Page Views: 38221

લક્કડકોટ વિસ્તારમાં પાલિકાના દબાણ વિભાગના પાપે રોગચાળાનો ઉપદ્રવ

સ્થાનિક લોકોની વારંવારની રજૂઆત બાદ પણ સેન્ટ્રલ ઝોન દ્વારા કામગીરી ન કરાતા આખરે પાલિકા કમિશનરને લેખીત રજૂઆત કરવામાં આવી

 

સુરત-13-8-2019

સુથાર ફળિયાના રહીશોએ દબાણ ખાતા, આરોગ્ય ખાતા તેમજ સેન્ટ્રલ ઝોનમાં અનેકોવાર ભંગાર બની ચૂકેલા લારી-ગલ્લાને દૂર કરવા રજૂઆત કરી હોવા છતાં અધિકારીઓ સાંભળતા નહીં હોય આખરે આજે સ્થાનિક રહીશોએ સુરત મ્યુનિસિપલ કમિશનરને લેખિત અરજી આપી હતી.

લક્કડકોટના ખાલી પ્લોટમાં છેલ્લાં ત્રણ ચાર વર્ષથી 2000થી વધુ લારી અને ગલ્લા ભંગારની જેમ પડ્યા છે, જે ખસેડવામાં આવતા નથી. હવે એવી સ્થિતિ સર્જાઈ છે કે લારી-ગલ્લાના માલિકો પોતાની લારી છોડાવવા આવે તો તે પણ મળે નહીં. બીજી તરફ ચોમાસું બેસતા જ ભંગાર સમાન લારી-ગલ્લામાં પાણીનો ભરાવો થવા સાથે જ ડેન્ગ્યુના મચ્છરો તેમજ ઉંદર સહિત અનેક જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે. છેલ્લાં ઘણા સમયથી સુથાર ફળિયામાં રહેતા રહીશોના ઘરમાં મચ્છર અને ઉંદરનો ત્રાસ વધી ગયો છે. અનેક ફરિયાદ છતાં આરોગ્ય તંત્ર કે દબાણ ખાતા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. ઘણી લારીઓ પડી હોય અંદર જઈ દવાનો છંટકાવ નહીં કરી શકતા હોવાનું બહાનું કાઢી આરોગ્ય ખાતાના કર્મચારીઓ પણ પાછા જતા રહે છે. સ્થાનિક કોર્પોરેટર, સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ, આરોગ્યના અધિકારીઓ અને દબાણ ખાતાના અધિકારીઓ સમસ્યાનો નિકાલ લાવી રહ્યાં નથી. તેથી સુથાર ફળિયાના રહીશોનું આરોગ્ય અને જીવ જોખમમાં મુકાયો છે. તેથી તાકીદે લક્કડકોટના ખાલી પ્લોટમાંથી લારી-ગલ્લાનું દબાણ દૂર કરી ફળિયાના રહીશોને ન્યાય આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે.