Page Views: 87803

અકાળે મોતને ભેટેલી રિધ્ધીનું ડિલિવરી પછી પેટ ફુલી ગયુ છતા 21st સેન્ચુરી હોસ્પિટલના ડો.પૂજાએ કહ્યું ટ્વીન્સની ડિલિવરી પછી આવુ થાય

રિધ્ધીના ફેફસામાંથી 16-4-2019ના રોજ મિશન હોસ્પિટલમાં અંદાજે પાંચ લિટર પાણી કઢાયું હતું અને 13.5.2019ના રોજ રિધ્ધીનું કરૂણ મોત થયું હતું

સુરત-13-8-2019

શહેરના રિંગરોડ જુના આરટીઓ સામે આવેલી ડો.પૂર્ણિમા નાટકર્ણી અને ડો.પૂજા નાટકર્ણીની 21st સેન્ચુરી હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીને કારણે રિધ્ધી નામની યુવાન પરિણીતાના મોતનો આરોપ તેના પરિવારજનોએ મુક્યો છે. આ ઘટના અંગે સંપુર્ણ પોલીસ તપાસ કરીને ગુનો દાખલ કરવાની માંગણી પણ શાહ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે અને પોલીસ કમિશનરને જે ફરિયાદ આપવામાં આવી છે તેમાં ડોક્ટરોની બેદરકારીના તમામ પૂરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે. નિઃસંતાન દંપતિઓને સંતાનની લાલચ આપીને તેમની જિંદગી સાથે ચેડા કરવાના આ કેસમાં હવે જોવાનું એ રહે છે કે, પોલીસ કમિશનર કેવા પગલા ભરે છે.

પોલીસ કમિશનર સતીશ શર્માને એડવોકેટ રમેશ કાપડિયા પાસે તૈયાર કરાવવામાં આવેલી અરજીમાં ફરિયાદી સંકેત દિનેશ શાહે એવુ  પણ જણાવ્યુ છે કે, રિધ્ધીને ડિલિવરી થઇ ગયા બાદ તેને બે ટ્વીન્સ પુત્રોનો જન્મ થયો હતો. બાળકોના જન્મ બાદ રિધ્ધીનું પેટ ફુલવા લાગ્યુ હતું અને ગત તા.4.4.2019ના રોજ તેઓ રિધ્ધીને લઇને 21st સેન્ચુરી હોસ્પિટલ ખાતે ડો.પૂજા નાટકર્ણીને બતાવવા માટે ગયા હતા. તેમજ એવુ જણાવ્યું હતું કે, રિધ્ધી ચાર દિવસથી સુઇ શકતી નથી અને તે સ્હેજ પણ ચાલે તો તેને થાક લાગી જાય છે. પરંતુ રિધ્ધીનું મેડીકલ ચેકઅપ કરી અને યોગ્ય રિપોર્ટ કરાવવા કે અન્ય ટ્રીટમેન્ટ આપવાને બદલે ડો.પૂજાએ આવુ તો ટ્વીન્સના જન્મ પછી થાય જ એવુ કહી વાત ટાળી દીધી હતી. તા.6.4.2019ના રોજ રિધ્ધીને વધારે તકલીફ થતા ફરી વખત તેઓ તેને લઇને 21st સેન્ચુરી હોસ્પિટલ ખાતે ગયા હતા જ્યાં ડો.પૂજાની આસીસ્ટન્ટ ડો.વનિતા વીરડીયાએ ડો.પૂજાની સૂચનાથી રિધ્ધીને બે બોટલ ચડાવી હતી અને ડીપ્રેશનની દવાઓ આપી હતી.

વાસ્તવમાં રિધ્ધીને ફેફસામાં પાણી ભરાતું હતું અને તેનો 21st સેન્ચુરી હોસ્પિટલના ડોક્ટરોને કોઇ ખ્યાલ જ ન આવ્યો હોવાનો આરોપ શાહ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત ગત તા.16.4.2019ના રોજ રિધ્ધીને અઠવા ગેટ સ્થિત મિશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેના ફેફસામાંથી 18.4.2019ના રોજ પાંચ લિટર જેટલુ પાણી કાઢવામાં આવ્યુ હતું અને ત્યાર બાદ રિધ્ધીનું મોં કાળુ પડી ગયું હતું. મિશનમાંથી રિધ્ધીને ટ્રાયસ્ટાર હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી અને તા.13.5.2019ના રોજ રિધ્ધી સંકેત શાહ (ઉ.વર્ષ 30)નું અકાળે અવસાન થયું હતું. સમગ્ર ઘટનામાં 21st સેન્ચુરી હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીનો આરોપ મુકવામાં આવ્યો છે અને હવે આ અરજીના આધારે પોલીસ કમિશનર સતીષ શર્મા દ્વારા તટસ્થ તપાસ થાય તો રિધ્ધીના મોત માટે જવાબદાર હોય તેમને સજા મળશે અને શાહ પરિવારને ન્યાય મળશે એ ચોક્કસ છે.