Page Views: 28529

અખબાર એ સમાજનું અભિન્ન અંગ છે, જ્યાં સુધી માનવીનું અસ્તિત્વ છે, ત્યાં સુધી અખબારોને ઊની આંચ પણ નહિ આવે: કાનજીભાઈ ભાલાળા

ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સંયુકત ઉપક્રમે ‘‘ડીજીટલ યુગમાં પત્રકારત્વના સિધ્ધાંતો અને પડકારો’’ વિષય પર સેમિનાર યોજાયોઃ

સૂરતઃ 19-11-2018

 ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સંયુકત ઉપક્રમે પ્રેસ-ડેની ઉજવણીના ભાગરૂપે ‘‘ડીજીટલ યુગમાં પત્રકારત્વના સિધ્ધાંતો અને પડકારો’’ વિષય પર પ્રિન્ટ/ઈલેકટ્રોનિકસ અને ડીજીટલ મીડિયાના તંત્રીશ્રી/પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં ચેમ્બર કોમર્સના સમૃધ્ધિ હોલ ખાતે સેમિનાર યોજાયો હતો. 

              આ પ્રસંગે સામાજિક અગ્રણી અને વરાછા બેન્કના ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળાએ મીડિયા સામેના પડકારો વિષે વિસ્તૃત અને રસપ્રદ જાણકારી આપતાં જણાવ્યું હતું કે, માનવ જીવન પડકારો અને સંઘર્ષોનો સરવાળો છે. લોકશાહીનો ચોથો સ્થંભ ગણાતા મીડિયા જગતમાં પડકારોની ભરમાર છે.  સમયની સાથે લોકમાનસ, લોકાભિગમ અને મીડિયાની કાર્યશૈલીમાં નિરંતર પરિવર્તન આવતું રહ્યું છે. ૧૫મી ઓગસ્ટ આઝાદી અને ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે રાષ્ટ્રીય ચેતનાનું પર્વ છે, એ જ રીતે નેશનલ પ્રેસ ડે મીડિયા ક્ષેત્રનું ઉત્તરદાયિત્વ નિભાવવાનું અને આવનારા પડકારો સામે સુસજ્જ બનવાની પ્રેરણા આપતું પર્વ હોવાનું શ્રી ભાલાળાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, 

               સમાજજીવનને ધબકતું રાખવા, લોકસમસ્યાઓનો પડઘો પાડવા મીડિયાના પ્રહરીઓ પારિવારિક અને સામાજિક જીવનની કુરબાની આપે છે. ડીજીટલ વેબ અને સોશ્યલ મીડિયાના જમાનામાં આજે પણ એક વર્ગ એવો છે જેમની સવાર અખબાર વાંચ્યા પછી જ પડતી હોય છે. જ્યાં સુધી માનવીનું અસ્તિત્વ છે, ત્યાં સુધી  અખબારોને કોઈ ઊની આંચ નહિ આવે એમ તેમણે દ્રઢતાથી જણાવ્યું હતું.

            સમાજના અભિન્ન અંગ એવા અખબારોનો વિકલ્પ મળવો મુશ્કેલ છે એમ જણાવી તેમણે પત્રકાર એ સમાજનો સંદેશવાહક, ચોકીદાર હોવા સાથે જ એક શિક્ષકની ભૂમિકા પણ ભજવી રહ્યો છે, ત્યારે પત્રકારે લોકમાનસનું ઘડતર કરવાની જવાબદારી નિભાવવી પડશે. પોતાની શ્રેષ્ઠ શક્તિઓના ઉપયોગ વડે હાથ પર લીધેલા કાર્યને દીપાવવું જોઈએ. કર્તવ્યનું પાલન કરવું એ જ સાચો ધર્મ છે એ સૂત્રને આત્મસાત કરી પત્રકારે જનહિતને સર્વોપરી ગણી અખબારી ધર્મ નિભાવવો જોઈએ એમ ઉમેર્યું હતું.

         શ્રી ભાલાળાએ વાંચન ખુબ જરૂરી હોવાનું જણાવી કહ્યું કે, પત્રકાર એક ઉત્તમ વાંચક હોવો જોઈએ, અને બહોળું વાંચન જ તેના લખાણમાં ઊંડાણ જન્માવે છે. સમાજના વિવિધ વર્ગોના વિચારો, અભિપ્રાયોને, વર્તમાન સામાજિક-રાજનૈતિક પ્રણાલીને નિષ્પક્ષતાથી રજૂ કરતા મીડિયા માટે ધાર્મિક સંસ્થાઓ અથવા રાજકીય શક્તિઓ તરફથી ભય ઊભો થઇ રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. માહિતી વિસ્ફોટના આ યુગમાં સાચા અને અર્થપૂર્ણ સમાચારોથી લોકોને વાકેફ કરી લોકમાનસનું ઘડતર કરવાની દિશામાં પત્રકારોએ આગળ પડતી ભૂમિકા ભજવવી પડશે. મીડિયા પાસે અભિવ્યક્તિની તાકાત છે, પરંતુ દરેક અધિકાર અને પાવર સાથે વિશેષ જવાબદારીઓ પણ જોડાયેલી હોય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા હોવી જરૂરી છે, તે સાથે સ્વતંત્રતાનો મર્યાદાપૂર્વકનો ઉપયોગ પણ જરૂરી છે એમ તેમણે જણાવી ઉપસ્થિત સૌ મીડિયાકર્મીઓને પ્રેસ દિનની શુભકામનાઓ પાઠવી હતી.

               નિવૃત સંયુકત માહિતી નિયામકશ્રી સેસિલ ક્રિસ્ટીએ જણાવ્યું હતું કે, ડીજીટલ યુગમાં પ્રિન્ટ અને ઈલેકટ્રોનિકસ મીડિયા સામે અનેક પડકારો રહેલા છે. ડીજીટલ મીડિયામાં સમાચારની સત્યતાનો અભાવ વર્તાય છે તેની સામે અખબાર વાંચવાથી જ સમાચારની વિશ્વનિયતતા નક્કી થાય છે. આમ અખબારોએ પોતાની વિશ્વસનીયતા ટકાવી રાખવી પડશે. ડીજીટલ યુગમાં પોલિટીકલ પાર્ટીઓ રોજે રોજ એક બીજાની તરફેણ- વિરૂધ્ધમાં સમાચારોનું પ્રસારણ કરતા હોય છે. લોકોને સનસનાટી ભર્યા સમાચારો ગમે છે જેને સોશ્યલ અને ડીજીટલ મીડિયા પોષે છે પરંતુ કોઈપણ ન્યુઝની સત્યતાની ચકાસણી કરીને ત્યાર બાદ જ રજુ કરવામાં આવે તે જરૂરી છે. 

આ વેળાએ પ્રશ્નોત્તરી કરતા શ્રી કાનજીભાઈ ભાલાળા અને શ્રી સેસિલ ક્રિસ્ટીએ ઉપસ્થિત તંત્રીશ્રી- પત્રકારોએ ફેક ન્યુઝ, અખબારી મૂલ્યો, પત્રકારની સજ્જતા, સોશ્યલ મીડિયાના પ્રભાવ પર પૂછેલા પ્રશ્નોના માહિતીપ્રદ ઉત્તરો આપ્યા હતા.

           આ પ્રસંગે સંયુક્ત માહિતી નિયામકશ્રી ભાવસિંહ રાઠવાએ પ્રેસ કાઉન્સિલની ભૂમિકા આપી હતી. શ્રી રાઠવાએ ઉપસ્થિત તંત્રી/પ્રતિનિધિશ્રીઓને આવકારતાં કહ્યું કે, પ્રેસ કાઉન્સિલ સમાજને ઉપયોગી અને સાચી હકીકત ઉજાગર કરતા પત્રકારોને પ્રેરણા આપવાનું કાર્ય સુપેરે નિભાવી સમાજના જાગૃત પ્રહરી, નીડર મીડિયાના હિતોનું રક્ષણ કરવાની ભૂમિકા અદા કરે છે. અનેક પડકારો વચ્ચે સમાજના વૈચારિક વિકાસ માટે ઝઝૂમતાં પત્રકારો પોતાની ફરજ અહર્નિશ બજાવી સમાજનું દિશાદર્શન કરવાની સરાહનીય ફરજ બજાવી રહ્યા હોવાનું શ્રી રાઠવાએ જણાવ્યું હતું.

       સ્વાગત પ્રવચન નાયબ માહિતી નિયામકશ્રી એમ.એસ.વળવી તથા આભારવિધિ સહાયક માહિતી નિયામકશ્રી આર.આર.તડવીએ આટોપી હતી. 

સેમિનારનું રસાળ શૈલીમાં સંચાલન કરતા ચિત્રલેખાના યુવા પત્રકારશ્રી ફૈસલ બકીલીએ જણાવ્યું કે, ડીજીટલ યુગના પ્લેટફોર્મના ઉપયોગ સાથે મીડીયા જગતમાં હરીફાઇ વધવાની સાથે તેની સામે પડકાર પર એટલા જ ઊભા થયા છે, જેથી સમાચારની સત્યતા જાળવવી એટલી જ કપરી બની રહી છે. જેથી ડીજીટલ યુગમાં કોઈ પણ અખબાર કે ન્યુઝ ચેનલ માટે વિશ્વનીયતા સૌથી અગત્યની છે. અને વિવેકભાન સાથે સમાજને આયનો બતાવવાનું કાર્ય થાય તે જરૂરી છે હોવાનું જણાવ્યું હતું. સમગ્ર સેમિનારનું સફળ આયોજન માટે સહાયક માહિતી નિયામકશ્રી સહાયક માહિતી નિયામકશ્રી ઉમેશ બાવીશા, માહિતી મદદનીશશ્રી મહેન્દ્ર વેકરીયા, સહાયક અધિક્ષકશ્રી અક્ષય દેસાઈ, શ્રી પરેશ ટાપણીયાએ જહેમત ઉઠાવી હતી.

               ઉલ્લેખનીય છે કે, અખબારી જગત સાથે સંકળાયેલી સંસ્થા “પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા” ની ૧૬મી નવેમ્બર,૧૯૫૬ ના દિવસે સ્થાપના થઇ હતી. પ્રેસ કાઉન્સીલના જન્મ દિવસને પ્રત્યેક વર્ષ સંભારણારૂપે ઉજવવા અને મીડિયાની સમાજમાં સંનિષ્ઠ લોકપ્રહરીની ભૂમિકાથી સમાજને અવગત કરાવવા માટે વર્ષ ૧૯૯૭માં ૧૬મી નવેમ્બરને નેશનલ પ્રેસ ડે રૂપે ઉજવવાનો નિર્ણય લેવાયો અને ત્યારથી સમગ્ર ભારતમાં આ દિવસની પ્રેસ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે.