સુરત-શહેર જિલ્લાના ૩૩૩૪ યોગ કેન્દ્રો પર ૧૫.૧૦ લાખથી વધુ લોકો યોગદિનની ઉજવણીમાં જોડાશે

સૂરત શહેરના છ જેટલા ઐતિહાસિક- આઈકોનિક સ્થળોએ યોગનિદર્શનનું આયોજનઃ આ વર્ષે હ્રદયની સંભાળ માટેની થીમ પર યોગ દિનની ઉજવણી કરાશે

સૂરત-19-06-2019

શરીર અને મનના આરોગ્ય સંવર્ધન માટે ભારતીય સંસ્કૃતિએ વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ એવા યોગની આગામી તા.૨૧મી જુને આંતર રાષ્ટ્રીયકક્ષાએ વિશ્વ યોગ દિન રૂપે ભવ્ય ઉજવણી થનાર છે. જેના આયોજનના ભાગરૂપે સુરત જિલ્લા અને શહેરી વિસ્તારમાં થનાર યોગદિનની ઉજવણીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. આ સંદર્ભે જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી.

બેઠકમાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, સુરત શહેર-જિલ્લામાં યોજાનાર યોગદિનની ઉજવણીમાં ૩૩૩૪ યોગ કેન્દ્રો પર ૧૫.૩૦ લાખથી વધુ લોકો જોડાશે. સુરત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શહેરના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે વન, આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં યોજાશે.

કલેકટરએ કહ્યું કે, સૂરત શહેરના ઐતિહાસિક સ્થળો જેમાં ગોપી તળાવ, ચોક બજાર કિલ્લાનું મેદાન, ડુમસ દરિયા કિનારો, બોટનિકલ ગાર્ડન, સાયન્સ સેન્ટર તથા બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે જેવા આઇકોનિક સ્થળોએ યોગ નિદર્શનના કાર્યક્રમનુ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

સુરત મહાનગરપાલિકાના તમામ કોમ્યુનિટી હોલો, સ્મીમેર હોસ્પિટલ મળી કુલ ૫૨ સ્થળોએ યોગ નિદર્શન યોજાશે. જ્યારે જિલ્લામાં ઓલપાડ મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય, ચોર્યાસી તાલુકામાં સચીન તથા કનકપુર-કનસાડ કોમ્યુનિટી હોલ, શારદાયતન વિદ્યાલય-ઈચ્છાપોર, તરસાડી તથા માંડવી નગરપાલિકામાં બે સ્થળોએ, બારડોલીમાં સ્વરાજ આશ્રમ સહિત ત્રણ સ્થળોએ, કામરેજમા પોલિસ હેડકવાર્ટર ઘલુડી સહિત ચાર સ્થળોએ યોગના કાર્યક્રમો યોજાશે.

યોગદિનમાં સુરત જિલ્લાની સરકારી/ ખાનગી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, કોલેજો, પોલિટેકનીક, ફાર્મસી કોલેજોના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક/ સેવાભાવી સંસ્થાઓના સભ્યો જોડાશે. તમામ તાલુકા મથકો, નગરપાલિકા, તમામ ગામો ખાતે યોગ દિન ઉજવણીનું આયોજન કરાયું છે. પતંજલિ, આર્ટ ઓફ લિવિગ, બ્રહ્માકુમારીઝ જેવી ધાર્મિક તથા સ્વૈચ્છિક સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાશે.

આ વર્ષે વિશ્વ યોગ દિનની ઉજવણી હદયની સંભાળ માટેની ‘યોગા ફોર હાર્ટ’ થીમ પર યોજાશે. સવારે ૬.૦૦ વાગે મહાનુભાવોના આવકાર અને સ્વાગત પ્રવચન, ૬.૩૦ વાગે પ્રધાનમંત્રીનું લાઈવ સંબોધન તથા  ૭.૦૦ થી ૮.૦૦ વાગ્યા સુધી યોગ નિદર્શનનો કાર્યક્રમ યોજાશે.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા, નિવાસી અધિક કલેકટર એસ.ડી.વસાવા, પ્રાંત અધિકારીઓ, નોડલ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરો તેમજ અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.