Page Views: 22395

મનરેગા યોજનામાં ભરતીના સમાચાર ખોટા : યુવાનો ગેરમાર્ગે દોરાય નહિ

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે પોસ્ટ

અમદાવાદ-05-12-2018

લોક રક્ષક પરિક્ષામાં પેપર ફૂટવાની ઘટના બાદ સરકારના અધિકારીઓ સતર્ક થઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં મનરેગા યોજના હેઠળ મોટા પાયે ભરતીની પોસ્ટ વાયરલ થઇ છે. જેને કારણે યુવાનો ગેરમાર્ગે ન દોરાય અને કોઈ પ્રકારની છેતરપીંડીનો ભોગ ન બને તે માટે ગામ વિકાસ વિભાગના અધિક કમિશનર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સોશિયલ મીડિયામાં આવતી આ પ્રકારની પોસ્ટ તદ્દન ખોટી છે. આવી ભરતી પ્રક્રિયા માટેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.  

‘મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજના’ અંતર્ગત ગુજરાતના પ્રત્યેક જીલ્લામાં તાલુકા અનુસાર ૨૫ હાજર પદો પર ભરતી અંગે સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસોથી સમાચારો વાયરલ થયા છે. જે અંગે યુવાનોને સતર્ક કરતા ગ્રામ વિકાસ વિભાગના અધિક કમિશનર દ્વારા જણાવાયું હતું કે મનરેગા યોજનામાં ભરતી પ્રક્રિયાની સત્તાઓ રાજ્ય કક્ષાએ કમિશનર ગ્રામ વિકાસની કચેરી, ગાંધીનગર પાસે છે. કેટલાક તત્વો દ્વારા મનરેગા યોજનામાં ભરતી પ્રક્રિયા માટે જે સમાચારો સોશિયલ મીડિયામાં વહેતા કરાયા છે તે તદન ખોટા અને ગેરમાર્ગે દોરનારા હોઇ તમામ નાગરિકોએ એની ખાસ નોંધ લઈને ગેરમાર્ગે દોરાય નહિ.