Page Views: 37280

થ્રી લેયર સિક્યુરીટીના પોકળ દાવાઓ વચ્ચે સ્પાર્કલમાંથી રૂ.6 લાખના ડાયમંડ ચોરાયા

સી સી ટીવી ફુટેજના આધારે પોલીસે તપાસ આદરી

સુરત-15-12-2018

ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજીત સ્પાર્કલ-2018માં ડાયમંડ જ્વેલરી માટે હાઇ ફાઇ સિક્યુરીટી હોવાના દાવા ચેમ્બર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ સિક્યુરીટી વ્યવસ્થાના છીંડા શોધીને એક તસ્કર દ્વારા સિફત પુર્વક ચોરી કરવામાં આવી છે. પોલીસ અને સિક્યુરીટીનો ચાંપતો બંદોબસ્ત હોવા છતાં પણ તસ્કર કસબ અજમાવીને પલાયન થઇ જતા હાલ પોલીસ દોડતી થઇ છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, સરસાણા ટ્રેડ એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ચેમ્બર દ્વારા આયોજીત સ્પાર્કલ 2018માં 425 સીસી ટીવી કેમેરા, ખાનગી સિક્યુરીટી ગાર્ડ અને ખટોદરા પોલીસના જવાનોના બંદોબસ્તની થ્રી લેયર સિક્યુરીટી સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. આ સિક્યુરીટી વ્યવસ્થા વચ્ચે પણ સ્ટોલ નંબર 122માંથી એક તસ્કર રૂપિયા છ લાખની કિંમતના ડાયમંડની ચોરી કરીને પલાયન થઇ ગયો છે. ઘોડો નાસી છુટ્યા પછી તબેલાને તાળા મારવાના હોય એ પ્રકારે પોલીસ દ્વારા હાલમાં સીસી ટીવી ફુટેજના આધારે આ તસ્કરની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

જો કે, ડાયમંડની ચોરી કરીને નાસી છુટેલા આ અજાણ્યા યુવાન અંગે પોલીસને હજુ સુધી કોઇ જાણકારી મળી શકી નથી. ચેમ્બરના આયોજકો આ મામલે કંઇ પણ કહેવાની સ્થિતિમાં નથી. અગાઉ પણ સ્પાર્કલમાં ચોરીની ઘટનાઓ બની ચુકી છે ત્યારે આ વખતે પણ ડાયમંડ ચોરીની ઘટનાને પગલે જ્વેલર્સમાં ફફડાટ ફેલાયો છે.