Page Views: 44575

સિંગણપોર ચાર રસ્તા નજીક TV શો-રૂમમાં ભીષણ આગથી વ્યાપક નુકસાન

ઉષા એજન્સીમાં રાખવામાં આવેલા ટી.વી. ફ્રીઝ, એ.સી. અને વોશીંગ મશીનોમાં બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તારમાં ગભરાટ

સુરત-18-3-2019

શહેરના કતારગામ નજીક ડભોલી-સિંગણપોર ચાર રસ્તા નજીક આવેલા એક ટીવીના શોરૂમમાં શોટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. આગને કાબુમાં લેવા માટે ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

બનાવ અંગે મળતી વિગતો અનુસાર, સિંગણપોર ચાર રસ્તા નજીક આવેલા મધુરમ પ્લાઝા બિલ્ડીંગના બીજા માળ પર આવેલી ઉષા એજન્સી નામના ટીવી, ફ્રીજના શો-રૂમમાં બપોરના સમયે શોટ સર્કિટના કારણે ભયંકર આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, ફાયરના લાશ્કરો પહોંચે એ પહેલા તો આ બિલ્ડીંગના બીજા માળના શો રૂમને લપેટમાં લઇ લીધો હતો.

ખાસ કરીને ટીવી, ફ્રીજ, એસી અને વોશીંગ મશીન જેવા ઉપકરણોમાં એક પછી એક ધડાકાઓ થતા આગ ઝડપથી પ્રસરતી ગઇ હતી અને ફાયરના લાશ્કરોને ફણ આગ ઉપર કાબુ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો હતો. ફાયરના લાશ્કરોએ ક્રેઇન મંગાવી અને તેના વડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. સદ નસીબે આગને કારણે કોઇ પણ વ્યક્તિને ઇજા કે જાનહાની થઇ નથી, જો કે, આગમાં લાખો રૂપિયાનો સર સામાન અને ફર્નિચર સહિતની સામગ્રી બળીને રાખ થઇ ગઇ છે. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયા બાદ લાંબા સમય સુધી કુલીંગની કાર્યવાહી પણ કરવી પડી હોવાનું ફાયર ઓફિસર તિવારીએ જણાવ્યું છે.