Page Views: 32284

કિરણ હોસ્પિટલને અપાયેલી જમીન મામલે વિજીલન્સ તપાસ કરવા કોર્પોરેટર અસલમ સાયકલવાલાની માંગણી

રાહત દરને બદલે વેપારી દર વસુલાતો હોવાથી પાલિકા કમિશનર બંછાનિધી પાની તપાસ કરાવે-


 

સુરત-9-10-2019

સુરત મહાનગર પાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ કતારગામ ખાતે આવેલી કિરણ હોસ્પિટલને ફાળવવામાં આવેલી જમીન મામલે વિજીલન્સ તપાસની માંગણી કરી છે. તેમણે પાલિકા કમિશનર બંછાનિધી પાનીને એક પત્ર લખીને જણાવ્યુ છે કે, સુરત મહાનગર પાલિકાની ગત તા.21-8-2012ના રોજ મળેલી માસીક સાધારણ સભામાં થયેલા ઠરાવ પ્રમાણે સમસ્ત પાટીદાર સમાજ સુરતની રજૂઆતોને ધ્યાને લઇ સુરત મહાનગર પાલિકાની માલીકી અને કબજાની ટીપી સ્કીમ નંબર-3 કતારગામ ફાઇનલ પ્લોટ નંબર એમ 6 વાળી જગ્યાની ફાળવણી રૂપિયા એકના ટોકન અને વાર્ષિક રૂપિયા એકના ભાડાથી કોઇપણ જાત, ધર્મ, નાત વિગેરેના ભેદભાવ વગર રાહતદરની હોસ્પિટલ માટે કરવામાં આવી હતી. આ જગ્યા પર એપ્રિલ 2017માં માનનિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે એક અત્યંત ભવ્ય નિર્માણ થયેલી કિરણ હોસ્પિટલનો પ્રારંભ થયો હતો. પરંતુ આ હોસ્પિટલના સંચાલકો શરૂઆતથી શાસક પાર્ટી ભાજપના કહેવાતા ધનદાની ઉદ્યોગપતિઓ હોવાને કારણે તેઓ હર હંમેસ સુરત મહાનગર પાલિકાના નીતિ નિયમો અને સરકારના આરોગ્યને લગતા નીતિ નિયમો સરા જાહેર ઘોળીને પી ગયા છે.

આ કહેવાતી રાહતદરની કિરણ હોસ્પિટલમાં દર્દીને પ્રારંભમાં ઓપીડી કેસ પેપર કાઢવાની ફી રૂ.150 છે તેમજ આ રૂ.150 ઉપર જુદા જુદા વિભાગોના ડોક્ટરોની કન્સલ્ટીંગ ફીના નામે રૂ.100 થી લઇને 500 સુધીની ફી વસુલવામાં આવી રહી છે. તેમજ હોસ્પિટલમાં જે દર્દી દાખલ કરવાની ફરજ પડી હોય તેમાં રૂમ ચાર્જીસ પણ ખાનગી હોસ્પિટલ કરતા ઓછા નથી. ઇકોનોમી રૂમના રૂ.700 પ્લસ નર્સીંગના ટ્વીન શેરીંગના રૂ.બે હજાર પ્લસ રૂ.450 નર્સીગના ડિલક્સના રૂ.3100 પ્લસ રૂ.525 નર્સીંગના, પ્રીમિયમના રૂપિયા 4400 પ્લસ રૂ.600 નર્સીંગના સ્યુટના રૂપિયા 6250 પ્લસ રૂ.675 નર્સીંગ પેસીડેન્ટલ સ્યુટના રૂ.12,500 પ્લસ રૂ.750 નર્સીંગના તેમજ સીસીયુ કોરોનોરી કેર યુનિટ ચાર્જીસ, ઇકોનોમીના રૂ.3500 પ્લસ નર્સીંગના ઓછામાં ઓછા અને આજ વિભાગમાં વધુમાં વધુ રૂ.7000 ઓછા છે અને આજ વિભાગમાં 1250 નર્સીંગના ચાર્જ નામે વસુલાત થઇ રહી છે. તો આ કિરણ હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલના રાહે લેવાતા ચાર્જીસ ક્યા નીતિ નિયમ મુજબ રાહત દરના છે એ એક સવાલ છે.

આ ઉપરાંત હાલમાં ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે કિરણ હોસ્પિટલમાં ચાલતી આયુષ્યમાન કાર્ડ યોજના અને મા કાર્ડ યોજનામાં હોસ્પિટલના સંચાલકો દ્વારા થયેલી ગેરરીતી અને ભ્રષ્ટાચાર માટે તા.7.9.2019ના ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અિક નિયામક ડો. એમ ડી સુખાનંદીએ લેખીત પત્રથી આ હોસ્પિટલને આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ યોજનામાંથી સસ્પેન્ડ કરેલ છે. આવી કાર્યવાહીથી સાબિત થાય છે કે, આ હોસ્પિટલને આયુષ્યમાન કાર્ડ યોજના અને મા કાર્ડ યોજનામાંના લાભમાંથી હોસ્પિટલમાં સેવાના નામે માત્ર વેપાર થઇ રહ્યો છે. ઉફરાંત આ હોસ્પિટલના સંચાલકો દ્વારા સુરત મહાનગર પાલિકાના ઠરાવ મુજબ રાહત દરને બદલે વેપારી દર વસુલ કરવામાં આવે છે. તેમજ સરકાર શ્રીની આયુષ્યમાન કાર્ડ યોજના અને મા કાર્ડ યોજનામાં થયેલી ગેરરિતી અંગે સુરત મહાનગર પાલિકા માસીક સાધારણ સભાના ઠરાવ મુજબ થયેલા શરત ભંગ બદલ આપશ્રી તાકિદે ઉચ્ચ સ્તરીય વિજીલન્સ તપાસ કરાવી સેવાના નામે વેપાર કરનારા સંચાલકો વિરૂધ્ધ રાજકીય દબાણવશ થયા વગર ચોક્કસ કડક કાર્યવાહી કરો એવી મારી સુરત મહાનગર પાલિકા અને પ્રજા હિતમાં રજૂઆત છે. વધુમાં  અસલમ સાયકલવાલાએ આ બાબતે થયેલી કાર્યવાહીનો 15 દિવસમાં લેખીત જવાબ પણ માંગ્યો છે અને પાલિકાના ઠરાવની નકલ પણ પત્ર સાથે જોડી છે.