Page Views: 16477

હીરા ઉદ્યોગને જીએસટીમાં રાહત બદલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સુરતમાં કરાશે અભિવાદન

નાયબ મુખ્યમંત્રીએ હીરાના જોબવર્ક પર લાગતા જીએસટીને ઘટાડવા માટે હીરા ઉદ્યોગની તરફે કેન્દ્રમાં મક્ક્મ રજૂઆતો કરી હતી

સુરત-09-10-2019

હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર છે. જે જી.એસ.ટીના પ્રશ્નને લઈને અનેક વાર રજૂઆત કરવામાં આવ્યા બાદ આખરે સરકાર દ્વારા હીરા ઉદ્યોગના પક્ષમાં નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ઘણાં સમયથી જુદા જુદા પ્રશ્નો પરત્વે હીરા ઉદ્યોગ સાથે ઉપેક્ષિત વર્તન કરવામાં આવતું હતું. જે બાદ આખરે હીરા જોબવર્કને લગતા જી.એસ.ટી.ના દરોમાં નોંધપાત્ર ઘટાડો કરી આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને હીરા ઉદ્યોગે આવકારી લીધી હતી. હીરા ઉદ્યોગને હીરાના જોબવર્ક પર લાગતા જીએસટીના દર ઘટાડવા માટે હીરા ઉદ્યોગની તરફે કેન્દ્રમાં મક્ક્મ રજૂઆતો કરીને પરીણામદાયી નિવેડો લાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું જાહેર અભિવાદન કરવાનો કાર્યક્રમ સુરતના હીરા ઉદ્યોગકારોના જુદા જુદા સંગઠનો દ્વારા યોજવામાં આવ્યો છે.

વધુ માહિતી આપતા જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશભાઇ નાવડીયા, સુરત ડાયમંડ એસોસીએશના પ્રમુખ બાબુભાઇ કથિરીયા તેમજ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના જંયતિભાઇ એ જણાવ્યું હતું કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે હીરા જોબવર્ક પર અમલી જીએસટીના દરોમાં ઘટાડા અંગે હીરા ઉદ્યોગની પડખે રહીને કેન્દ્રમાં પરીણામદાયી રજૂઆતો કરી હતી. સુરતનો હીરા ઉદ્યોગ તેમનો ઋુણ સ્વીકાર કરવા માટે આગામી તા.14મી ઓક્ટોબરના રોજ બપોરે અઢી વાગ્યે એક કાર્યક્રમ યોજી રહ્યું છે.

સુરત સ્થિત જીજેઇપીસી, સુરત ડાયમંડ એસોસીએસન તેમજ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના નેજા હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં ખંભાતના હીરા ઉદ્યોગકારો પણ જોડાશે. તમામ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને બહુમાનિત કરશે. પરવટ પાટીયા સ્થિત અમેઝિયા ખાતે યોજાનારા કાર્યક્રમ આમંત્રિતો માટે મર્યાદિત છે.

આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત મેયર ડો.જગદીશ પટેલ, આરોગ્ય મંત્રી કિશોર કાનાણી, સાંસદ દર્શનાબેન જરદોષ તેમજ સાંસદ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેશે.