Page Views: 22525

કેવડિયામાં દેશના પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલ્વે સ્ટેશનનું રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે કરાયું ખાતમુહુર્ત

પ્રાર્થના સભામાં હાજરી આપ્યા બાદ સરદાર પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પી

અમદાવાદ-15-12-2018

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે હતા. જેમણે આજે સવારે કેવડીયા પહોચી સીધા જ વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લીધી હતી. ત્યાં વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ તેઓ વોલ ઓફ યુનિટી ખાતે એક પ્રાર્થના સભામાં જોડાયા હતા. બાદ તેઓ સીધા જ સરદાર પટેલની વિરાટ પ્રતિમા પાસે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભારતના લોહ પુરુષ સરદાર પટેલની વિરાટ પ્રતિમા ખાતે સરદાર પટેલના ચરણોમાં પુષ્પાંજલી અર્પિત કરી હતી.

આ તમામ મુલાકાતો બાદ કેવડિયા ખાતે રેલવે સ્ટેશનનું રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાંસ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાડા ત્રણ કિલોમીટર દૂર આવેલા એક નાના શહેર કેવડિયાને રેલવે સ્ટેશનની ભેટ મળશે. જે રેલવે સ્ટેશન દેશનું પહેલું ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન બનશે. આ રેલવે સ્ટેશન સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. અંદાજીત 20 કરોડનાં ખર્ચે આ રેલવે સ્ટેશનનું નિર્માણ થશે, જેનાથી કેવડિયાના લોકોને ટ્રાન્સપોર્ટેશનનો નવો માર્ગે મળી રહેશે. ગ્રીન રેલવે સ્ટેશનનું ડેમો સ્ટ્રકચર ખાતમુર્હૂત સ્થળે મુકવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન રૂપાણી, રેલ પ્રધાન પિયુષ ગોયલ સહિત દિગ્ગજો હાજર રહ્યા હતા.