Page Views: 29481

સુમુલ ડેરીના ચેરમેન રાજુ પાઠક દ્વારા ટેબલ ટેનિસ ચેમ્પિયન હરમીત દેસાઇનું સન્માન

હરમીત દેસાઇની ઓલિમ્પિક 2020 માટે ટાર્ગેટેડ ખેલાડી તરીકે પસંદગી

સુરત-13-8-2019

 આજ રોજ સુમુલ ડેરી સુરતના ઓડીટોરીયમ ખાતે સહકાર અને રમતગમત ખાતાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને અને સુમુલ ડેરીના ચેરમેન રાજુભાઈ પાઠકના મુખ્ય મહેમાન પદે યોજાયેલ સમારોહમાં ભારતીય ટેબલ ટેનિસમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવનાર ખેલાડી અને સુરતના રહેવાસી શ્રી હરમીત દેસાઈનું સન્માન કરાયું હતું.

આ પ્રસંગે શ્રી ઈશ્વરસિંહ સાહેબે જણાવ્યું હતું કે હરમીતે દાળભાત ખાનારા કે બિઝનેઝ કરનારા ગુજરાતીઓની ઓળખ બદલી નાખી છે. ગુજરાત તરફથી એક સાથે બે ગોલ્ડ મેડલ મેળવનાર શ્રી હરમીત એકમાત્ર ખેલાડી છે. હરમીત ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની ફ્લેગશીપ “શક્તિદૂત” યોજના હેઠળ ઓલિમ્પિક ૨૦૨૦ માટે ટાર્ગેટેડ ખેલાડી તરીકે પસંદ થયેલ છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના પ્રોત્સાહનને કારણે ગુજરાતમાંથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ કુ.સરિતા ગાયકવાડ, મુરલી ગાવિત અને શ્રી હરમીત દેસાઈ જેવા ખેલાડીઓ મળી શક્યા છે. આ તમામ ખેલાડીઓને દેશમાં અને જો તેમણે વિદેશમાં પણ તાલીમ મેળવવી હશે તો તેઓનું મંત્રાલય જરૂરી તમામ વ્યવસ્થા કરશે. સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશે તેઓના પ્રવચનમાં જણાવ્યું હતું કે આ વખતે તેઓએ  કેન્દ્ર સરકારમાં સ્પોર્ટ્સ માટે ખાસ બજેટ ફાળવવા માટે રજૂઆત કરી હતી અને એ બજેટ મંજુર થયું છે.

હરમીતે જણાવ્યું હતું કે તેઓ ૨૦ વર્ષથી ટેબલ ટેનીસ રમે છે અને આ સિદ્ધિ માટે  માટે તેમણે માતા પિતા અને તેમના ભાઈને શ્રેય આપ્યો હતો. અને સરકાર દ્વારા તેઓને ટ્રેનીંગ અને પ્રેકટીસની જે સગવડો આપવામાં આવી હતી જેને પરિણામે જ તે આ સ્તર સુધી પહોચી શક્યા છે એમ હરમીતે જણાવ્યું હતું. આગામી ઓલિમ્પિકમાં પણ તેઓ ગોલ્ડ મેડલનું ધ્યેય રાખે છે. 

કાર્યક્રમના મુખ્ય આયોજક અને સુમુલ ડેરીના ચેરમેન શ્રી રાજુભાઈ પાઠકે જણાવ્યું હતું કે માનનીય મોદી સાહેબે ક્રિકેટ સિવાયની રમતોને પણ પ્રોત્સાહન આપ્યું છે જેને પરિણામે જ આજે ટેબલ ટેનીસમાં હરમીત,દોડમાં કુ.સરિતા ગાયકવાડ અને મુરલી ગાવિત જેવા ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓ દક્ષિણ ગુજરાતમાંથી બહાર આવ્યા છે. હરમીત આગામી ઓલિમ્પિકમાં દેશ વતી ગોલ્ડ મેડલ મેળવે તેવી સમગ્ર “સુમુલ પરિવાર” વતી તેઓએ શુભેચ્છા પાઠવી હતી.

ઓલપાડના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ અને સુરતના મેયર શ્રી જગદીશ પટેલે આ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું.   અ કાર્યક્રમ સાથે સાથે સાંસદ શ્રીમતી દર્શનાબેનના ખાસ અનુરોધથી સુરતના રહેવાસી અને ગુજરાતની પ્રથમ એવરેસ્ટ સર કરનારી મહિલાઓ ૨૫ વર્ષીય અદિતિ અને ૨૧ વર્ષીય અનુજાનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. કુ.અનુજે જણાવ્યું હતું કે દુનિયાના તમામ ૭ ખંડોના સૌથી ઊંચા શિખરો સર કરવાનું હવે તેમનું લક્ષ્ય છે. આ પ્રસંગે સુરત ડીસ્ટ્રીકટ બેંક, એપીએમસી સુરત, ચેમ્બર ઓફ કોમર્સ,સુરત જીલ્લાની તમામ સુગર ફેકટરીઓ અને અન્ય સહકારી સંસ્થાઓએ શ્રી હરમીતનું સન્માન કર્યું હતું.

સહકારી ક્ષેત્રના તમામ નેતાઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.અંતમાં આભારવિધિ સુમુલ ડેરીના ઉપપ્રમુખ શ્રી રીતેશભાઈ વસાવાએ કરી હતી.