Page Views: 19533

ઈમ્પોર્ટેડ નાયલોન યાર્ન ઉપર રૂ.70થી વધુની એન્ટી ડમ્પીંગ ડ્યુટી નાંખવા સ્પિનર્સની માંગણી

એન્ટી ડમ્પીંગ ડ્યુટી મુદ્દે ડાયરેક્ટર જનરલ ટ્રેડ રેમેડીમાં ઓરલ સુનવણી હાથ ધરવામાં આવી

સુરત-11-10-2019

સુરત શહેરનો ટેક્સટાઇલ ઉદ્યોગ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યો છે ત્યારે ઈમ્પોર્ટેડ નાયલોન યાર્ન પર એન્ટી ડમ્પીંગ ડ્યુટીને લઈને લાંબાં સમયથી સ્થાનિક ટેક્સટાઇલ સ્પીનર્સ અને વીવર્સ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યો છે. ત્યારે ગુરૂવારે દિલ્હી ખાતે ડાયરેક્ટર જનરલ ટ્રેડ રેમેડી(ડીજીટીઆર) દ્વારા ઓરલ સુનવણી રાખવામાં આવી હતી. જેમાં સ્પીનર્સ દ્વારા ઈમ્પોર્ટેડ નાયલોન યાર્ન પર 1 ડોલર સુધીની એન્ટી ડમ્પીંગ ડ્યુટી નાંખવા ઉદાહરણ આપવામાં આવ્યું હતું. જેની સામે વીવર્સે 1 ડોલર એન્ટી ડમ્પીંગ ડ્યુટી નાંખતા ગ્રે કાપડની કોસ્ટીંગ સીધી 20 ટકા વધી જશે તેમ જણાવી નાયલોન યાર્ન પર એન્ટી ડમ્પીંગ ડ્યુટી નહીં નાંખવા દલીલ મુકી હતી.

ઈમ્પોર્ટેડ નાયલોન યાર્નને લઈને સ્થાનિક સ્પીનર્સ દ્વારા વર્ષ 2017 પછીથી જ ડીજીટીઆરને તેના પર એન્ટી ડમ્પીંગ ડ્યુટી નાંખવા રજૂઆતો થઈ રહી છે. જેની સામે વીવર્સ દ્વારા વિપરીત રજૂઆત કરતાં ડીજીટીઆરને પત્ર લખી જાણ કરાઈ હતી કે, બહારથી જે યાર્ન ઈમ્પોર્ટ થાય છે. તેની ક્વોલિટી સ્થાનિક સ્પીનર્સ દ્વારા ઉત્પાદિત થતાં નાયલોન યાર્નની સરખામણીએ વધુ સારી હોઈ છે. જેના કારણે વૈશ્વિક માર્કેટમાં નાયલોન ફેબ્રિક્સને વેચવામાં બુસ્ટ મળે છે. સ્થાનિક ઉત્પાદકો દ્વારા એક્સપોર્ટ ક્વોલિટી વગરનું અને મોંઘુ યાર્ન ઉત્પાદન કરવામાં આવે છે. જ્યારે સરકાર દ્વારા વર્ષ 2017 પહેલાના 11 વર્ષ નાયલોન યાર્ન પર એન્ટી ડમ્પીંગ ડ્યુટી નાંખવામાં આવી હતી. ત્યારે સ્થાનિક ગણતરીના સ્પીનર્સે કાર્ટેલ રચીને યાર્નના દરમાં બમણો વધારો કરી દીધો હતો.

ગુરૂવારે દિલ્હી ખાતે થયેલી ડીજીટીઆરની ઓરલ સુનાવણીમાં સ્પીનર્સે દલીલ મુકી હતી કે, નાયલોન યાર્ન પર 1 ડોલર એન્ટી ડમ્પીંગ ડ્યુટી નાંખવાથી વીવર્સ દ્વારા ઉત્પાદિત ગ્રે કાપડની કોસ્ટ માત્ર 2 ટકા જેટલી જ વધશે. હાલ 19 સ્પીનર્સ સાથે 10 હજારથી વધુ કામદારો રોજગારી અર્થે સંકળાયેલા છે. ત્યારે નાયલોન યાર્ન વગર ડ્યુટીએ ઈમ્પોર્ટ થતાં સ્પીનર્સ વર્ગ હેરાન થઈ રહ્યો છે. જેની સામે વીવર્સ તરફે હાજર રહેલા બ્રિજેશ ગોંડલીયા, મનોજ શેઠીયા, વિકાસ જૈન, આશિષ ગુજરાતી સહિતના આગેવાનોએ દલીલ મુકી હતી કે, જો 1 ડોલર એટલે કે રૂ.70થી વધુની એન્ટી ડમ્પીંગ ડ્યુટી નાંખવામાં આવે તો યાર્નના દરમાં સીધો 35 ટકાનો વધારો થશે. જે ગ્રે કાપડની કોસ્ટીંગમાં સીધો 20 ટકાનો વધારો કરશે. સ્પીનર્સ દ્વારા આભાસી આંકડા રજૂ કરી સરકારને એન્ટી ડમ્પીંગ ડ્યુટી નાંખવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. સુરતમાં 1.50 લાખ લૂમ્સ પર નાયલોન યાર્ન થકી પ્રોડક્શન થાય છે. 7500 કરોડનું વાર્ષિક ટર્નઓવર નાયલોન યાર્નનું છે. એવામાં એન્ટી ડમ્પીંગ ડ્યુટી નાંખવામાં આવે તો સ્પીનર્સને કાર્ટેલ રચી યાર્નના દરમાં વધારો કરવા માટે મોકળો માર્ગ મળી જશે.

0000 સ્પીનીંગ ઈન્ડસ્ટ્રિઝ 28 ટકા લોસમાં

ટેક્સટાઇલ અગ્રણી નારાયણ અગ્રવાલના જણાવ્યાનુસાર, છેલ્લા 4 માસથી નાયલોન યાર્નની કન્ઝમશન સતત વધી રહ્યું છે. ઈમ્પોર્ટેડ નાયલોન યાર્નના વધતાં ફ્લોના કારણે છેલ્લા 4 માસથી 28 ટકા પ્રોડક્શન લોસ થઈ રહ્યો છે. એન્ટી ડમ્પીંગ ડ્યુટી કોઈના કહેવાતી લાગી જતી નથી. અમે સરકારને ખાલી ઉદાહરણ આપ્યું છે ગણતરીઓ સાથે કે, સ્પીનર્સને નુકશાન થઈ રહ્યું છે. તેમને પણ સરળતા થાય તે માટે એન્ટી ડમ્પીંગ ડ્યુટી લાદવી આવશ્યક છે.

0000-તમામ પ્રકારના યાર્ન પરથી એન્ટી ડમ્પીંગ ડ્યુટી હટાવી લેવાની વીવર્સ આલમની માંગણી ઃ અશોક જીરાવાલા (ફોગવા પ્રમુખ)

ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસીએશન (ફોગવા)ના પ્રમુખ અશોક જીરાવાલાએ આ મામલે જણાવ્યું હતું કે, દેશમાં ટેક્સટાઇલ ઉદ્યોગ અદ્યતન મશીનરી વસાવીને અપડેટ થઇ રહ્યો છે ત્યારે માત્ર નાયલોન જ નહીં પરંતુ તમામ પ્રકારના યાર્ન પરથી એન્ટી ડમ્પીંગ ડ્યુટી હટાવી લેવી જોઇએ. જો આ પ્રકારનો નિર્ણય લેવાય તો સ્પિનર્સ કાર્ટેલ બનાવીને વીવર્સને લુંટી શકશે નહીં અને તેનો લાભ સમગ્ર ઉદ્યોગને પણ થશે.