Page Views: 18497

સુરતમાંથી ગટરીયા પુર ઓસરતા જ ૪૦૦થી વધુ સફાઈ કામદોરોએ માત્ર સાડા ચાર કલાકમાં વિસ્તારને ચોખ્ખો ચણાક કર્યો

સેન્ટ્રલ ઝોનમાં ૨૯૬ અને કતારગામ ઝોનમાં ૧૦૦ કર્મચારીઓએ સફાઈ કામગીરી કરી

સુરત-13-08-2019

તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી હજુ પણ પાણી છોડવામાં આવેલું છે. હાલ ઉકાઈની સપાટી ૩૬૬.૬ ફૂટ નોંધાઈ છે. જોકે ડેમમાં પાણીની આવક ઘટી છે. તેમ છતાં રુલ લેવલની સપાટી જાળવવા માટે સતત ૧ લાખ કયુસેકથી વધુ પાણી છોડવાનું આજે ચાલુ રાખવામાં આવ્યું છે. ભારે વરસાદના પગલે ઉકાઈમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે સુરતના તમામ ૧૨ ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા હતા. જેને કારણે સુરતના કેટલાક વિસ્તારમાં ગટરીયા પુર ફરી વળ્યા હતા. જયારે તાપીના પાણીમાં ઘટાડા સાથે જ ગટરીયાપુર ઓસરતા મ્યુનિસિપલ તંત્રએ સફાઈ કામગીરી શરૂ કરી હતી. મનપાના ૪૦૦ થી વધુ સફાઈ કામદોરોએ સાડા ચાર કલાકમાં જ પુરગ્રસ્ત વિસ્તારની સફાઈ કરીને વિસ્તારને ચોખ્ખો ચણાક કરી દીધો હતો. 

તાપી નદીની સપાટીમાં વધારો થવાથી ફ્લડ ગેટ બંધ કરવામાં આવતા જ સેન્ટ્રલ ઝોનના કાદરશાની નાળ, કતારગામ ઝોનના વેડરોડ, ધાસ્તીપુરા અને વેડ દરવાજા વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. જયારે પાણીનું લેવલ ઓસરતા ફ્લડ ગેટ ખોલાયા હતા. જે ખોલતાની સાથે જ ઉતરવાની શરૂઆત થઈ ગઈ હતી. પાણી ઉતરવાની શરૂઆત થતાં મનપાના આરોગ્ય વિભાગની ટીમે સફાઈની કામગીરી શરૂ કરી દીધી હતી. 

સોમવારે રાંદેર ઝોનના વરિવાયમાં સફાઈની કામગીરી પુરી થઈ ગઈ હતી. સેન્ટ્રલ અને કતારગામ ઝોનમાં રાત્રી થી સવારે સાડા ચાર વાગ્યા સુધી આરોગ્ય વિભાગની સફાઈ કામદારની ટીમે સફાઈ પુરી કરી હતી. સૌથી છેલ્લા કાદરશાની નાળમાં પાણી સવારે ૪ વાગે ઉતર્યા હતા. જેથી સાડા ચાર વાગ્યા સુધીમાં આ વિસ્તારની સફાઈ કામગીરી પુરી કરી દેવામાં આવી હતી. સેન્ટ્રલ ઝોનમાં ગટરીયા પુરની વધુ અસર હતી. જેથી ત્યાં ૨૯૬ સફાઈ કામદારોએ તો કતારગામ ઝોનમાં ૧૦૦ જેટલા સફાઈ કામદારોએ સફાઈ કરીને વિસ્તારને સ્વચ્છ કરી દીધો હતો.