Page Views: 30050

સુરતની મહિલાના હૃદય સહિતના અંગોનું દાન – ચાર વ્યક્તિને નવુ જીવન મળ્યું

સોની પગારેનું હૃદય મુંબઇની શ્રધ્ધા કનોજીયામાં ધબકતું થયું

સુરત- 29-9-2018

સોનીના લગ્ન આશરે છ મહિના પહેલા ધુલિયાના રહેવાસી કપિલ સાથે થયા હતા. સોની રક્ષાબંધનના તહેવાર નિમિતે તેના પતિ કપિલની સાથે સુરત પોતાના પિતાને ત્યાં આવી હતી. તા.૨૪ સપ્ટેમ્બરના રોજ અગમ્ય કારણસર ફીનાઈલ પી જતા તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પીટલમાં સર્જીકલ વિભાગના વડા ડૉ.મુકેશ પંચોલીની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી હતી. ગુરુવાર તા.૨૭ સપ્ટેમ્બરના રોજ ન્યુરો સર્જન ડૉ. જીગર શાહ, સર્જરી વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ.રોહન ગુપ્તા, R.M.O ડૉ. એમ.સી.ચૌહાણે સોનીને બ્રેનડેડ જાહેર કરી હતી. નવી સિવિલ હોસ્પીટલના ડૉ. નીલેશ કાછડીયાએ ડોનેટ લાઈફના પ્રમુખ નીલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી સોનીના બ્રેનડેડ અંગેની માહિતી આપી હતી.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી સોનીના પતિ કપિલ,  પિતા સુનીલ, માતા સિંધુ, બનેવી દિનેશ, ભાઈ મંગેશ તેમજ પરિવારના અન્ય સભ્યોને ઓર્ગન ડોનેશનની જાણકારી આપી તેનું મહત્વ સમજાવ્યું હતું.સોનીના માતાપિતા સુનીલ અને સિંધુ તથા પતિ કપિલે જણાવ્યું કે બનવાકાળ જે બનવાનું હતું તે બની ગયું છે પરંતુ આજે જયારે અમારી દીકરી-પત્ની બ્રેનડેડ થઈ છે અને તેનું મૃત્યુ નિશ્વિત જ છે ત્યારે તેના અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવા માટે આપ આગળ વધો. વધુમાં સોનીના પિતાએ તેમજ પતિએ જણાવ્યું કે અમે મજુરી કરીને અમારા પરિવારનું ભરણપોષણ કરીએ છીએ. અમે જીવનમાં કોઈપણ વસ્તુનું દાન કરી શકીએ તેમ નથી. આથી આજે સોની બ્રેનડેડ છે ત્યારે તેના અંગો બળીને રાખ થઇ જાય તેના કરતા તેના અંગોના દાન થકી કોઈકના લાડકવાયાને નવજીવન આપો. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નીલેશ માંડલેવાલાએ અમદાવાદની  Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ના ડો. પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની અને લિવરનું દાન લેવા આવવા માટે જણાવ્યું. જયારે હૃદયના દાન માટે ગુજરાતની હોસ્પીટલમાં હ્રદયના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ન હોવાને કારણે ગુજરાતની ટ્રાન્સપ્લાન્ટ ઓર્થોરાઈઝેશન કમિટીના ચેરમેન ડૉ. એમ.એમ. પ્રભાકરનો સંપર્ક કર્યો હતો.

ડૉ. પ્રભાકરે ROTTO મુંબઈનો સંપર્ક કર્યો. ROTTO મુંબઈ દ્વારા હૃદય મુલુંડમાં આવેલ ફોર્ટીસ હોસ્પિટલને આપવા જણાવવામાં આવ્યું હતું. મુંબઈની ફોર્ટીસ હોસ્પિટલના ડૉ. સંદીપ સિંહા અને તેમની ટીમે સુરત આવી હ્રદયનું દાન સ્વીકાર્યું હતું. જયારે અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડૉ.વિકાસ પટેલ અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું હતું. સુરતની નવી સિવિલ હોસ્પિટલથી મુંબઈ, મુલુંડમાં આવેલ ફોર્ટીસ  હોસ્પિટલ સુધીનું ૨૬૯ કિ. મી નું અંતર ૧૨૦ મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું સફળતા પૂર્વક ટ્રાન્સપ્લાન્ટ ચેમ્બુર, મુંબઈની રહેવાસી શ્રદ્ધા કમલેશ કનોજીયા ઉ.વ ૩૭ માં ચીફ કાર્ડિયાક સર્જન ડૉ. અન્વય મુલે અને તેમની ટીમ દ્વારા કરી, રાત્રે ૧૧:૪૫ કલાકે તેને ICU માં ખસેડવામાં આવી છે.

શ્રદ્ધાએ સપ્ટેમ્બર ૨૦૧૬ માં દીકરીને જન્મ આપ્યા પછી તેને નવેમ્બર ૨૦૧૬ માં હૃદયની તકલીફની શરૂઆત થઇ હતી. તેના હ્રદયની પમ્પીગ ક્ષમતા ઘટીને ૧૫% થઇ ગઈ હતી. ત્યારબાદ ધીમે ધીમે હૃદયની પમ્પીગની ક્ષમત ધટીને ૫% થી ૧૦% જેટલી થઇ ગઈ હતી. તેને ચાલવામાં પણ ખુબજ મુશ્કેલી પડતી હતી  શ્રદ્ધાના પતિ કમલેશ ચેમ્બુરમાં મોબાઈલ રીપેરીંગનું કામ કરી રહ્યા છે અને તેમના પરિવારમાં બે દીકરીઓ છે છેલ્લા ૩૪ મહિનામાં સુરતમાંથી હદય  ટ્રાન્સફર અને ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની આ વીસમી ધટના છે, જેમાંથી ચૌદ હૃદય મુંબઈ, ત્રણ હૃદય અમદાવાદ, એક હૃદય ચેન્નાઈ, એક હૃદય ઇન્દોર અને એક હૃદય નવી દિલ્હી મોકલવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી કિડની પૈકી એક કિડની અમદાવાદના રહેવાસી જીતેન્દ્ર રમેશભાઈ પટેલ ઉ.વ. ૫૦ અને બીજી કિડની મુંબઈના રહેવાસી હસમુખ ચંદુલાલ શેઠ ઉ. વ. ૬૬માં જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી ઝહીર પરવેઝ કેકોબાદ ઉ. વ. ૬૭માં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)માં       ડો. પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

અંગદાન મેળવવાની સમગ્ર પ્રક્રિયામાં સોનીના પતિ કપિલ, પિતા સુનીલ, માતા સિંધુબાઈ, બનેવી દિનેશ, ભાઈ મંગેશ તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ. જીગર શાહ, R.M.O ડૉ. એમ.સી.ચૌહાણ, સર્જીકલ વિભાગના વડા       ડૉ. મુકેશ પંચોલી, સર્જરી વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ.રોહન ગુપ્તા, ડૉ.નીલેશ કાછડિયા, ડૉ.ચિરાગ તુલ્સ્યાની, નવી સિવિલ હોસ્પિટલનો સ્ટાફ, ડોનેટ લાઈફના પ્રમુખશ્રી નીલેશ માંડલેવાલા, મંત્રીશ્રી રાકેશ જૈન, ડૉ. ડેઝી ગલ્લેદાર, રમેશભાઈ વઘાસિયા, ડેનીશ ચોવાલા, મહેન્દ્રસિંહ ગોહિલ, અસ્ફાક શેખ, અંકિત પટેલ, ડેનીસ સતાસિયા, મયુર પામક, દેવેશ ભરૂચા, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, યોગેશ પ્રજાપતિ અને જીતેન્દ્ર મોરેનો સહકાર સાંપડ્યો હતો.