Page Views: 24520

દશેરા પહેલા શહેરમાં ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા

અઠવા અને રાંદેર ઝોનમાંથી મીઠાઇ, ફાફડા જલેબીના સેમ્પલો લેવાયા

સુરત-17-10-2018

દશેરાના તહેવાર નિમિત્તે શહેરમાં ફાફડા અને જલેબીનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે અને શહેરીજનો હજારો કિલો ફાફડા જલેબી ઝાપટી જાય છે. શહેરીજનોને આરોગ્યપ્રદ ફરસાણ મળી રહે અને તેલ તેમજ ઘી માં ફરસાણના વેપારીઓ ભેળસેળ ન કરે તે માટે શહેરના અઠવા અને રાંદેર ઝોનમાં આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા ફરસાણના વેપારીઓને ત્યાં દરોડા પાડીને સેમ્પલો લેવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ઉધના મગદલ્લા રોડ પર આવેલા ગાયત્રી ફરસાણ માર્ટ ઉપર દરોડા પાડ્યા  હતા. ગાયત્રી ફરસાણ માર્ટમાંથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ફાફડા, જલેબી સહિતના અન્ય ફરસાણના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત શહેરના રાંદેર, અડાજણ વિસ્તારમાં આવેલી ફરસાણની દુકાનોમાંથી પણ ફરસાણના સેમ્પલ લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની કામગીરીને પગલે ફરસાણના વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.