Page Views: 29895

સફળ અભિનેતા – અક્ષય કુમાર

ફોર્બ્સ દ્વારા જગતમાં સૌથી વધુ ફી લેતા અભિનેતાઓ પહેલી જ યાદીમાં અક્ષય કુમારનું નામ નવમા ક્રમે હતું

સુરત-નરેશ કાપડિઆ દ્વારા

અક્ષય કુમાર ૫૧ વર્ષના થયા. ૯ સપ્ટેમ્બર, ૧૯૬૭ના રોજ અમૃતસરમાં રાજીવ હરિ ઓમ ભાટિયા નામે તેઓ જન્મ્યા હતા. તેઓ ભારતમાં જન્મેલા કેનેડિયન એક્ટર ગણાય છે. તેઓ નિર્માતા અને માર્શલ આર્ટીસ્ટ પણ છે અને એકસોથી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. ૧૧ વાર ફિલ્મફેર એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેતા રૂપે નામાંકિત થયા અને ‘અજનબી’માં વિલન રૂપે અને ‘ગરમ મસાલા’માં કોમેડિયન રૂપે વિજેતા પણ બન્યા છે. ૧૯૯૦ના દાયકામાં એક્શન ફિલ્મોથી શરૂઆત કરી ‘ખિલાડી સીરીઝ’ની ફિલ્મો કરીને તેઓ ખુબ લોકપ્રિય બન્યા. એમની એ દાયકાની ‘વક્ત હમારા હૈ’, ‘મોહરા’, ‘એલાન’, ‘સુહાગ’, ‘સપૂત’ કે ‘જાનવર’ પણ લોકપ્રિય બની હતી.

ત્યાર બાદ અક્ષયને ડ્રામા, રોમાન્સ કે કોમિક ફિલ્મોમાં પણ સફળતા મળી. રોમાન્ટિક ફિલ્મોમાં ‘યે દિલ્લગી’, ‘ધડકન’, ‘અંદાઝ’, ‘નમસ્તે લંડન’, કે નાટકીય કથા વાળી ‘વક્ત: ધ રેસ અગેઈન્સટ ટાઈમ’, કોમિક ફિલ્મો ‘હેરા ફેરી’, ‘ફિર હેરા ફેરી’, ‘મુજસે શાદી કરોગી’, ‘ગરમ મસાલા’, ‘ભાગમભાગ’, ‘ભૂલ ભુલૈયા’ અને ‘સિંગ ઇસ કિંગ’માં જોરદાર સફળતા મળી હતી.

૨૦૦૭માં અક્ષયે એક સાથે ચાર સફળ ફિલ્મો આપી ચકચાર મચાવી હતી. જોકે ૨૦૦૯ થી ૨૦૧૧ સુધી સફળતા તેમનાથી દૂર રહી પણ ૨૦૧૨ માં ‘હાઉસફુલ ૨’ અને ‘રાઉડી રાઠોડ’ ફિલ્મોની ૧૦૦ કરોડની આવકથી તેઓ ફરી સફળ થયા. તેમની ‘ઓએમજી’, ‘સ્પેશિયલ ૨૬’, ‘હોલીડે’, ‘ગબ્બર ઇસ બેક’, ‘એરલિફ્ટ’, ‘હાઉસફૂલ ૩’ અને ‘રૂસ્તમ’ અને હાલની ‘ટોઇલેટ – એક પ્રેમકથા’થી તેઓ સફળથી અતિ સફળ તરફ ખસ્યા છે.

૨૦૧૩માં અનેક માધ્યમોમાં એવી ચર્ચા થઇ કે અક્ષય કુમારની ફિલ્મોની નેટ આવક વીસ બિલિયનરૂપિયા પાર કરી ગઈ અને આવું મોટું પરાક્રમ કરનાર તેઓ પહેલાં ભારતીય અભિનેતા છે. ‘બોક્સ ઓફિસ ઇન્ડિયા’ નામના સામયિકે યોગ્ય રીતે જ અક્ષય કુમારને ભારતીય સિનેમાના સૌથી સફળ અભિનેતાઓમાંના એક ગણાવ્યા. તેઓ નિશંક હાલની હિન્દી ફિલ્મોના એક અગ્રીમ અભિનેતા છે.

૨૦૦૧માં રાજેશ ખન્ના અને ડીમ્પલ કાપડીઆની દીકરી ટ્વિન્કલ ખન્ના સાથે તેમણે લગ્ન કર્યા. કીક્બોક્સિંગ, સ્વીમીંગ, બાસ્કેટ બોલ દ્વારા તેઓ ફીટ રહે છે. અક્ષય કુમારની છાપ એક સ્ટંટ એક્ટરની પણ છે, તેમણે વારંવાર ભયજનક સ્ટંટ દ્રશ્યો જાતે કર્યા છે. તેથી તેઓ ‘ભારતીય જેકી ચાન’ તરીકે પણ પંકાયા.

૨૦૦૯માં તેમણે હરીઓમ એન્ટરટેઈનમેંટ કંપની સ્થાપી.૨૦૦૮માં યુનિવર્સીટી ઓફ વિન્ડસરે અક્ષય કુમારને ‘ઓનરરી ડોક્ટરેટ ઓફ લો’ની માનદ ઉપાધી આપી. ત્યાર પછીના વર્ષે તેમને ‘પદ્મશ્રી’ના ઈલ્કાબથી નવાજાયા. એશિયન એવોર્ડસે ૨૦૧૨માં તેમને ‘સિનેમામાં અસાધારણ પ્રાપ્તિ’ બદલ સન્માનિત કર્યા. તો ૨૦૧૨માં તેમણે બીજી નિર્માણ સંસ્થા ‘ગ્રેઝીંગ ગોટ પિક્ચર્સ’ (ઘાસ ખાતા બકરા નિર્માણ સંસ્થા) બનાવી છે. અક્ષય કુમારે ‘ડાન્સ ટુ ડાન્સ’ નામનો ટીવી શો શરૂ કર્યો. વિશ્વ કબડ્ડી લિગની ખાલસા વોરિયર ટીમના તે માલિક છે.

ફોર્બ્સ દ્વારા જગતમાં સૌથી વધુ ફી લેતા અભિનેતાઓ પહેલી જ યાદીમાં અક્ષય કુમારનું નામ નવમા ક્રમે હતું. અક્ષય કુમારનું ફેન ક્લબ ખુબ મોટું છે, જેમાં આબાલ-વૃદ્ધ સૌ સામેલ છે.

અક્ષયે તેમની સફળતા વારંવાર દોહરાવી છે. ‘એરલીફ્ટ’ (૨૦૧૬) તેમની યાદગાર ફિલ્મ બની રહી, જેને સમીક્ષકો અને પ્રેક્ષકોએ વખાણી.તેમની ‘હાઉસફુલ’ શ્રેણી પણ ખુબ સફળ રહી. ‘રૂસ્તમ’ (૨૦૧૬) પણ ખુબ સફળ બની અને ‘એરલીફ્ટ’ અને ‘રૂસ્તમ’ બંને અક્ષયને શ્રેષ્ઠ અભિનેતાના નેશનલ એવોર્ડ સહિત અનેક માન અકરામ અપાવી ગઈ. દેશના કેટલાંક ભાગોના લોકોના ટોઇલેટ-વિહીન હોવાના પ્રશ્નની વાત કરતી તેમની ફિલ્મ ‘ટોઇલેટ – એક પ્રેમકથા’માં પણ તેમના કામના વખાણ થયાં. પોતાની ફિલ્મના પ્રમોશન માટે અક્ષયે મધ્ય પ્રદેશમાં એક ટોઇલેટનું ખોદકામ કર્યું હતું. આ સંદર્ભે ‘સ્વચ્છ ભારત અભિયાન’નો સંદેશો આ ફિલ્મ દ્વારા આપવા માટે વડાપ્રધાન મોદીએ અક્ષય કુમારના વખાણ કર્યા હતા. ૨૦૧૮માં સોનમ કપૂર અને રાધિકા આપ્ટે સાથે અક્ષય ‘પેડ મેન’માં દેખાયા. તેજ વર્ષે તેમણે ‘૨.૦’ ફિલ્મ દ્વારા તમિલ ફિલ્મોના મોટા બજારમાં પ્રવેશ કર્યો હતો. એ ફિલ્મમાં અક્ષય રજનીકાંત સામે પક્ષીરાજન નામનું ખલનાયકનું પાત્ર ભજવીને ખુબ લોકપ્રિય થયા. તો ૨૦૧૯માં પરિણીતી ચોપ્રા સામે કરણ જોહરની ‘કેસરી’માં તેમણે સરગર્હીની ઐતિહાસિક લડાઈને પડદા પર લાવવાનું કામ કર્યું હતું.એ ફિલ્મે પણ જગતભરમાં સફળતા મેળવી રૂપિયા બસો કરોડથી વધુનો વ્યવસાય કરીને સફળતાના ધ્વજ રોપ્યાં. હાલ તેઓ વિદ્યા બાલન, તાપસી પન્નુ, નિત્ય મેનન, શર્મન જોષી અને સોનાક્ષી સિંહા ‘મિશન મંગલ’માં ધૂમ મચાવે છે. જેમાં મંગળ ગ્રહની કક્ષામાં જવાના ઇસરોના વૈનાનીકોની વાત છે. આ વર્ષે ડીસેમ્બરમાં કારણ જોહરની સરોગસી વિષય પરની રોમાન્ટિક કોમેડી ‘ગુડ ન્યુઝ’માં તેઓ કરીના કપૂર સાથે દેખાશે. તો તેમની ‘હાઉસફુલ ૪’ પણ આવી રહી છે. તેમની આગામી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ તમિલ હોરર કોમેડી ‘કાંચના-૨’ પર આધારિત છે. તો રોહિત શેટ્ટી નિર્દેશિત ‘સૂર્યવંશી’ આગામી વર્ષે આવશે.

અક્ષય કુમારના ટોપ ટેન ગીતો: દિલ તો પાગલ હૈ દિલ દીવાના હૈ, જિંદગી ખુબસૂરત હુઈ - વક્ત, વાદા રહા સનમ – ખિલાડી,  આવારા અરમાન હૈ – આંખે, ચુરા કે દિલ મેરા – મૈ ખિલાડી તુ અનાડી, મુઝે યાદ સતાયે તેરી – ફિર હેરા ફેરી, મુજસે શાદી કરોગી– શીર્ષક, ગોરે ગોરે મુખડે પે – સુહાગ, હમકો દીવાના કર ગયે – શીર્ષક, લાગી લાગી હૈ – યે દિલ્લગી, ઝોર કા ઝટકા – એક્શન રિપ્લે