Page Views: 41849

દિવ્ય આત્મા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો આજે જન્મ દિવસ

પૂજ્ય સ્વામીએ 150થી વધારે સ્કૂલ,કોલેજ, હોસ્પિટલ, હોસ્ટેલો બંધાવી અને વિશ્વમાં 1300થી વધુ મંદિરો બનાવ્યા

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો જયઘોષ કરનારા સંત પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજનો આજે અંગ્રેજી તારીખ પ્રમાણે જન્મ દિવસ છે. એક અનક્રેડીબલ લાઇફ જીવીને આ પૃથ્વી પર સંચરેલા આ પવિત્ર સંતે એમના જીવનને જ એક સંદેશા સમાન બનાવી જીવન જીવ્યા હતા એમ કહેવું જરા પણ અતિશયોક્તિ ભરેલું નથી.

પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમ્યાન વિશ્વમાં 1300 જેટલા સ્વામિનારાય મંદિરનું નિર્માણ કરાવ્યું છે અને આ તમામ ભવ્ય મંદિરો દેશ વિદેશમાં આજે પણ ભારતીય સનાતન સંસ્કૃતિની ધજા ફરકાવી રહ્યા છે. પૂજ્ય સ્વામીજીએ દેશ વિદેશમાં 150થી વધારે સ્કૂલ, હોસ્ટેલ, કોલેજ અને હોસ્પિટલો બંધાવી છે અને તમામનું હાલમાં સફળ સંચાલન થઇ રહ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજે તેમના જીવનમાં 3.50 લાખ ઘર, ઓફીસ. ફેક્ટરીઓ, મેગા મોલ, શોપની મુલાકાત લઇ અને પધરામણી કરી હતી. આજીવન સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરનારા પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષના સમયગાળામાં ભક્તોને કુલ 7.50 લાખ પત્ર લખ્યા અને તેના જવાબો આપ્યા હતા જે કદાચ મહાત્માગાંધીના પત્ર લેખન કરતા પણ વધારે છે. દેશ વિદેશના 18 હજાર ગામોનો પ્રવાસ કરનારા સંત પ્રમુખ સ્વામી મહારાજે ડાંગ આહવાના ગરીબ આદિવાસીઓના ઝુંપડાથી માંડીને લંડનની પાર્લામેન્ટમાં પણ પધરામણી કરી હતી.

વિશ્વના દેશોમાં વધતા ડોક્ટરો, સી.એ. એન્જીનિયર સહિત કોર્પોરેટ જગતના અને ઉદ્યોગ જગતના એક હજાર સંતોને દીક્ષા આપી હતી. વિશ્વને 55 હજાર સ્વયં સેવકોની ભેટ આપી છે જે સમગ્ર વિશ્વમાં કુદરતી આફત સમયે પોતાની સેવા આપવા માટે તત્પર રહે છે. કચ્છમાં આવેલા ભૂકંપ વખતે 30મી જાન્યુઆરીએ રાહત સામગ્રીનું જહાંજ કંડલા બંદર પર ઉતારીને 509 ગામોમાં આ રાહત સામગ્રીનું વિતરણ કર્યું હતું. તેમજ વિવિધ ગામોમાં 4500 ઘર બંધાવી આપ્યા હતા. પરમ પવિત્ર આત્મા એવા અવતારી સંત પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જન્મ દિવસે એમની સેવાની જ્યોત સદાય પ્રજલવિત રહે એવી જ વર્તમાન ન્યૂઝ પરિવારની પ્રાર્થના