Page Views: 92174

મોટા વરાછા ઉતરાણ બ્રીજ પર કાર ચાલકે ચાર બાઇક ચાલકોને ઉડાવ્યા

મધરાતે બ્રીજ ઉપર ફિલ્મી દ્રશ્યો જેવો માહોલ જોવા મળ્યો

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

શહેરના કાપોદ્રાથી મોટા વરાછાને જોડતા તાપી નદી પરના બ્રીજ પર ગઇ મધરાતે એક કાર ચાલકે ચાર મોટર સાયકલ સવારોને અડફેટે લીધા હતા. આ અકસ્માતને પગલે એક મહિલા સહિત ચાર વ્યક્તિને ઇજા થઇ હતી.

કાપોદ્રા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, ગઇ રાત્રે પોંણા બાર વાગ્યાના સુમારે શહેરના કાપોદ્રા મોટા વરાછા બ્રીજ ઉપરથી પસાર થઇ રહેલી એક આઇ ટ્વેન્ટી કારના ચાલકે તેની આગળ જઇ રહેલા ચાર બાઇક ચાલકોને એક પછી એક જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને પગલે એક મહિલા સહિત ચારેય બાઇક ચાલકો ફંગોળાઇને પડ્યા હતા અને તમામને નાની મોટી ઇજાઓ થઇ હતી. ફિલ્મનું શુટીંગ ચાલતું હોય એ રીતના દ્રશ્યો ગઇ રાત્રે બ્રીજ પર સર્જાયા હતા. આ ઘટના બન્યા બાદ કાર ચાલકે નાસી છુટવાનો પ્રયાસ કર્યો હતો પંરુત તેની કાર ડિવાઇડર સાથે અથડાતા તેને ફરજીયાત પણે કાર ઉભી રાખવાની ફરજ પડી હતી. સ્થાનિક લોકોએ તુરંત તેને ઝડપી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.

બ્રીજ પરથી પસાર થતા લોકોએ 108ની મદદથી એક મહિલા સહિત ત્રણ યુવાનોને તાત્કાલિક સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જ્યાં બે યુવાનોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.