Page Views: 22279

મંજૂરી ન હોવા છતા સ્કૂલ ચાલુ રાખનારા પ્રભાતતારા સ્કૂલના સંચાલકો વિરૂધ્ધ ગુનો નોંધાયો

ડીઇઓએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી

સુરત-20-2-2019-વર્તમાનન્યૂઝ.કોમ-

રાંદેર રોડ તાડવાડી ખાતે આવેલી પ્રભાત તારા સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા મંજૂરી ન હોવા છતા પણ  પ્રાથમિક સ્કૂલ ચાલુ રાખવામાં આવતા ડિસ્ટ્રીક્ટ એજ્યુકેશન ઓફિસરે તેના ત્રણ ટ્રસ્ટી વિરૂધ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ડીઇઓ હરેશભાઇ હિંમતભાઇ રાજ્યગુરૂએ રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, માં દુર્ગા ટ્રસ્ટના પ્રમુખ મંજુબેન સુર્યદેવ સીંગ, અંકિત સુર્યદેવ સીંગ અને રીટાબેન ઠાકોરભાઇ ચૌધરીએ પ્રભાત તારા સ્કૂલની મંજૂરી વર્ષ2016માં પુરી થઇ ગઇ હોવા છતા પણ સ્કૂલ ચાલુ રાખી હતી. જેથી બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે અને તેના કારણે આ સ્કૂલમાં ભણતા બાળકોને અન્ય કોઇ શાળામાં પ્રવેશ મળી શકે તેમ નથી. ઉપરાંત આ શાળાના બાળકો બોર્ડની એક્ઝામ પણ આપી શકે તેમ નથી. બાળકોના ભવિષ્ય સાથે ખીલવાડ કરનારા આ શાળાના સંચાલકો અને આચાર્યા સહિતના તમામ વિરૂધ્ધ રાંદેર પોલીસમાં ફરિયાદ દાખલ થતા પીએસઆઇ ડી ડી ચૌહાણે ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે.