Page Views: 10477

વિદ્યાર્થીઓએ બર્થ ડેની ઉજવણી બંધ કરવા સાથે પોતાની પોકેટમની વીર જવાનોના પરિવારોને મદદ કરવા આપી

સુરતની વિઝડમ ઇન્ટરનેશનલ સ્કુલ અને નવચેતન વિદ્યાલય દ્વારા ૫૧-૫૧ હજારના ચેક જય જવાન નાગરિક સમિતિને અર્પણ

સુરત-10-09-2019

આતંકીઓ સામે અને સરહદ પર સતત રક્ષા કરીને શહીદી વહોરી લે છે. તેવા શહીદ વીર જવાનોના પરિવારને મદદરૂપ થવા માટે સતત સુરતવાસીઓ આગળ રહે છે. જયારે સુરતમાં આવેલ જય જવાન નાગરિક સમિતિ સહિતની સંસ્થાઓ થકી શહેરીજનો શહીદ પરિવારોને આર્થિક મદદરૂપ થઇ રહ્યા છે. જયારે જય જવાન નાગરિક સમિતિ દ્વારા વર્ષમાં વિવિધ સમયે કાર્યક્રમો યોજીને શહીદ પરિવારોને ચેક અર્પણ કરવામાં આવે છે.

જયારે આજે સુરતમાં આવેલ વિવિધ બે શાળા દ્વારા જય જવાન નાગરિક સમિતિને શહીદ પરિવારોની મદદ માટે ૫૧ હજારના ચેકનું દાન કરવામાં આવ્યું હતું. કામરેજ ખાતે આવેલ વિઝડમ ઇન્ટરનેશનલ સ્કુલના બાળકો તથા ટ્રસ્ટી મંડળ તરફથી વીર જવાનના પરિવારો માટે રૂપિયા ૫૧ હજારનું દાન જય જવાન નાગરિક સમિતિને અર્પણ કરવામાં આવ્યું હતું.  વિઝડમ ઇન્ટરનેશનલ સ્કુલના સંચાલક નરેશભાઈ લક્કડ તથા હરેશભાઈ કાત્રોડિયા તથા ટ્રસ્ટી મંડળના પ્રયાસથી બાળકોએ ઉમદા રાષ્ટ્રભાવ સાથે પોતાના પોકેટમનીમાંથી રૂપિયા એકત્ર કર્યા હતા. બર્થ ડે ઉજવવાના ખર્ચ ન કરતા વિદ્યાર્થીઓએ તેની ઈચ્છા મુજબ રકમ એકત્ર કરી હતી. અને તે રૂપિયા આજે સમિતિને અર્પણ કરવામાં આવ્યા હતા.

તેમજ  લંબે હનુમાન રોડ ખાતે આવેલ નવચેતન વિદ્યાલયના બાળકો તરફથી રૂપિયા ૫૧ હજારની રકમ એકત્ર કરીને જય જવાન નાગરિક સમિતિ સુરતને અર્પણ કરવામાં આવી છે. નવચેતન વિદ્યાલયમાં ટ્રસ્ટી રાજેશભાઈ નાકરાણીએ જણાવ્યું હતું કે શાળા પરિવાર તરફથી દર વર્ષે જય જવાન નાગરિક સમિતિના માધ્યમથી વીર શહીદ જવાનોના પરિવારો સુધી રકમ પહોચાડવામાં આવે છે. તેમજ ટ્રસ્ટી રાજેશભાઈની દીકરી કે જે અમેરિકા છે. તેમના તરફથી પણ દર વર્ષે રૂપિયા ૧૧૦૦૦ સમિતિને અર્પણ કરવામાં આવે છે.

સુરતની ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ચેતના પ્રગટાવવાનું અસરકારક કાર્ય થાય છે. જય જવાન નાગરિક સમિતિ સુરત આવી એકઠી થયેલ રકમ જવાનોના પરિવારો સુધી પહોચાડે છે. અત્યાર સુધીમાં ૨૯૮ વીર શહીદ જવાનોના પરિવારોને સહાય સન્માન સાથે અર્પણ કરવામાં આવી છે.