Page Views: 10205

બદનક્ષીના કેસની મુદ્દત હોવાથી રાહુલ ગાંધી આવતીકાલે સુરતમાં

૧૧ તારીખે અમદાવાદ કોર્ટમાં હાજરી પુરાવશે : લોકસભા ઇલેકશનનાં પ્રચારની એક રેલી કરી હતી ટિપ્પણી

સુરત-09-10-2019

ગત લોકસભા ઇલેકશનનાં પ્રચારમાં કર્ણાટકની એક રેલીમાં ‘બધાં જ ચોરોના ઉપનામ મોદી કેમ’ એવી ટિપ્પણી કરનાર રાહુલ ગાંધી સામે છેક સુરતની કોર્ટમાં સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કરેલી ખાનગી ફોજદારી ફરિયાદ મામલે આવતીકાલે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેશે. જે અંગેની વિગતો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા એક પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી.

રાહુલ ગાંધી આવતીકાલે સુરતમાં અને ૧૧ તારીખે અમદાવાદ કોર્ટમાં હાજરી પુરાવવા માટે આવશે. જે સંબંધે આજે સુરત આવેલા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે સવારે ૧૦ કલાકે સુરત ઍરપોર્ટ ખાતે આગમન કરશે અને ત્યા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ઉપરાંત કોર્ટ જતી વખતે રસ્તામાં પણ તેમના જુદી જુદી જગ્યાએ સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ રાહુલ ગાંધી સાડા દસ વાગ્યે સુરત કોર્ટમાં ભાજપના ધારાસભ્ય પુર્ણેશ મોદી દ્વારા કરવામાં આવેલા બદનક્સીના કેસમાં હાજરી ભરવા ઉપસ્થિત રહેશે અને ત્યાર બાદ કાર્યકરતાઓને મળીને સુરતથી રવાના થઇ જશે. તેમજ આવા જ એક કેસમાં ૧૧ તારીખે અમદાવાદની કોર્ટમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે.
જયારે તેમણે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપ કોગ્રેસના કાર્યકર્તાઓને ડરાવવા માટે આ પ્રકારની ફરિયાદ દેશના અલગ અલગ શહેરોમાં કરાવી રહ્યું છે. પરંતુ તે તમામ ફરિયાદને લઇને કોર્ટની કાર્યવાહીને સન્માન આપવામાં આવશે. ઉપરાંત ભાજપની સરકાર ખાડાના ભષ્ટ્રાચારમાં સમાઈ ગઇ છે. જેથી ગુજરાતમાં ચુસ્ત દારૂબંધીનો પણ અમલ કરાવામાં નથી આવી રહ્યો, અને ખોટા ખોટા કેસ કરી પ્રજાનું ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે.