુરત-12-10-2019

સુરત એરપોર્ટ પર શારજાહની ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થયા બાદ સોનાની દાણચોરીના કિસ્સાઓ આંતરે દિવસે બહાર આવી રહ્યા છે. આજે સુરત એરપોર્ટ પરથી વધુ એક યુવાન રૂપિયા એક કરોડની કિંમતના સોના સાથે કસ્ટમ વિભાગના હાથે ઝડપાયો હતો. જે યુવાન ઝડપાયો છે તેની હાલમાં કડક પુછપરછ કરવામાં આવી રહી છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, દુબઇથી સુરતની ફ્લાઇટમાં સુરત એરપોર્ટ પર ઉતરેલા વલસાડના એક યુવાનને શંકાના આધારે અટકાવીને કસ્ટમ વિભાગના અધિકારીઓએ તેની તપાસ હાથ ધરી હતી. આ યુવાને જીન્સના પેન્ટની અંદર કપડાની પટ્ટીમાં સ્ટીચ કરીને  તેમજ પગમાં શુઝની આસપાસના ભાગમાં અંદાજે રૂપિયા એક કરોડની કિંમતનું સોનું તેમજ બ્રેસલેટ છુપાવ્યા હતા. કસ્ટમ વિભાગના અધિકારીઓએ આ યુવાનને તુરંત અન્ય મુસાફરોથી અલગ લઇ જઇ અને તેની પાસેનું અંદાજે રૂપિયા એક કરોડનું સોનું જપ્ત કર્યુ છે તેમજ તેની વધારે પુછપરછ હાથ ધરી છે.

ઉલ્લેખનિય છે કે, સોનાની કિંમતોમાં છેલ્લા એક વર્ષમાં અંદાજે રૂપિયા આઠથી દસ હજારનો વધારો થયો ત્યાર બાદ અમદાવાદ અને સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરીના કિસ્સામાં વધારો થયો છે. ખાસ કરીને સુરત એરપોર્ટ પર શારજાહની ફ્લાઇટ શરૂ થયાને ત્રણ ચાર મહિનાનો સમય વિત્યો છે ત્યાં જ અત્યાર સુધીમાં સોનાની દાણચોરીના આઠ કેસ નોંધાઇ ચુક્યા છે.