Page Views: 19579

સુરતમાં તોફાની પવન સાથે વરસાદ રાવણનું પુતળું નમી ગયું

રાંદેર, અડાજણ, પાલ, વેસુ, વરાછા, કતારગામ, ઉધના પાંડેસરા સહિત સર્વત્ર દેમાર વરસાદી ઝાપટાના દૌરથી હવામાનમાં ઠંડક પ્રસરી

સુરત-8-10-2019

સુરત શહેરમાં દિવસભર આંકરો તાપ રહ્યા બાદ મોડી સાંજે અચાનક હવામાનમાં બદલાવ આવ્યો હતો. એકા એક તોફાની પવન સાથે વરસાદ તુટી પડ્યો હતો. જેના કારણે દશેરાના દિવસે સાંજની રજા માણવા માટે શહેરમાં હરવા ફરવા ગયેલા સુરતીલાલાઓને ભિંજાવાનો વખત આવ્યો હતો. ઉપરાંત સાંજે પડેલા ધોધમાર વરસાદ પહેલા ફુંકાયેલા તોફાની પવનને કારણે વેસુ ખાતે ઉભા કરવામાં આવેલા રાવણના 60 ફુટ જેટલું મહાકાય પુતળું નમી ગયું હતું અને ફટાકડા ભિંજાઇ જવાને કારણે રાવણ દહનમાં આયોજકોને મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો હતો. શહેરમાં દિવસ દરમ્યાન આંકરા તાપ સાથે અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો. પરંતુ સાંજના છેડે અચાનક ઠંડો પવન ફુંકાવા લાગ્યો હતો અને એકાએક ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. શહેરના રાંદેર, અડાજણ, પાલ, કતારગામ, વરાછા, વેડરોડ, મોટા વરાછા, અમરોલી, પાંડેસરા, ઉધના, સચિન સહિત વેસુ વિસ્તારમાં પણ દે માર વરસાદને કારણે શહેરીજનોને ભિંજાવાનો વખત આવ્યો હતો. વાતાવરણમાં આવેલા એકા એક બદલાવને કારણે હવામાનમાં ઠંડક પ્રસરી ગઇ હતી તેમજ શહેરીજનોએ ઠંડકની અનુભૂતિ કરી હતી. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી દિવસોમાં સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.