Page Views: 35266

ખોડલધામના પ્રણેતા નરેશ પટેલને લોકસભામાં ઉતારવા ભાજપનો વ્યુહ

એક સમારોહમાં નરેશ પટેલનું સૂચક નિવેદન- રાજકારણમાં વગ નહીં હોય તો પાટીદારોનો કોઇ ભાવ નહીં પુછે

 

સુરત-19-3-2019

સમગ્ર રાજ્યમાં પાટીદાર મતદારોનો દબદબો કાયમ છે અને આ મતદારો ધારે તો કેવા પરિણામો આવી શકે તેમ છે તેનો અનુભવ ગુજરાતની ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના તમામ નેતાઓને થઇ ગયો છે. હવે પાટીદારોના મત અંક કરવા માટે મોદી શાહની જોડીએ નવો જ ગેમ પ્લાન અમલમાં મુક્યો છે અને લેઉવા તેમજ કડવા પાટીદારોના મત અંકે કરી લઇને હાર્દિક પટેલના કોંગ્રેસાગમનને ડાયલ્યુટ કરવાની દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે. આ પ્રયાસોના ભાગ રૂપે જ સૌરાષ્ટ્ર સહિત સુરતના પાટીદારોના ઝખમ પર મલમ લગાવવા માટે ભાજપ દ્વારા કાગવડ ખોડલધામના પ્રણેતા નરેશ પટેલને લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ નરેશ પટેલે પણ તાજેતરમાં જ એક જાહેર સમારોહમાં એવું નિવેદન આપ્યુ છે કે, જો રાજકારણમાં પાટીદારોની વગ નહીં હોય તો સમાજનો કોઇ ભાવ નહીં પુછે આ નિવેદનને નિષ્ણાતો તેમના ભાજપ પ્રવેશની પૂર્વ ભૂમિકા સમાન ગણાવી રહ્યા છે.

ઃઃઃઃરાજ્યની 10 બેઠકો ઉપર પાટીદાર મતદારોનું પ્રભુત્વ

સમગ્ર રાજ્યમાં પાટીદાર મતદારોની સંખ્યા એક કરોડથી વધારે છે અને આટલા મોટા જન સમુદાયને નજર અંદાજ કરવાનું ભાજપ કે કોંગ્રેસને કોઇ પણ સંજોગોમાં પોસાય તેમ નથી. કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલને શણગારીને ટિકીટની લોલીપોપ આપીને તેને કોંગ્રેસમાં પ્રવેશ આપી દેવામાં આવ્યો છે. હાર્દિકની સાથે યુવા પાટીદારો કેટલા છે તેનો અંદાજ ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળી ગયો છે. એટલે હવે મોદી શાહની જોડીએ ગુજરાતમાં પાટીદારોના મત અંકે કરવા માટે માસ્ટર સ્ટ્રોક મારવાની તૈયારી કરી લીધી છે અને રાજ્યના 50 લાખથી પણ વધારે પાટીદાર મતદારોને રીઝવવા માટે નરેશ પટેલને મેદાનમાં ઉતારવાની વ્યુહ રચના અપનાવી છે. નરેશ પટેલ પણ અંદર ખાનેથી સાંસદ બનવા માટે તૈયાર થઇ ગયા હોય એવા પ્રકારના નિવેદનો આપવા લાગ્યા છે. અગાઉ તેમણે જાહેર કર્યું હતું કે, તેઓ ચૂંટણી નહીં લડે કે રાજકારણમાં સક્રિય નહીં થાય પરંતુ હવે તેમને એવુ લાગે છે કે, સમાજના ઉત્થાન માટે પણ પોલીટીકલ પાવર મહત્વનો છે. આ કારણ સર જ તાજેતરમાં જ પુલવામાના શહીદોની યાદમાં આયોજીત રક્તદાન શિબિરમાં તેમણે એવું નિવેદન આપ્યું હતું કે, પાટીદાર સમાજની રાજકીય વગ નહીં હોય તો સમાજનો કોઇ ભાવ પુછશે નહીં. આ નિવેદન પણ ઘણું જ સૂચક છે. જો કે, આવનારા દિવસોમાં નરેશ પટેલ અંગત રીતે ભાજપના આ પ્રયાસોમાં કેટલો રસ લે છે એ પણ જોવાનું રહેશે.