ઉકાઈ ડેમ માંથી છોડવામાં આવેલા પાણીને કારણે શહેરના પાણી પુરવઠામાં મુકાયેલો કાપ ઉઠાવી લેવાયો

વોટર વર્કસમાં ફસાયેલી જળકુંભી અને સેવાળ સહિતની વનસ્પતિ દૂર કરવામાં આવી

 

સુરત-13-8-2019

 

તાપી નદીમાં ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ઉકાઇમાંથી  છોડવામા આવેલા પાણીના કારણે જળકુંભી- સેવાળ આવી જતા સુરત મહાનગર પાલિકાના વોટર વર્કસને ખોટકાયા હતા. જેના પગલે  સુરતીઓને અપાતા પાણીમાં 40 ટકા સુધીનો કાપ મુકાયો હતો. ગઈકાલે જ પાણીની સ્થિતિ સામાન્ય થતાં સુરત મહાનગર પાલિકા દ્વારા  પાણી પુરવઠો પુર્વવત કરી દીધો હતો. સુરતમાંથી પસાર થતી તાપી નદીમાંતી પાણી પુરવઠો લઈને તેને પ્રોસેસ કરીને તંત્ર સુરતીઓને રોજ 1225 એમ.એલ.ડી. પાણી પુરવઠો આપવામાં આવે છે. પરંતુ ઉપરવાસમાંથી આવેલા પાણી સાથે જળકુંભી અને સવાળ સહિતની અનેક વનસ્પતિ પણ ઇન્ટેક વેલમાં આવી જવાને કારણે પાલિકા તંત્રએ સફાઈની કામગીરી શરૂ કરી હતી પરંતુ તાપી નદીમાં પાણીનો પ્રવાહ તિવ્ર હોવાથી સફાઈની કામગીરી શક્ય ન બનતાં લોકોને અપાતા પાણીમાં 40 ટકા સુધીનો કાપ મુકવો પડયો હતો. જેના કારણે શહેરમાં તાપી નદી બે કાંઠે વહેતી હોવા છતા પણ શહેરીજનોને પાણીકાપનો સામનો કરવાનો વખત આવ્યો હતો. ઇન્ટેક વેલની સફાઇ થઇ જવા સાથે પાલિકા દ્વારા પાણી પુરવઠો પુર્વવત કરી દેવામાં આવ્યો છે અને   આજે 100 એમ.એલ.ડી. પાણી પુરવઠો વધારે કરીને 1325 એમ.એલ.ડી. પાણી પુરવઠો આપ્યો હતો.