Page Views: 81367

દક્ષિણ ગુજરાત થી સૌરાષ્ટ્રને જોડતા રોડને રૂપિયા ૧૭૦૦ કરોડના ખર્ચે છ માર્ગીય બનાવશે

અમદાવાદમાં એક પુલના લોકાર્પણ દરમિયાન નાયબ મુખ્યમંત્રીની જાહેરાત

અમદાવાદ-13-08-2019

સાબરમતી નદી પર ૪૮ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બગોદરા-તારાપુર અને વાસદને જોડતા ગલીયાણા ખાતેના પુલનું આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકાર્પણ કર્યું હતું. સાથે સાથે શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા, સાંસદ દેવુસિંહ ચૌહાણ, મિતેશ પટેલ, ધારાસભ્ય સર્વ મહેશ રાવલ, દિલીપ પટેલ, અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે લોકોએ કેટલીક રજૂઆત કરી હતી. જેમાં દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રની મુસાફરી બહુ લાંબી થઇ પડે છે ત્યારે બગોદરા-તારાપુરથી વાસદના માર્ગને છ માર્ગીય બનાવી ઝડપી મુસાફરી માટેનાં માર્ગ મોકળા કરી દેવામાં આવે. જે છ માર્ગીય સુઆયોજિત આંતરમાળખાકીય પરિવહનને કારણે ઇંધણ, સમયમાં ઘટાડો થશે. સાથે-સાથે અકસ્માતોની સંભાવના પણ ઘટશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ રજુઆતને ધ્યાને રાખીને સરકાર દ્વારા આ રસ્તો છ માર્ગીય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવનારા બે વર્ષના ટૂંકાગાળામાં બે તબક્કામાં છ માર્ગીય રસ્તાઓનું કામ પૂર્ણ કરવામાં આવશે. જેમાં બગોદરાથી તારાપુરનો ૫૩.૮ કિલોમીટરનો રસ્તો અંદાજિત રૂપિયા ૬૪૯ કરોડના ખર્ચે તૈયાર થશે. જ્યારે બીજા તબક્કામાં તારાપુરથી વાસદ સુધીનો ૪૮.૧૦ કિલોમીટરના છ માર્ગીય રસ્તાનું કામ અંદાજે રૂપિયા એક હજાર કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. જેનાથી પરિવહન વ્યવસ્થા વધુ સરળ બની રહેશે જેનો અંદાજે રૂપિયા ૧૭૦૦ કરોડનો ખર્ચ થશે.