Page Views: 23223

ફેલોશીપમાં ૮૦ ટકાના વધારાની માગ સાથે એસ.વી.એન.આઈ.ટીના વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન

વિદ્યાર્થીઓએ રેલી વિરોધ કરી વડાપ્રધાન અને માનવ સંસાધન વિભાગને પોસ્ટ કાર્ડ લખ્યા

સુરત-22-01-2019

પીપલોદ ખાતે આવેલી એસ.વી.એન.આઈ.ટીમાં પીએચડી અને એમ.ટેકના વિદ્યાર્થીઓએ સાઇલન્ટ રેલી અને પોસ્ટકાર્ડ લખીને ફેલોશીપના મુદ્દે વિરોધ કર્યો હતો. સાથે ફેલોશીપમાં ૮૦ ટકાનો વધારો માંગ્યો હતો.

સુરતની જાણીતી પીપલોદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા એમ.ટેક અને પીએચડીનો અભ્યાસ કરતા ૬૫૦ જેટલા વિદ્યાર્થીઓને ફેલોશીપ માટે છેલ્લા એક વર્ષથી હાલમાં રૂપિયા ૨૮ હજાર રૂપિયા મળે છે. જેમાં ૮૦ ટકાનો વધારો કરવાની માંગ કરવામાં આવી છે. જે માંગ સાથે વિદ્યાર્થીઓએ આજે લડત ચલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સામાન્ય રીતે ફેલોશીપમાં દર ચાર વર્ષે વધારો કરવામાં આવતો હોય છે. જે ચાર વર્ષ ૨૦૧૮માં પૂર્ણ થતા હોવાથી ત્યારે વધારો થવો જોઈતો હતો. જોકે વર્ષ ૨૦૧૯ ચાલુ થઇ ગયું હોવા છતાં હજુ સુધી કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જેથી આજે એસ.વી.એન.આઈ.ટી કેમ્પસમાં જ વિદ્યાર્થીઓએ સાઇકલ રેલી કાઢી હતી. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ માનવ સંસાધન વિભાગમા પોસ્ટ કાર્ડ લખ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. જેમની માંગ પૂર્ણ નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં લડત વધુ મક્મ દિશામાં લઈ જશે તેવું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.